શ્વાન હંમેશા જ તેમની વફાદારી માટે વખણાય છે કે તેને એના માટે જ યાદ કરવામાં આવે છે. પોતાના માલિક પર જો કોઈ મુસીબત આવી પડે તો તેઓ એ મુસીબત પોતાના પર વહોરી લેતા પણ અચકાતા નથી. આજે આપણે અહીં આવા જ શ્વાનની વાત કરીશું કે જેણે પોતાના જાનની આહૂતિ આપીને આઈટીબીપીના જવાનોના જાન બચાવી લીધા હતા.
છત્તીસગઢના નારાયણપુરમાં એક શ્વાનને આવતા જતા જવાનો ખાવાનું આપતા હતા એમનો જીવ બચાવવા માટે શ્વાને પોતાનો જીવ આપી દીધો હતો. ઈન્ડિયન તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ સમયે આ શ્વાન જઈને નક્સલીઓ માટે લગાવવામાં આવેલા પ્રેશર આઈઈઈડી પર બેસી ગયું હતું અને એ જ સમયે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં શ્વાનનું મૃત્યુ થયું હતું અને જવાનો આબાદ બચી ગયા હતા.
પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધનોરા ક્ષેત્રમાં બુધવારે બપોરે આઈટીબીપીના જવાનો પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા અને એ જ સમયે ગામનો આ શ્વાન પણ તેમની સાથે ચાલી રહ્યો હતો. જવાનો જ્યારે હિકપોલ અને ટેકાનારના જંગલમાં પહોંચ્યા ત્યારે ત્યાં નક્સલીઓ માટે મૂકવામાં આવેલા આઈઈઈડી પ્રેશર બોમ્બ પર જઈને બેસી ગયો હતો અને એ જ સમયે મોટો બ્લાસ્ટ થયો હતો. ઘટનાસ્થળે જ શ્વાનનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે અન્ય એક જવાન મનોજ યાદવે ઈજા પહોંચી હતી.
જવાનો રોજ આ શ્વાનને ખાવાનું આપતા હતા અને જ્યારે બુધવારે જવાનો પેટ્રોલિંગ માટે નીકળ્યા ત્યારે આ શ્વાન પણ તેમની સાથે ચાલી રહ્યો હતો અને પોતાનો જીવ આપીને તેણે ભારત માતાના સપૂતોની રક્ષા કરી હતી.