સુરતના ઉધના વિસ્તારના રિક્ષાચાલક આધેડનું તબીબી બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ ઘટના બાદ તબીબની ડિગ્રી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે અને તપાસ કરવામાં આવશે, તેવી ખાતરી પોલીસે આપી હોવાનું સૂત્રો દ્વારા જણવા મળ્યું હતું
મહારાષ્ટ્ર, પારોળાના બાદરપુરના વતની 45 વર્ષીય ભટુભાઈ પાટીલ પરિવાર સાથે ઉધના રોડ નં. 4 ખાતે નહેરુ નગરમાં રહેતા હતા. રિક્ષા ચલાવી બે પુત્ર સહિતના પરિવારનું પેટિયું રળતા ભટુભાઈને ગત તા. ૧૦મીએ છાતીમાં દુઃખાવો થતા સ્થાનિક વિસ્તારના ડોક્ટર પાસે સારવાર કરાવી હતી. ત્યારબાદ બીજા દિવસે ફરી ભટુ ભાઈને તબિયતમાં સુધારો નહીં જણાતા સાંજે સારવાર લેવા ગયા હતા.
પરંતુ બીજા દિવસે ડોક્ટરને બદલે તેની પત્નીએ ભટુ ભાઈને સલાઈન ચઢાવી તેમાં સાતથી આઠ ઇન્જેક્શન નાંખ્યા હતા. સલાઈન પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરેલા ભટુ ભાઈએ ચક્કર આવી રહ્યા હોવાની ફરિયાદ કરતા પરિવારના સભ્યોએ તેમને 108-એમ્બ્યુલન્સમાં સિવિલમાં ખસેડ્યા હતા.
જોકે, સિવિલમાં તબીબી સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આથી તબીબ અને તેમના પત્નીની બેદકારીને લીધે આ મોત થયાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. તબીબની ડિગ્રીને લઈ પણ પરિવારજનોએ શંકા વ્યક્ત કરી આક્ષેપ કરતા પોલીસ તપાસની માંગ કરી હતી. આ સાથે પત્ની આ રીતે સારવાર કઈ રીતે આપી શકે અને તેમની શૈક્ષણિક યોગ્યતા શું છે તે અંગે પણ તપાસ કરવાની માગણી પરિવારે કરી હતી.
ઉધના પોલીસે મૃતકનુ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે ક્લિનીક ચલાવતા તબીબ અને તેની પત્નીની ડિગ્રીની પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગની મદદથી ખરાઈ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમમાં મૃતકના વિશેરાના સેમ્પલ લઈએફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભટુભાઈના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.