Homeટોપ ન્યૂઝવાર્તા રે વાર્તાઃ પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ ? આ સવાલનો જવાબ આપશે...

વાર્તા રે વાર્તાઃ પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ ? આ સવાલનો જવાબ આપશે બેંકનું લોકર

સોસાયટીના નાકા પર આવેલી રમણીકભાઈની કરિયાણાની દુકાન પર સુનીલ અને કમલ ગપાટા મારી રહ્યા હતા. તેમાં વાત નીકળી રજતની. રજતની પ્રગતિ વિશે સુનીલે કહ્યું કે છેલ્લા દસેક વષર્થી મંડ્યો તો, હવે તો મહેનત રંગ લાવે ને. ધંધો કેવો જમાવ્યો છે, બે ગાડી લીધી ને નવો ફ્લેટ પણ લખાવ્યો છે. ત્યાં તો કમલને ચટકો ચડ્યો. મહેનત તો બધા કરે છે, આપણે નથી કરતા? પણ નસીબ જોર કરતા હોય તો આ બધું મળે, બાકી આપણી જેમ, બે રૂમ રસોડાના ફ્લેટ ને એક બાઈકમાં જિંદગી નીકળી જાય. બન્ને વચ્ચે મહેનત અને નસીબને લઈને જામી. ત્યાં આવ્યા સરલાબેન તે પણ જોડાયા તેમની સાથે. ચર્ચાએ તો જોર પકડયું. થોડી વારમાં ભાવિન અને નતાશા પણ જોડાયા. રમણીકભાઈના પત્ની શોભનાબેન પણ મંડ્યા. બધા પોતાપોતાના અનુભવોને આધારે ફિલોસોફી ઝાડવા લાગ્યા. આ બધા ચા વિના ચર્ચા કરી રહ્યા હતા ત્યાં માધુરીબેન આવી ચડ્યા. માધુરીબેન નિવૃત્ત શિક્ષિકા હતા અને સોસાયટીમાં સૌ તેમની ઈજ્જત કરે. તેમની પાસેથી સલાહ પણ લે. સૌને બારબપોરે ભેગા  મળવાનું માધુરીબેને કારણ પૂછ્યું તો ખબર પડી કે બધા રમણીક ભાઈની દુકાને આવ્યા તા તો સામાન લેવા, પણ ગપાટા મારવા બેસી ગયા. માધુરીબેને પૂછ્યું કે ભઈ આવા કયા વિષય પર તમે બધા ચોંટી ગયા છો ? શોભનાબેને આખી વાત કહી. અચ્છા તો રજતે બધાને કામે લગાડ્યા છે એમ? …હા, પણ તમે શું માનો છો માધુરીબેન? સુનીલે પૂછ્યું. માધુરીબેને પહેલા વિચાર્યું અને પછી પોતાના પર્સમાંથી બેંકના લોકરની ચાવી કાઢી. કોઈ સમજી ન શકયું. માધુરીબેને કહ્યું કે હું આજે બેંકમાં ગઈ હતી. મારી પાસે ચાવી પણ હતી. કેટલું મથી પણ લોકર ખૂલ્યું જ નહીં. બધા નવાઈ પામ્યા. સરલાબેને ખચકાતા કહ્યું કે માધુરીબેન, બેંકના અધિકારીએ પણ પોતાની ચાવી લગાવવાની હોય ને…બાકી લોકર ક્યાંથી ખૂલે? માધુરીબેને સ્મિત આપ્યું અને કહ્યું કે પ્રારબ્ધ ને પુરુષાર્થનું પણ આવું જ છે. તમારા હાથમાં જે ચાવી છે, તે પુરુષાર્થની છે અને ભાગ્ય કહો કે ભગવાન તેમના હાથમાં ચાવી છે તે પ્રારબ્ધની છે અને બન્નેથી જ લોકર ખૂલે છે. પણ, હા લોકર આપણું છે એટલે આપણું કામ પુરુષાર્થની ચાવી લગાવ્યા કરવાનું છે. ક્યારેક બને કે બેંકર ચાવી શોધવામાં થોડો સમય લગાવી દે, પણ જો આપણે યોગ્ય ચાવી લગાવશું તો બેંકરને કોઈ વાંધો નથી, તે તો પોતાની ચાવી લગાવશે જ. પણ પહેલ તો આપણે જ એટલે કે પુરુષાર્થે જ કરવાની હોય છે. માધુરીબેનની વાત સાંભળી બધાને સંતોષ થયો. જોકે બધા ઘરે કામ અધરું મૂકીને આવ્યા હતા એટલે વાતો કરી પૂરી ને પોતાપોતાનો સામાન લઈ ઘરે ગયા.
આપણે સૌને એમ થતું હોય છે કે આપણા કરતા બીજાનું નસીબ વધારે ચમકે છે. ઘણીવાર બને કે કોઈ વસ્તુ મેળવવા એક વ્યક્તિએ ઘણી મહેનત કરવી પડે અને બીજાને લગભગ તૈયાર બેઠા મળી જાય. અથવા તો એમ પણ બને કે કોઈ ઓછી ક્ષમતાવાળો આપણાથી આગળ નીકળી જાય. નસીબ કે સારો સમય પોતાનું કામ કરતો હોય છે, પરંતુ તે ચાવી તો આપણા હાથમાં નથી તો આપણે પુરુષાર્થની ચાવી લગાવતા રહીએ, ભાગ્ય ક્યારેક તો પ્રારબ્ધની ચાવી લગાવશે જ ને…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -