આપણે ત્યાં નવા નવા કોમ્યુટર આવ્યા ત્યારે ગણતરીના જ કોમન ઈન-બિલ્ટ વોલપેપર જોવા મળતા હતા અને એમાં પણ સૌથી કોમન વોલપેપર એટલે ઉપર સરસ મજાનું આછું વાદળી રંગનું આકાશ અને નીચે સુંદર આંખોને ઠંડક આપતું લીલુંછમ ઘાસવાળું મેદાન… વિન્ડોઝના XPના વર્ઝન પર દેખાઈ રહેલી આ તસવીરની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
થોડાક ભૂતકાળમાં જઈએ તો 2001 અને 2007ની વચ્ચે જો તમે ઓફિસ કે પછી કોઈના પર્સનલ કોમ્પ્યુટર જોયા હશે તો સ્ક્રીન પર આ એક જ કોમન વૉલપેપર જોવા મળતું હતું. જોકે, હજી પણ અનેક જગ્યાએ ડેસ્કટોપ પર આ ફોટો હજી પણ યથાવત છે. આ ફોટોને લઈને મોટાભાગના લોકોની એવી માન્યતા હતી કે આર્ટિફિશિયલ છે અને દુનિયામાં આવી કોઈ જગ્યા અસ્તિત્ત્વમાં જ નથી અને આ ફોટોને કોમ્પ્યુટરમાં ગ્રાફિક્સની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ હકીકતમાં એવું નથી. આ ફોટો જ્યાંનો છે એ જગ્યાની માહિતી સામે આવી ગઈ છે. આવો જાણીએ કે આખરે આ ફોટો ક્યાંનો છે, આ ફોટો કોણે ક્લિક કરેલો કે જે કોમ્પ્યુટરના વોલપેપરના માધ્યમથી દુનિયાના કરોડો યુઝર્સ સુધી પહોંચી ચૂકી છે.
વાદળી આકાશ અને દૂરથી દેખાતા ઘાસના લીલા મેદાનનો આ ફોટો કેલિફોર્નિયાના સોનોમા વિસ્તારનો છે અને આ ફોટો ફોટોગ્રાફર ચાર્લ્સ ઓરિયરે જાન્યુઆરી 1996માં ક્લિક કર્યો હતો. ચાર્લ્સે બપોરના સમયે ત્યારે આ ફોટો ક્લિક કર્યો હતો કે જ્યારે તે તેમની ગર્લ ફ્રેન્ડને મળવા જઈ રહ્યો હતો. પ્રવાસ દરમિયાન તેણે આ ફોટો ક્લિક કર્યો હતો અને એ સમયે તેને એવી જરાય કલ્પના નહોતી કે તેણે ક્લિક કરેલો આ ફોટો વિશ્વનો સૌથી વધુ જોવાયેલા ફોટામાંથી એક ફોટો બનશે.
વિશાળ ટેક કંપની માઇક્રોસોફ્ટ દ્વારા તેની વિન્ડોઝ XP એડિશનમાં વોલપેપર તરીકે તેની તસવીર રજૂ કરવામાં આવી હતી. આ ફોટો વ્હાઇટ હાઉસથી રશિયન રાષ્ટ્રપતિના ઓફિશિયલ કોમ્પ્યુટર પર દેખાતી હતી. આ તસવીર દુનિયાના દરેક ભાગમાં પહોંચી અને લોકોના મનમાં એક છાપ છોડવામાં સફળ રહી.
2014માં માઇક્રોસોફ્ટે તેને તેના વિન્ડોઝ ડેટામાંથી કાઢી નાખ્યું હતું. આ નિર્ણય લેવામાં આવ્યો તે પહેલાં આ ફોટો 300 મિલિયન કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. વર્તમાન સમયની વાત કરીએ તો વિશ્વભરના 0.1 ટકા વપરાશકર્તાઓ હજી પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે.
ચાર્લ્સે આ ફોટો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ ફોટામાં રંગોને વધારવા માટે Fuji ફિલ્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ મને કલ્પના નહોતી કે આ ફોટો વિશ્વભરમાં આટલો બધો ફેમસ થઈ જશે. ફોટોમાં જોવા મળી રહેલી આ ટેકરીની એ સમયની સ્થિતિ અલગ હતી અને હવે પરિસ્થિતિ તદ્દન અલગ છે. હાલમાં ટેકરી પર ખેતી કરવામાં આવી રહી છે. હવે ડુંગરની પાછળ વૃક્ષો પણ ઉગી ગયા છે.