Homeવીકએન્ડડુ યુ નો યુકે અને ઇંગ્લેન્ડ વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે!

ડુ યુ નો યુકે અને ઇંગ્લેન્ડ વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

જવલ્લે જ એવી કોઈ ઘટના બને, જેમાં ભારતના ડાબેરી અને જમણેરી, એમ બન્ને રાજકીય પંથના લોકો રાજી થાય! આવી જ એક ઘટના એટલે ઋષિ સુનકનું બ્રિટનના પ્રધાનમંત્રી બનવું! ભારતને ગુલામ બનાવનાર બ્રિટનના વડા પ્રધાનપદ ઉપર આજે ભારતીય મૂળની વ્યક્તિ બેઠી, એ બાબતે ભારતીય સંસ્કૃતિના ચાહકો અનેરો સંતોષ પામ્યા. પણ કટુ વાસ્તવિકતા એ છે કે બ્રિટન-અમેરિકા જેવા દેશોમાં ગમે તે પક્ષની સરકાર બને, તેઓ પોતાની વિદેશ નીતિમાં ભાગ્યે જ મોટા ફેરફારો કરે છે. એટલે ઋષિનું પારિવારિક મૂળ ભલે ભારતીય હોય, પણ ભારત માટે એ કેટલા ઉપયોગી સાબિત થશે, એ તો આવનારો સમય જ કહેશે. બીજી તરફ, બ્રિટનમાં લઘુમતી કોમના વ્યક્તિને વડા પ્રધાનપદે બેસવા મળ્યું, એ હકીકતે ભારતના ડાબેરીઓ રાજીના રેડ-રેડ થઇ ગયા છે. કેમકે આ મુદ્દાનો ઉપયોગ કરીને ભારતની રાજ્ય વ્યવસ્થાને ‘બહુમતીવાદી’ (ળફષજ્ઞશિફિંશિફક્ષ) તરીકે ખપાવવાનું હથિયાર એમને હાથ લાગી ગયું છે. બ્રિટન જેવા ઉદાર દેશમાં ઋષિ જેવા લઘુમતી (હિંદુ) વડા પ્રધાન બની ગયા, પરંતુ ભારતમાં કોઈ મુસ્લિમ (એ લોકો માત્ર મુસ્લિમોને જ ‘લઘુમતી’ ગણવા ઉત્સુક હોય છે.) પ્રધાનમંત્રી નથી ચૂંટાયા, એ બાબતે તેઓ સોશિયલ મીડિયા પર ખેદ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ ડાબેરી મિત્રો ભૂલી જાય છે કે સરદાર મનમોહન સિંહ જેવા લઘુમતી કોમના વ્યક્તિ ભારતમાં ઓલરેડી દસ વર્ષ માટે વડા પ્રધાનપદે રહી ચૂક્યા છે! અને મુદ્દાની વાત એ છે કે બ્રિટનની પરંપરાવાદી સિસ્ટમે પણ નછૂટકે ઋષિને સ્વીકાર્યા છે. ખેર, દરેક દેશ અને પ્રજાની પોતીકી લાક્ષણિકતાઓ અને પ્લસ-માઈનસ પોઈન્ટસ હોવાના જ. અત્યારે એની ચર્ચામાં ઊંડા નથી ઊતરવું. ચર્ચા કરીએ કેટલીક બ્રિટીશ ‘વિચિત્રતાઓ’ની!
આપણા મનમાં (કોણ જાણે કેમ) એવું ઠસી ગયું છે, રાધર ઠસાવવામાં આવ્યું છે કે ધોળી પ્રજા લોકશાહીની ચાહક છે. ઐતિહાસિક વાસ્તવિકતા તપાસશો તો (યુરોપ હોય કે અમેરિકા) આજ પ્રજા તમને સૌથી વધુ સામ્રાજ્યવાદી અને (કટ્ટર રંગભેદી) હોવાનું માલૂમ પડશે. વળી આપણા મનમાં એવી ય માન્યતા ઘર કરી ગઈ છે કે વિદેશોમાં તો બધું એકદમ સુઘડ અને વ્યવસ્થિત જ હોય. ત્યાંની રાજ્ય વ્યવસ્થા પણ સાવ છીંડા વગરની અને આદર્શ હોવાનો ખોટો ખ્યાલ આપણા ભારતીય માનસમાં ઘર કરી ગયો છે. બીજી તરફ ભારતમાં રાજ્ય વ્યવસ્થાથી માંડીને સરહદી પ્રશ્ર્નો સુધીના મામલે આપણને ચોમેર નિષ્ફળતાઓ જ નજરે પડે છે. પણ હકીકતે વાસ્તવિકતા જુદી છે. ખરું પૂછો તો દુનિયાના દરેક દેશને પોતાના પ્રશ્ર્નો અને લાક્ષણિક સમસ્યાઓ છે. યુરોપના સમૃદ્ધ, સભ્ય, સુધરેલા કહેવાતા લોકશાહી દેશો પણ પોતાની ગૂંચવણો ઉકેલી શક્યા નથી. ઉલટાનું અમુક બાબતે તો ત્યાં ભારત કરતાં ય પેચીદી પરિસ્થિતિ છે.
સૌથી પહેલી વાત બંધારણ વિષે. જાણીને નવાઈ લાગશે કે બ્રિટન પાસે પોતાનું સળંગ લેખિત બંધારણ નથી! જે બંધારણ છે, એ જુદા જુદા દસ્તાવેજ તરીકે લખાયેલું છે. આ દસ્તાવેજોને જોડીને એક સળંગ બંધારણ બનાવવાનો પ્રયાસ ક્યારેય નથી કરાયો. આ બંધારણ મહત્ત્વના કાનૂનો, ન્યાયિક હુકમો અને સંધિઓ સ્વરૂપે રહેલું છે. અમુક બાબતો પરંપરાગત રીતે ય ચાલી આવે છે. આ બધાને પ્રતાપે અમુક બાબતો અંગે બ્રિટીશ બંધારણમાં સ્પષ્ટ જોગવાઈઓનો અભાવ છે, જે ઘણી વાર વહીવટી-કાયદાકીય ગૂંચ સર્જે છે. પરંપરાગત રીતે ચાલી આવતી અમુક બાબતો તો સાવ શોભાના ગાંઠીયા જેવી છે. દાખલા તરીકે દર વર્ષે પાર્લામેન્ટના પ્રથમ સત્રના ઉઘાડ સમયે ક્વિન જાતે સંસદમાં પધારતા અને પોતાની સ્પીચ વાંચી સંભળાવતા. મજાની વાત એ છે કે આ આખી પ્રક્રિયામાં ક્વિનની ભૂમિકા કોઈકે લખી આપેલી સ્પીચ વાંચવા પૂરતી જ રહેતી, એમાં એમના પોતાના નહિ પણ જે-તે સરકારના વિચારોનો જ પડઘો પડતો! (જોયું, આપણી સંસદ તો અમથી જ બદનામ છે ને?!) ક્વિનની આ સ્પીચ માત્ર શો-બાજી ગણાય, બાકી એનું કોઈ વહીવટી કે બંધારણીય મૂલ્ય નહોતું. તેમ છતાં ’આગુ સે ચલી આતી હૈ’ના ન્યાયે ક્વિન સાહિબા દર વર્ષે સંસદમાં આવીને ‘મોટિવેશનલ’ સ્પીચ ઠપકારતા! હવે પ્રિન્સ ચાર્લ્સ આમાં કશી નવાજૂની કરશે કે શિરસ્તો જાળવી રાખશે એ તો સમય જ કહેશે.
હવે જરા રાજકીય ઇતિહાસ અને ભૌગોલિક સીમાઓ વિશેની વાત. ભારતનો ઇતિહાસ અને ભૌગોલિક સીમાઓ વિષે જાણ્યા બાદ તમને સમજાશે કે ભારત દેશ આજે જે રીતે એક તાંતણે બંધાઈ રહ્યો છે, એ બાબત કોઈ ચમત્કારથી કમ નથી. બાકી દુનિયાના વિકસિત દેશોની પ્રજાઓ સદીઓથી એક છત્ર નીચે હોવા છતાં એકબીજા સાથે સાંસ્કૃતિક અને રાજકીય રીતે સંપૂર્ણપણે જોડાઈ નથી શકી. બ્રિટીશ ટાપુઓ એનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે ત્યાં બહુધા લોકોને ઇંગ્લેન્ડ, બ્રિટન અને યુકે વચ્ચેનો તફાવત ખ્યાલ નથી હોતો. જો નકશો હાથમાં લઈને બેસશો (અથવા ગૂગલ મહારાજને શરણે જશો) તો સમજાશે કે ઇંગ્લેન્ડ મૂળ દેશ છે. પણ એની ઓળખ માત્ર ભૌગોલિક સીમાઓ પૂરતી છે, તે ભારતની માફક એક સાર્વભૌમ દેશ નથી. ઇંગ્લેન્ડની ડાબી બાજુએ એક ટચૂકડો દેશ છે ‘વેલ્સ’. એ જ પ્રમાણે ઇંગ્લેન્ડની ઉપરની તરફ એક બીજો દેશ છે ‘સ્કોટલેન્ડ’. વેલ્સ, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ જમીની વિસ્તારોથી જોડાયેલા છે, જે સંયુક્તપણે બ્રિટન તરીકે ઓળખાય છે. ઇંગ્લેન્ડની માફક જ વેલ્સ અને સ્કોટલેન્ડ પણ સાર્વભૌમ દેશો નથી, માત્ર ભૌગોલિક રીતે વ્યાખ્યાયિત થયેલા પ્રદેશો છે. ઇંગ્લેન્ડની ડાબી બાજુએ બીજો એક ટાપુ છે ‘આયર્લેન્ડ’.
હવેનો ઘટનાક્રમ સમયરેખા – ટાઈમલાઈન મુજબ સમજીએ. ૧૫૪૨માં ઇંગ્લેન્ડે વેલ્સ જીતી લીધું. અને આ બન્ને દેશો જોડાઈને ‘ધી કિંગડમ ઓફ ઇંગ્લેન્ડ’ બન્યું. ૧૭૦૭માં સ્કોટલેન્ડ આખા પ્રદેશ પર કબજો જમાવે છે, અને સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સનો એક સંયુક્ત પ્રદેશ, ‘કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન’ અસ્તિત્વમાં આવે છે. ૧૮૦૧માં આયર્લેન્ડ પણ આ સમૂહમાં જોડાઈ ગયું. એટલે હવે ચાર દેશોના આ સમૂહનું નવું નામ પડ્યું ‘યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ’. પરંતુ દક્ષિણ આયર્લેન્ડની પ્રજાને અલગ થવું હતું. ૧૯૨૨માં દક્ષિણ આયર્લેન્ડ આ સમૂહથી અલગ થઇ ગયું. હવે વેલ્સ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડનો સમૂહ રહ્યો, જે ‘યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ નોર્ધન આયર્લેન્ડ’ તરીકે ઓળખાયો! દક્ષિણ આયર્લેન્ડનો જે પ્રદેશ છૂટો પડેલો, એ ‘રિપબ્લિક ઓફ આયર્લેન્ડ’ તરીકે ઓળખાયો. અહીં રસપ્રદ બાબત એ છે કે આયર્લેન્ડે તત્કાલીન બ્રિટીશ સમૂહથી મુક્ત થવા માટે જે સંઘર્ષ કર્યો, એનો ફાયદો ભારતીય સ્વતંત્રતા સંગ્રામને પણ મળ્યો. ખાસ કરીને ‘હોમ રૂલ’ની જે માગણી ભારતીય સ્વાતંત્ર્યવીરો દ્વારા કરવામાં આવેલી, એનો ક્ધસેપ્ટ મૂળે આયર્લેન્ડથી આયાત થઈને આવેલો. મૂળે આયર્લેન્ડના વતની એવા એની બેસન્ટે આ ક્ધસેપ્ટ ભારતીય નેતાઓ સુધી પહોંચાડ્યો, જેને
બાળ ગંગાધર ટિળક જેવા નેતાએ ઉપાડી લીધો. એની વે, અત્યારે આપણી ચર્ચાનો મુદ્દો બ્રિટન છે, એટલે એ તરફ પાછા ફરીએ.
ઉપરની ચર્ચા પરથી મામલો કંઈક આ રીતે સમજાશે. બ્રિટીશ ટાપુઓ તરીકે ઓળખાતા પ્રદેશોમાં આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. આયર્લેન્ડમાં વસનારી પ્રજા આઈરીશ છે, પણ આયર્લેન્ડ આજની તારીખે એક જ દેશ નથી. દક્ષિણી દેશ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જ્યારે આયર્લેન્ડનો ઉત્તરી પ્રદેશ અને ગ્રેટ બ્રિટનના પ્રદેશો (એટલે કે સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સ) ભેગા થઈને ‘યુનાઈટેડ કિંગડમ’ની રચના કરે છે. અને આ યુનાઈટેડ કિંગડમ એક સાર્વભૌમ દેશ ગણાય છે. જો તમે વિશ્ર્વના દેશોના નામોની યાદી જોશો, તો એમાં ક્યાંય ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ કે વેલ્સનું નામ નહિ દેખાય, પણ ‘યુકે’ નામ દેખાશે. ઋષિ સુનાક આ જ યુનાઈટેડ કિંગડમના વડા પ્રધાન થયા છે.
આ ચારેય પ્રદેશોની પ્રજા પોતાને બીજા ત્રણેય દેશોથી થોડી અલગ સમજે છે. આ તમામ દેશોની પોતીકી રાજધાનીઓ પણ છે. ઇંગ્લેન્ડની રાજધાની લંડન છે, અને ઈંગ્લેન્ડમાં વસતી પ્રજા ‘ઈંગલીશ પીપલ’ (અંગ્રેજ) તરીકે ઓળખાય છે. સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગ છે, અને પ્રજા ‘સ્કોટિશ પીપલ’ તરીકે ઓળખાય છે. વેલ્સની રાજધાની કાર્ડિફ છે, અને અહીની પ્રજા પોતાને ‘વેલ્શ’ તરીકે ઓળખાવે છે. આ ત્રણેય દેશોના ધ્વજ પણ અલગ અલગ છે. એટલું જ નહિ, વિવિધ સ્પોર્ટ્સમાં પણ આ ત્રણેય દેશોના ખેલાડીઓ પોતપોતાની અલગ ટીમ બનાવીને એક બીજા સામે ટકરાતા રહે છે. આપણે જેની સામે ક્રિકેટ રમીએ છીએ, એ ટીમ ઇંગ્લેન્ડની છે, યુકેની નહિ! અને એમનું ક્રિકેટ બોર્ડ પણ ‘યુકે બોર્ડ’ નહિ પણ ‘ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ – ઊઈઇ’ તરીકે ઓળખાય છે! હવે છેલ્લે એક વાતનું ઉમેરણ કરી દઈએ, કે સ્કોટલેન્ડની પ્રજાનો બહોળો વર્ગ યુકેથી અલગ થવા માગે છે.
ઇન શોર્ટ, આજનું યુકે એવા અલગ અલગ દેશોના સમૂહથી બનેલું છે, જેમનો ઇતિહાસ અનેક બિંદુએ એકબીજા સાથે ટકરાતો રહે છે. એમાં વળી કેટલાક વિચિત્ર સંજોગો પણ અગત્યનો રોલ ભજવી ગયા. દાખલા તરીકે શાસકોના નામ. આપણે જાણીએ છીએ કે ઈંગ્લેન્ડના શાસકો એક જ નામ વારંવાર ઉપયોગમાં લેતા રહે છે, પેઢી દર પેઢી માત્ર નામ સાથે જોડાયેલો નંબર બદલાયા કરે છે. નામ સાથે જોડાયેલા આ નંબરને ‘રેગ્નલ નંબર’ (યિલક્ષફહ ક્ષીળબયિ) કહેવાય. દાખલા તરીકે કિંગ જ્યોર્જ પ્રથમ, જ્યોર્જ બીજો… જ્યોર્જ પાંચમો, વગેરે! હવે થયું એવું કે ૧૯૫૨માં ક્વિન એલિઝાબેથ બીજાની (જે હમણા ૮ સપ્ટેમ્બરના રોજ મૃત્યુ પામ્યા) તાજપોશી થઇ. આ પહેલા જે ક્વિન એલિઝાબેથ (પહેલા) હતા, એ ઇસ ૧૫૩૩માં જન્મેલા અને ઇસ ૧૬૦૩માં મૃત્યુ પામેલા. આ સમયગાળા દરમિયાન સ્કોટલેન્ડ બ્રિટનનો ભાગ નહોતું! આથી ક્વિન એલિઝાબેથ પ્રથમને સ્કોટલેન્ડના રાણી ન જ ગણી શકાય. હવે જ્યારે ઇસ ૧૯૫૨માં ક્વિન એલિઝાબેથ બીજાની તાજપોશી થઇ, ત્યારે સ્કોટલેન્ડ યુકેનો ભાગ હતું. પણ સ્કોટલેન્ડમાં ક્વિન એલિઝાબેથ બીજાના રેગ્નલ નંબરમાં ગોટાળો થયો. કેમકે સ્કોટલેન્ડમાં ક્વિન એલિઝાબેથ નામની રાણી પ્રથમ વખત જ આવી હોય, તો એને ‘દ્વિતીય’ ક્રમાંક કઈ રીતે આપી શકાય?! જાણીને નવાઈ લાગશે કે આ મુદ્દે સ્કોટલેન્ડની હોમ રૂલ ચળવળના સમર્થક અને જાણીતા ધારાશાસ્ત્રી જ્હોન મેકોર્મિક કોર્ટે ચડેલા! એ આખો મુકદ્દમો “મેકોર્મિક વર્સીસ લોર્ડ એડવોકેટ ૧૯૫૩ તરીકે જાણીતો છે. પાછળથી એવું નક્કી થયું કે ક્વિન એલિઝાબેથ દ્વિતીયને સ્કોટલેન્ડ પુરતા પ્રથમ અને દ્વિતીય, એમ બે રેગ્નલ નંબર ફાળવવામાં આવ્યા!
સો ફ્રેન્ડ્સ, ભારત જેવા ભૌગોલિક, ઐતિહાસિક અને રાજકીય વિવિધતા ધરાવતા દેશમાં ક્યાંક થોડા વાસણ ખખડે તો ચિંતા કરવી નહિ. સો કોલ્ડ બૌદ્ધિકો આપણને જે ‘સુધરેલા’ દેશોની દુહાઈ આપતા રહે છે, એ દેશોમાં પણ ગરબડ-ગોટાળાના ભંડાર પડ્યા છે!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -