આજે જ સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો. ૨૦૧૬માં લેવાયેલા આ નિર્ણય બાદ ગામે ગામ અને શહેરોમાં લોકોની બેંકની બહાર કે પછી એટીએમ સેન્ટર બહાર લાંબી કતારો જોવા મળતી હતી. આ કતારોમાં ઊભા ઊભા લગભગ સો જેટલા માણસોના મૃત્યુ પણ થયા હતા ત્યારે આ કતારમાં એક બાળક જન્મ્યું હતું જે હવે છ વષર્નું થઈ ગયું છે. આ બાળકનું નામ છે ખજાંચી નાથ.
ખજાંચી નાથની માતા સર્વેશા દેવી કાનપુર ગ્રામીણમાં આવેલા ઝીંઝક ગામના પીએનબની શાખામાં જૂની ૫૦૦-૧૦૦૦ની નોટ આપી નવી નોટ લેવા ગઈ હતી. તે પૂરા મહિને હતી. ખૂબ જ ગરમીને કારણે તેના બેહાલ થયા ને તેને પ્રસવ પીડા ઉપડી. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બેંકની લાઈનમાં જ તેણે પુત્રને જન્મ આપ્યો.
આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કેન્દ્ર સરકારની ભારે ટીકા કરી અને ખજાનચીની બધી જવાબદારી તેમણે લીધી. ખજાનચી નાથ નવેમ્બરમાં છ વષર્નો થતાં તેનું કાનપુરની જાણીતી સ્કૂલ રામા ઈન્ટરનેશનલમા એડમિશન પણ યાદવે કરાવ્યું અને તે સ્કૂલે જતો થઈ ગયો. યાદવે આ વાત ટ્વીટ કરી જણાવી હતી. ખાનચીનાથની માતાએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવ સમયે સમયે તેમની ખબર લે છે અને પોતાનું વચન નિભાવે છે. આ વાતને થોડો સમય થઈ ગયો, પરંતુ આજે જ નોટબંધી અંગે સરકાર માટે રાહતના સમાચાર આવ્યા ત્યારે તે સમયે જનતાને થયેલી પરેશાનીની વાતો તાજી થઈ હતી.