ઉત્તરાયણમાં પતંગ-દોર, ઉંધિયુ, જલેબી વેચવાવાળા તો ધીકતો ધંધો કરે તે સૌ કોઈ જાણે છે, પણ જેના ઘર પર અગાસી હોય તેઓ પણ બે દિવસમાં લાખોમાં કમાઈ શકે તે જાણી નવાઈ લાગશે. જોકે અમદાવાદીઓ કે વડોદરા-સુરત માટે અગાસી ભાડે આપવી એ નવી વાત નથી, પરંતુ આ વખતે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદમાં બે દિવસનું અગાસીનું ભાડું ૨૫,૦૦૦થી ત્રણ લાખ પહોંચી ગયું છે. આનું એક કારણ અહીં ચાલી રહેલો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ છે. એક તો ગુજરાતમાં ઠંડીની સિઝનમાં નોન રેસિડેન્ટ ગુજરાતી-એનઆરજી મોટા પ્રમાણમાં આવે જ છે, પરંતુ શતાબ્દી મહોત્સવને લીધે આની સંખ્યા ઘણી વધી ગઈ છે. કોરોના મહામારીને લીધે બે વષર્થી આવી શક્યા ન હતા અને તેમાં મહોત્સવને લીધે એનઆરજી મોટી સંખ્યામાં આવ્યા છે અને હવે તેઓ ઉત્તરાયણની મજા લઈને જ પાછા જશે.
ખાસ કરીને અમદાવાદની પોળોમાં અગાસીઓ પર પતંગ ચગાવવાની મજા કંઈક ઔર જ હોય છે. અહીં પ્રમાણમાં નીચા અને નજી નજીક ઘર હોવાને લીધે પતંગ ચગાવવાની અને બીજા પતંગ કાપવાની પતંગબાજોને સહેલી પડે છે. શનિ-રવિમા ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ હોવાથી અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવશે. આથી ખાસ કરીને પોળના ઘરની અગાસીઓના ભાવમાં ૨૦૨૦ કરતા ઘણો ઉછાળો જોવા મળે છે.
બે દિવસ માટે રૂ. ૨૫,૦૦૦થી ત્રણ લાખ સુધીનું ભાડું આ વખતે અગાસીમાલિકો વસૂલી શકે છે. અગાસી સાથે તેમને ચા-પાણી અને જમવાની સુવિધાઓ આપવામાં આવતી હોય છે. દરેક તહેવાર પોતાની સાથે આર્થિક ઉર્પાજનની તક પણ લાવતો જ હોય છે ત્યારે જો અમદાવાદમાં તમારી પાસે મોટી અગાસી હોય તો પછી તમારી ઉત્તરાયણ ફળી સમજો.