Homeલાડકી‘ક્યૂંકી મેરે પાસ માં હૈ...’ કહેનારી અર્ચના સિંહને તમે ઓળખો છો?

‘ક્યૂંકી મેરે પાસ માં હૈ…’ કહેનારી અર્ચના સિંહને તમે ઓળખો છો?

કવર સ્ટોરી -ગીતા માણેક

સામાન્ય રીતે ક્રિકેટ રસિયાઓ કેટલાક ક્રિકેટરોની આખી બાયોગ્રાફી અને
તેમણે કઈ મેચમાં કેટલા રન કર્યા કે કેટલી વિકેટ લીધી એના વિશે જાણકારી રાખનારાઓમાંના ઘણાં બધાને જો પંદર દિવસ પહેલાં પૂછવામાં આવ્યું હોત કે અર્ચના દેવી કોણ છે? તો મોટા ભાગનાઓ મોં વકાસીને જોઈ રહ્યા હોત કારણ કે અર્ચના દેવી એક મહિલા ક્રિકેટર છે.
આજે શહેરોમાં પણ મોટા ભાગનાં શિક્ષિત માતા-પિતાઓ સુધ્ધાં છોકરીના રમતગમતના શોખને બહુ ગંભીરતાથી લેતા નથી અને તેમને પ્રોત્સાહન આપતા નથી ત્યારે ઉત્તર પ્રદેશના ઉનાવા જિલ્લાના નાનકડા ગામ રતઈપુરવામાં રહેતી અર્ચના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બની છે જેનું શ્રેય તે પોતાની માને આપે છે. તાજેતરમાં મહિલા અંડર-૧૯ વર્લ્ડ કપ ટીમે ઇંગ્લેન્ડ સામે રમીને ભારતને ચેમ્પિયન બનાવ્યું તે ક્રિકેટ ટીમની તે સભ્ય છે.
કોઈ પણ ક્ષેત્રમાં પુરુષોએ કરવો પડતો હોય એનાથી અનેકગણો વધુ સંઘર્ષ મહિલાઓએ કરવો પડતો હોય છે એ આજે પણ એકવીસમી સદીનું સત્ય છે. ઉત્તર પ્રદેશના ગામડાંમાં રહેતી અર્ચના દેવીએ પણ અનેક સંઘર્ષોનો સામનો કર્યો છે અને ભારતીય મહિલા ક્રિકેટરોમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે.
અર્ચના નાની હતી ત્યારે જ તેના પિતા શિવરામનું કૅન્સરમાં મૃત્યુ થયું. પિતા વારસામાં ત્રણ નાનાં બાળકો અને કરજાનો ડુંગર મૂકી ગયા હતા. પિતાના મૃત્યુના નવ વર્ષ બાદ અર્ચનાનો ભાઈ બુદ્ધિમાન મૃત્યુ પામ્યો. આને કારણે ગામલોકોએ અર્ચનાની માને ‘ડાકણ’ કહેવા માંડી. અર્ચનાની મા સાવિત્રી દેવી સિંઘને ગામલોક મ્હેણાં મારતું હતું કે પહેલાં વરને ભરખી ગઈ અને પછી પોતાના જ દીકરાનોય ભોગ લીધો.
સાવિત્રીના દીકરા અને અર્ચનાના નાના ભાઈ બુદ્ધિમાનનું મૃત્યુ એક કરુણ અકસ્માત જ હતો. પિતા શિવરામ જીવિત હતા ત્યારે તેમણે ઘરની બાજુમાં એક ઓરડો બાંધવા લીધો હતો, પણ એનું બાંધકામ પૂરું થાય એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું. પરિવાર પાસે આ અધૂરા બંધાયેલા ઓરડાનું બાંધકામ કરવાના પૈસા નહોતા અને તે ઓરડો બંધાયા વિનાનો જ અવાવરુ પડ્યો હતો. એક દિવસ અર્ચના તેનાથી એક જ વર્ષ નાના ભાઈ બુદ્ધિમાન સાથે ક્રિકેટ રમી રહી હતી. તેણે બોલને જોરથી ફટકો માર્યો અને બોલ જઈ પડ્યો પેલા અવાવરુ ઓરડામાં. બુદ્ધિમાન તે બોલ લેવા ગયો અને ત્યાં બેઠેલા કોબ્રા સાપે તેને ડસી લીધો. થોડા જ કલાકોમાં બુદ્ધિમાનનું મૃત્યુ થયું પણ મરતા પહેલાં તેણે પોતાની મા પાસેથી વચન લીધું હતું કે, ‘મા, અર્ચનાને તું ક્રિકેટ રમવા મોકલજે.’
મરણશૈયા પર દીકરાને આપેલું વચન સાવિત્રી દેવીએ નિભાવવાનો નિર્ધાર કર્યો પણ એ એટલું આસાન પણ નહોતું. ક્રિકેટ જેની ઘેલછા હતી એવી પોતાની દીકરી અર્ચનાને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવાનું નક્કી કર્યું જેને લીધે તે પોતાનો ક્રિકેટનો શોખ પૂરો કરી શકે અને એમાં કારકિર્દી પણ બનાવી શકે. ઘરથી ૩૪૫ કિલોમીટર દૂર મોરાદાબાદમાં આવેલી છોકરીઓની બોર્ડિંગ સ્કૂલમાં જ્યારે અર્ચનાને મૂકી ત્યારે ગામ લોકોએ કહેવા માંડ્યું કે સાવિત્રીએ તો પોતાની દીકરીને થોડાક રૂપિયા માટે વેચી દીધી છે. આવું બધું ગામ લોકો કંઈ સાવિત્રીની પીઠ પાછળ નહીં તેના મોં પર જ કહેતા હતા. એટલું જ નહીં પણ જો સાવિત્રી સામેથી આવતી હોય તો ગામલોકો રસ્તો બદલી નાખતા હતા.
એક તરફ ગામલોકોના મ્હેણાંટોણા અને કારમી ગરીબી વચ્ચે પણ સાવિત્રીએ મોટા દીકરા રોહિતનું ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું અને અર્ચનાને ક્રિકેટર બનવા માટેનો ટેકો આપતી રહી. ગંગા નદીને કિનારે આ પરિવારની ખેતીની જમીન છે પણ મોટાભાગના સમયે એમાં ગંગાના પાણી ઘૂસી આવે છે જેને કારણે એમાં કોઈ પાક લઈ શકાતો નથી. તેમની પાસે એક ગાય અને એક ભેંસ છે જેનું દૂધ વેચીને અને નાના-મોટા કામ કરીને સાવિત્રીએ દીકરીના શોખને પ્રોત્સાહન આપ્યું છે.
જે અર્ચના માટે ગામલોક સાવિત્રીને આટલા મ્હેણાં મારતા હતા તે જ ગામલોકો જે દિવસે અંડર ૧૯ની વર્લ્ડ કપ મેચ હતી ત્યારે તેના જ ઘરમાં ટીવી પર મેચ જોવા ભેગા થયા હતા. સાવિત્રીના ઘરે મેચ જોવા માટે એટલી ભીડ ભેગી થઈ હતી કે ત્યાં બેસવા માટે પણ જગ્યા રહી નહોતી.
જો કે અર્ચનાની સફળતાના શિખરે પહોંચવાની યાત્રામાં તેની મા ઉપરાંત તેની કોચ પૂનમ ગુપ્તાનો પણ સિંહફાળો છે. અર્ચનાની સ્કૂલમાં મહિલા ક્રિકેટરોને તૈયાર કરતા પૂનમ ગુપ્તાએ જ્યારે અર્ચનાને ક્રિકેટ રમતા જોઈ તો તે અભિભૂત થઈ ગઈ હતી. તેણે અર્ચનાનો ક્રિકેટ રમતો વીડિયો પાડીને ઇન્ડિયન ક્રિકેટરના કોચ કુલદીપ યાદવને મોકલ્યો. એ વીડિયો જોઈને કુલદીપ યાદવ એટલા પ્રભાવિત થયા કે તેમણે અર્ચનાને કાનપુર બોલાવી લીધી.
તેમણે ખાતરી આપી કે અર્ચનાની તાલીમ માટે જે ખર્ચ થશે એ બધો તે પોતે ઉપાડશે. અર્ચનાનો વિડીયો અને ત્યાર પછી તેને રમતી જોઈને કુલદીપ યાદવને સમજાઇ ગયું હતું કે આ છોકરીમાં ટોચના ક્રિકેટર થવાની ક્ષમતા છે અને જો તે ભારત માટે રમશે તો દેશનું નામ રોશન કરશે.
કુલદીપ યાદવને અર્ચનાની ક્ષમતામાં એટલો ભરોસો બેસી ગયો હતો કે એક વાર તે કારમાં સાથે હતી અને તેણે પૂછ્યું કે, ‘કુલદીપ ભૈયા, આ કઈ કાર છે?’ ત્યારે કુલદીપે જવાબ આપ્યો હતો કે તારી રમતને લીધે એક દિવસ
તને આનાથી સારી કાર ભેટમાં મળશે ત્યારે મને જરૂર તારી કારમાં આંટો મારવા લઈ જજે.
કુલદીપ યાદવે
ભાખેલું ભવિષ્ય તાજેતરમાં જ સાચું પુરવાર થયું હતું. આઈસીસી અંડર-૧૯ ટી ૨૦ વિશ્ર્વકપમાં અર્ચનાએ ચાર ઓવરમાં માત્ર છ રન આપીને ૨ વિકેટ લીધી અને મેન (ખરેખર તો વુમન) ઑફ ધ મેચ બની ગઈ હતી.
પોતાની સફળતાનો યશ પૂનમ ગુપ્તા અને કુલદીપ યાદવને તો અર્ચના આપે જ છે પણ સૌથી પહેલો યશ તે પોતાની માને આપે છે. તે કહે છે, ‘હું આ બધું કરી શકી ક્યૂંકી મેરે પાસ મા હૈ ’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -