બટેટા… કોઈપણ શાક સાથે સરળતાથી હળી-મળી જનાર બટેટાને શાકભાજીના રાજા તરીકે ઓળખવવામાં આવે છે, પણ તેમ છતાં ક્યારેય આ બટેટાને રોયલ ટ્રીટમેન્ટ મળતી નથી. બજારમાં 20-30 રૂપિયા કિલોના ભાવે વેચાતા આ બટેટાનો ઉપયોગ કોઈ પણ શાક સાથે ખૂબ જ સરળતાથી કરવામાં આવે છે. પરંતુ આજે આપણે અહીં જે બટેટા વિશે વાત કરવાના છીએ એને ખાવાની વાત તો દૂર જ પણ એને ખરીદતાં પહેલાં પણ તમે 100 વખત વિચાર કરશો. આ બટેટાની કિંમત સાંભળીને જ તમે કહેશો કે ના હોય ભાઈસાબ…. આટલા મોંઘા ભાવે બટેટા ખરીદવાના એના કરતાં તો સોનું ખરીદી લીધેલું સારું… આવો જોઈએ કયા છે આ બટેટા અને તેની કિંમત કેમ આટલી વધું હોય છે.
આપણે અહીં જે બટેટાની વાત કરી રહ્યા છીએ તેને લે બોનેટ પોટેટો કહેવાય છે. એક કિલો લે બોનેટ બટેટા ખરીદવા માટે તમારે રૂપિયા 50,000 ચૂકવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે આમાં થોડાક વધારે પૈસા નાખો તો એક તોલું સોનું આવી જાય. એટલું જ નહીં તમને જાણીને વધારે નવાઈ એટલે લાગશે કે આટલા મોંઘા હોવા છતાં દુનિયાભરમાં આ બટેટાંની માંગણી છે. શ્રીમંત લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે.
હવે વાત કરીએ કે આખરે આ બટેટા આટલી મોંઘી કિંમતે કેમ વેચાય છે? લે બોનેટ બટેટા એટલા માટે મોંઘા વેચાય છે કારણ કે આખા વર્ષમાં માત્ર 10 દિવસ જ આ બટેટા માર્કેટમાં આવે છે અને ફ્રાન્સના ઇલે ડી નોર્મોટિયર ટાપુ પર તેની ખાસ ખેતી કરવામાં આવે છે. અહીં સિવાય આ બટેટા બીજે ક્યાંય મળતા નથી, એટલે જ આ બટાકાની કિંમત આટલી વધારે છે.
આ બટેટા માટે એવું કહેવાય છે કે આ બટેટામાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે, એટલું જ નહીં તેની છાલ પણ ખૂબ જ ફાયદાકારક છે. આ બટેટા ખાનારાઓનું એવું કહેવું છે કે આ બટેટામાં લીંબુ, મીઠું અને અખરોટના જેવો સ્વાદ હોય છે. આ બટેટામાંથી સલાદ, પ્યુરી, સૂપ અને ક્રીમ બનાવવામાં આવે છે. જોકે, જો કોઈ ભારતીય આ બટેટા ખરીદે તો તેમાંથી સમોસા પણ બનાવી શકાય છે અથવા બટેટા જીરું પણ તેમાંથી ઘરે બનાવી શકાય છે. પરંતુ આ બટેટાની કિંમત એટલી વધારે છે કે સામાન્ય માણસ પણ તેને જોતા અચકાય છે.