મેલ મેટર્સ -અંકિત દેસાઈ
પુરુષો મોટાભાગે કોમ્પિટિટિવ હોય છે અથવા તો જીવન તેમને કોમ્પિટિટિવ બનવા માટે મજબૂર કરતું હોય છે. પરંતુ તેનો આ સ્વભાવ અથવા વલણ તેના જીવનમાં અનેક અશાંતિઓ સર્જતા હોય છે. અને મોટાભાગે એ અશાંતિ તેની આંતરિક કે માનસિક અશાંતિ હોય છે. એટલે જ સ્પિરિચ્યુઅલ વેલ્થની આ વાત ચાલે છે ત્યારે આપણે માનસિક અશાંતિ વિષયક ચર્ચાઓ કરવી જ રહી, જેમાં એક સૌથી મહત્ત્વનો મુદ્દો છે સ્વીકારભાવ.
આપણી મોટાભાગના લોકોની તકલીફ એ હોય છે કે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણી અંદર સ્વીકારભાવ છે, પરંતુ વાસ્તવમાં આપણી પાસે સ્વીકારભાવ હોતો નથી. અને સ્વીકારભાવનો એ અભાવ જ આપણા મનમાં કોઈક ને કોઈક રીતની સ્પર્ધાઓ ઊભી કરતા હોય છે. અંતે થાય એવું કે એ સ્પર્ધાઓ આપણને કારણ વિનાની દોડમાં મૂકી દે છે, જે દોડ કે એ સ્પર્ધા આપણે માટે સર્જાયેલી જ નથી હોતી. અને છતાં આપણે એ દોડને કારણે સતત ઉચાટમાં રહીએ છીએ, ઉદાસીનતા તરફ ધકેલાઈએ છીએ કે પછી કારણ વિના વ્યસ્ત રહીએ છીએ.
પણ આપણે એ યાદ રાખવાનું છે કે આપણે કંઈ બધી સ્પર્ધાઓ માટે સર્જાયા નથી. વ્હોટ્સેપ પર વર્ષો પહેલાં વાયરલ થયેલા એક ગ્રાફિકને આપણે યાદ રાખવાનું છે, જે ગ્રાફિકમાં દોડના મેદાન પર ચિત્તા અને કૂતરાને બતાવવામાં આવ્યા હતા અને રેસમાં દોડવા માટે દરવાજો ખુલ્લો હોવા છતાં ચિત્તો શાંતિથી બેસીને હાંફળાંફાંફળાં થઈને દોડતા કૂતરાને જોતો રહે છે. સાથે એવું લખ્યું હતું કે તમારે કૂતરા સાથે ક્યારેય નથી દોડવાનું એનું તમારે ધ્યાન રાખવાનું છે. જોકે એ ગ્રાફિકમાંથી આપણે એ બોધ લેવાનો છે કે માત્ર કૂતરા સાથેની સ્પર્ધામાં જ નહીં, આપણા સરખેસરખા કોઈ હોય તેની સાથે પણ જો જરૂર ન હોય તો આપણે સ્પર્ધામાં પડવાની જરૂર નથી. કારણ કે દરેક સ્પર્ધામાં હંમેશાં કશુંક પુરવાર થતું હોય એવું નથી હોતું. મોટેભાગે આર્થિક, ભૌતિક, માનસિક કે સૈદ્ધાંતિક સ્પર્ધાઓ આજીવન ચાલુ રહેતી હોય છે અને આપણે ગુજરી જઈએ ત્યાં સુધી કશું જ પુરવાર થતું નથી.
પણ જેમ એ બધી સ્પર્ધાઓમાં કશું પુરવાર નથી થતું એમ દરેક નાની-મોટી સ્પર્ધામાં એક બાબત સો ટકા બને છે કે એમાં આપણું માનસિક અને ભાવનાત્મક સ્તરે શોષણ અત્યંત થતું હોય છે. આવી સ્પર્ધાઓ આપણને ક્યારેય આપણને જે કંઈ મળ્યું છે કે આપણે જે કંઈ પામ્યા છીએ એ બધું જ માણવા દેતી નથી. ભૌતિક વસ્તુઓ કે સુખ તો ઠીક આપણને આપણા સ્વજનો અને સંબંધોને પણ માણવા નહીં દે. અંતત: આગળ કહ્યું એમ આપણે કોઈ અદૃશ્ય ચકરડીમાં ‘ટામેટું રે ટામેટું’ રમતા રહીએ છીએ.
પણ જો આમાંથી મુક્ત થવું હોય તો એનો એક જ રસ્તો છે અને એ રસ્તો છે સ્વીકારભાવ. આપણે આપણી સફળતાઓનો પણ સ્વીકાર કરવો પડશે અને આપણી નિષ્ફળતાઓનો પણ. આપણે આપણા એફર્ટ્સનો પણ સ્વીકાર કરવો પડશે અને આપણને જે કંઈ મળ્યું, મળી રહ્યું છે એનો પણ સ્વીકાર કરવો પડશે. આપણે આપણા સંજોગોનો પણ સ્વીકાર કરવો અને અનેક કિસ્સામાં આપણી સાથે થતાં નાના-મોટા અન્યાયો, આપણા અભાવો કે આપણી સાથે થયેલી દગાખોરીનો પણ સ્વીકાર કરવો પડશે. જો આવું નહીં શીખીશું તો આપણે ક્યારેય શાંત રહી શકવાના નથી. અને કોઈ ઉદ્વેગ આપણને હંમેશાં દુ:ખી રાખશે.
એના કરતા આ ટ્રાય તો કરી જોજો. આપણી પાસે જે કંઈ છે કે આપણી સામે જે કંઈ છે એનો સ્વીકાર તો કરી જોજો. તમે આપોઆપ શાંત થવા માંડશો અને એ શાંતિ તમને આપોઆપ કોઈક અનન્ય આનંદ, સુખ તરફ દોરી જશે. ટ્રાય તો કરી જુઓ. મજા આવશે.