સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા
શું તમે લોકો સાથે વાતવાતમાં દલીલમાં ઊતરો છો? અકારણે માથાકૂટમાં પડો છો? કે પછી સંબંધને જીવતો રાખવા મૌન રહો છો? તમે અન્યો સામે હથિયાર હેઠાં મૂકી દો છો કે પછી તમારી મરજી મુજબ જીવવા માગો છો?
કેટલાંક ઘરોમાં અમુક પાત્રની ખામોશી છવાયેલી રહે છે. એકાદ પાત્રનું એકહથ્થું શાસન ચાલતું હોય છે. જ્યારે અન્ય સભ્યોની જિંદગી આધીન રહીને જીવાતી નહિ પણ નિચોવાતી રહે છે. મૂંગા મોંએ ઘરના નિર્ણયો સ્વીકારવા પડતાં હોય છે. પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે એટલે તરત જ એનો અવાજ દબાવી દેવામાં આવે. એક એવું શરીર જે માત્ર હાજર છે એવું દેખાય પણ એને ખીલવાની કોઈ જ સ્વતંત્રતા ન હોય. કહ્યું કરે ત્યાં સુધી સારાનો ટેગ મળે. જો સહેજ પણ પોતાનું ધાર્યું કરવાની કોશિશ કરે તો દબાવી દેવામાં આવે. કેટલીય કોશિશના અંતે અહીં હાર સ્વીકારી લેવામાં આવી ગઈ હોય છે. જાણે યંત્રવત જીવનને પોતાનો મંત્ર ન બનાવી દીધો હોય…!
એક કપલમાં ભાઈ હંમેશાં શાંત જોવા મળે. જ્યારે એમના પત્ની હસી મજાક કરતાં હોય. મોટાભાગે ઘરના નિર્ણયો પણ તેમના પત્ની લે. ભાઈ દરેક બાબતે સહમત હોય. ક્યારેય કોઈ ફરિયાદ પણ ન કરે. એના મિત્રે એકવાર આટલી શાંતિનું કારણ પૂછ્યું. પેલા ભાઈ કહે,’ હું દલીલ કરું તો પ્રોબ્લેમ થાય ને…! રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ. એ જે કરે એ યોગ્ય જ હોય એમ મેં માની લીધું છે. માથાકૂટ કરવાનો મોકો જ હું નથી આપતો…!’
આવું માત્ર ઘરમાં જ નહીં, પરંતુ પ્રત્યેક એવા સંબંધમાં જ્યાં ‘છોડવું’ શક્ય ન હોય ત્યાં બને છે. કોઈ એક પક્ષ અન્ય પર હાવી હોય છે અથવા તો સત્તા ભોગવે છે. જ્યારે બીજો પક્ષ ‘હામાં હા’ મિલાવી સંબંધ ન લજવાઈ એની તકેદારી રાખે છે. દલીલ સાથેની માથાકૂટમાં પડવા કરતાં મૌનને કાયમ માટે પોતીકું કરી લે છે. બધું જાણવા, સમજવા છતાં પોતાનો મત ન રજૂ કરીને પોતાની જાતને મૂર્ખની ગણતરીમાં ખપાવી દેતા રોકી લે છે. આ લોકો કોઈપણ એંગલથી મૂર્ખ તો નથી જ હોતા. સંબંધને જીવતો રાખવો કાં તો પોતાની ઈચ્છાઓને પાંખો આપવી- આ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની થાય ત્યારે તેઓ સ્વમાન કરતાં પણ વધુ સંબંધને અગત્યતા આપે છે. સારા-નરસાથી ભલીભાંતી વાકેફ હોવા છતાંય મૌન રહી પોતાનું અપમાન ગળી જાય છે. ચર્ચા કે દલીલ ત્યાં જ કરાય જ્યાં એની કિંમત હોય. આપણા શબ્દોની એનર્જીને ત્યાં જ વેસ્ટ કરાય જ્યાં એને સમજી અને પચાવી શકનાર હોય. આપણી બુદ્ધિ પ્રતિભાને ત્યાં જ પ્રદર્શિત કરાય જ્યાં એની કદર હોય. આપણી લાગણીઓને ત્યાં જ વહાવાય જ્યાં એનું માન જળવાતું હોય. આપણા જ્ઞાનને ત્યાં જ ખુલ્લું મુકાય જ્યાં મૂર્ખાઓના ટોળાં ન હોય. આપણું ડહાપણ ત્યાં જ દેખાડાય જ્યાં એ ડહાપણની જેલસી ન હોય. માથાકૂટ અને ગુસ્સો પણ એની સાથે જ કરાય જેનામાં એ કર્યા પાછળનો ભાવ સમજી શકવાની લાયકાત હોય. ગમે ત્યાં ટે ટે કરવા કરતાં યોગ્ય જગ્યાએ પ્રતિભા નિખરે એ વધુ બહેતર છે. એમ પણ બોલવાથી બાજી બગાડવા કરતાં શબ્દોની ઊર્જાને યોગ્ય દિશામાં ઈન્વેસ્ટ કરીને તેનો મનચાહયો ઉપયોગ કરી શકાય છે.
આપણે બધા આપણને ગમતાં સંબંધમાં જી હજૂરી કરીએ છીએ કાં તો આપણી ઈચ્છા મુજબ નિર્ણય લઈને આગળ વધીએ છીએ. પરંતુ ઘણીવાર આ બંનેની વચ્ચેનો રસ્તો પસંદ કરી નાહકની માથાકૂટ કે કડાકૂટને આમંત્રણ આપીએ છીએ. આ રસ્તો સંબંધની સંક્રાંતિની અવસ્થા સૂચવે છે. જ્યાં ‘હા જી’ કહીં નથી શકાતું અને પોતાનું ધાર્યું કરવાની શરૂઆત થઈ ચુકેલી હોય છે. અહીં પોતાને કમ્ફર્ટ ઝોનમાં મુકવા માટેની મથામણ ચાલતી રહે છે. પોતાની ઈચ્છા મુજબ જીવવા માટે ‘પોતે સાચા જ છે’ એ વાત કોઈપણ ભોગે અન્યો સામે સાબિત કરવામાં આપણો સ્વભાવ ક્યારે માથાકૂટિયો બની ગયો એની ખબર પણ પડતી નથી. વળી કેટલાંક લોકોને પોતે શ્રેષ્ઠ છે અને સામેવાળું પાત્ર ખોટું છે એવું સાબિત કરવાની એવી તો ધૂન સવાર હોય છે કે ‘સપનામાં પણ સંભળાવી દીધું’ એમ માની હરખાતાં હોય છે. ‘મેં તો એમને રોકડો જ જવાબ આપી દીધો’, ‘હું તો એમનું એ વર્તન જરાય સાંખી ન શકું’, ‘જ્યાં સુધી મારી વાતને સાબિત નહીં કરું ત્યાં સુધી મને ચેન નહિ પડે’, ‘હું કહી ન દઉં ત્યાં સુધી મને હખ નહિ થાય’, ‘એમનાથી મને આવું બોલાય જ કેમ, હું જવાબ નથી આપતી એટલે ને’, ‘પોતાના મનમાં સમજે છે શું? આજ તો એનો વારો જ પાડી દઉં જો’ આ પ્રકારના વાક્યો બોલતાં ઘણાંય લોકો આપણી આસપાસ હશે. જેઓ મનનો ઉભરો ઠાલવે નહિ ત્યાં સુધી સખે જમી ન શકે. ગળે આવેલ શબ્દો જો પાછા ગળી જવા પડે તો શબ્દોની કબજિયાત થાય. એટલે પોતાના શબ્દોના પ્રવાહને દલીલ સ્વરૂપે કે માથાકૂટ કરવામાં છૂટથી વાપરે. મોકળે મને બોલવાની ખુશી જાણે પેટ સાફ થયાનો આનંદ દે. પણ એવું કરવામાં કટકટિયા બની જાય. આવા લોકોથી અન્યો દૂરી બનાવવાનું પસંદ કરે. સામાં મળે તો એમ થાય કે આ ક્યાં મળી ગયો/ગઈ?
સાસુ-વહુ વચ્ચે ખૂબ બને એવી એક જોડીને હું નજીકથી ઓળખું. એમાં સાસુ અતિશય શોખીન. દરેક વસ્તુને ઝીણવટપૂર્વક જાણી સમજી પછી લે. કપડાં, જવેલરી બધું એકબીજા સાથે મેચ થવું જ પડે એવું માને. પ્રસંગોપાત તૈયાર થવું જોઈએ અને બીજા પણ થાય એવો આગ્રહ રાખે. હવે એની પુત્રવધૂને આમાંનું એકપણ માફક ન આવે. એમના સાસુથી સાવ જુદો સ્વભાવ. દસ મિનિટમાં દસ જોડી કપડાં લઈ લે, મેચિંગના નામે મીંડું, દરેક ઓકેશનમાં ડ્રેસિંગ સ્ટાઈલ સરખી જ… હવે એમના સાસુને આ વસ્તુ બિલકુલ ન ગમે. આ બહેનને મારે મળવાનું થયું એટલે પૂછ્યું કે તમે કઈ રીતે મેનેજ કરો છો? તો એમણે જવાબ આપ્યો, ‘ખોટી માથાકૂટમાં પડવા કરતાં જ્યારે તેઓ સાથે હોય ત્યારે એમની મરજી મુજબ રહું અને હું એકલી હોઉં ત્યારે મારી મરજી મુજબ. એટલે અમે બંને સચવાઈ જઈએ…’
આ તો વચલો રસ્તો થયો. ખરેખર આવું કરવા જતાં આપણે કેટલી માત્રામાં ખુશ રહી શકીએ અને આપણાં નજીકનાને રાખી શકીએ? કારણ વગરની માથાકૂટમાં પડવા કરતાં, સામસામી દલીલો કરવામાં અમૂલ્ય સમયને વેડફતાં પહેલાં સ્વયં સાથે સુંવાળો સંવાદ કરી લેવો જોઈએ. આપણે જે કરીએ છીએ એનાથી આપણને સંતોષ છે કે કેમ? આપણી જાત કે જેને સોએ સો ટકા ખુશ રાખવાનો એકમાત્ર અધિકાર આપણો છે એ આપણા વર્તનથી ખુશ છે કે કેમ? એમ પણ પાત્રતા વગરના લોકો સામે બુદ્ધિનું પ્રદર્શન એ મૂર્ખામીથી વિશેષ કાંઈ જ નથી. પોતાનું લેવલ, આવડત, સ્ટેટસ, સન્માનને ખોઈને કોઈની સામે જીતી જવાથી બહેતર છે મૌન રહીને જીતને જતી કરી દેવી સારી…!
કલાઇમેકસ: જ્યાં સંબંધ પર પૂર્ણવિરામ મૂકી શકાય એમ નથી ત્યાં હાર જીતનો તો સવાલ જ ઊભો થતો નથી કારણ કે ત્યાં હાર સ્વીકારેલી હોય છે. એટલે નહિ કે જીતી શકાય એમ નથી પણ એટલે કે કોઈની સામે મૌન રહીને સામેવાળાને જીત્યા હોવાનો અહેસાસ કરાવાય છે…! ઉ