શાકભાજી અને ફળોને ધોયા વિના ખાવા એ આરોગ્ય માટે જોખમી છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ અને આ જ કારણ છે કે આપણા ઘરોમાં શાકભાજી, ફળ આવે એટલે પહેલાં એને ધોવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે તમે વર્ષોથી આ શાકભાજીને ધોવામાં ભૂલ કરી રહ્યા છો?
આપણામાંથી મોટાભાગના લોકોનો ઘરોમાં બજારમાંથી લાવવામાં આવતા વેજિટેબલ્સ અને ફ્રૂટ્સને એક જ વાર પાણીમાંથી ધોઈને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવામાં આવે છે. પછી ત્યાર બાદ આખા અઠવાડિયા સુધી તેને બહાર કાઢીને, ધોયા વગર વાપરવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે બેક્ટેરિયા, જંતુનાશકોની હાજરીને દૂર કરવા માટે તેને એક જ વખત પાણીથી ધોવા એ પર્યાપ્ત નથી.
જો તમે અત્યાર સુધી આવું જ કરતા હતા, તો આજે જ તમારી આ આદત બદલો, અને ફળો અને શાકભાજીનું સેવન કરતા પહેલા, રાંધતા પહેલા FDA (યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિઓનું પાલન અવશ્ય કરો.
આ છે એક્સપર્ટ્સ એડવાઈઝ
એફડીએના નિષ્ણાત ગ્લેન્ડા લુઈસના જણાવ્યા અનુસાર, તાજા શાકભાજી, ફળો પ્રદૂષિત થઈ શકે એના ઘણા બધા કારણો હોઈ શકે. ખેતરમાંથી નીકળ્યા બાદ આ શાકભાજી, ફ્રૂટ્સ અનેક હાથમાંથી પસાર થાય છે, જેને કારણે તેમનું દૂષિત થવું ખૂબ જ સ્વાભાવિક છે. ખરીદી, સંગ્રહ અથવા ખોરાકની તૈયારી દરમિયાન પણ આ શાકભાજી અને ફ્રૂટ્સ દૂષિત થઈ શકે છે.
હાથ ધોઈ લો
FDAની માર્ગદર્શિકા અનુસાર તાજા શાકભાજી અને ફળોને ઉપાડ્યા પછી કે સ્પર્શ્યા પછી ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી હાથને ગરમ પાણી અને સાબુથી ધોવાની ભલામણ કરવામાં આવી છે. આવું કરવાનું કારણ એટલું જ કે શાકભાજી અને ફળો ધોવાથી, તેમાં રહેલા દૂષિત તત્વો હાથમાં પર લાગી જાય છે અને જેના કારણે તેને સાફ કરવા માટે હાથને યોગ્ય રીતે ધોવા ખૂબ જ જરૂરી છે.
ઘસી-ઘસીને ધોઈ લો શાકભાજી, ફ્રૂટ્સ
તાજા શાકભાજીને સાફ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને વહેતા પાણીની નીચે હળવા હાથે સ્ક્રબ કરો, તરબૂચ જેવા સખત ફળો અને શાકભાજીના કિસ્સામાં, તમે બહારની સપાટીને સાફ કરવા માટે સોફ્ટ સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો.ખરાબ કે પછી સડેલા ભાગને કાપી નાખો
ખાવા કે રાંધતા પહેલાં હંમેશાં શાકભાજી અને ફળોના સડેલાં કે તૂટેલાં ભાગને કાપીને દૂર કરો. કોબી જેવા પાંદડાવાળા શાકભાજીના બહારના લેયરને દૂર કરો. આવું કરવાથી તેમાં રહેલી ગંદકી અને બેક્ટેરિયા શરીર સુધી નથી પહોંચી શકતા
એક નહીં અનેક વખત ધોવાનું રાખો
તાજા શાકભાજીને હંમેશા જ છાલ ઉતારતી વખતે કે સમારતા પહેલાં પાણીથી 2-3 વખત ધોવા જોઈએ. આવું કરવાથી આ ખોરાક બેક્ટેરિયા, જંતુનાશકો અને ગંદકીથી મુક્ત રહે છે. આ એ પણ સુનિશ્ચિત કરે છે કે બેક્ટેરિયા છરી સુધી ન પહોંચી શકે.