આપણે આપણા જીવનમાં ઘણા એવા લોકોને મળ્યા હોઈશું કે જેઓ ભીડથી અલગ રહેવાનું પસંદ કરતાં હોય છે. આવા લોકો ભાગ્યે જ બહાર નીકળતાં હોય છે. આપણા લોકો માટે 2020માં લોકડાઉન આવ્યું હતું, પરંતુ આવા લોકો માટે આખું જીવન જ લોકડાઉન હોય છે. તમે કે હું ભલે આખો સમય ઘરમાં ગોંધાઈ રહેવાનું પસંદ ના કરીએ, પણ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ 24 કલાક ઘરમાં ગોંધાઈ રહેવાનું પસંદ કરે છે, લોકોને હળવું-મળવું આ લોકોને પસંદ જ નથી હોતું. તેઓ બસ પોતાના જીવનમાં જ વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. પરંતુ, શું ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે આખરે આવું કેમ? કેમ આ લોકોને આ રીતે એકલા રહેવાનું પસંદ હોય છે? તો આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ આજે આપણે અહીં કરીશું. સૌથી પહેલાં તો એ જણાવીએ કે આ પ્રકારની પરિસ્થિતિ માટે હિકિકોમોરી શબ્દનો ઉપયોગ થાય છે. હવે શું તમને ખબર છે કે આ હિકિકોમોરી શું છે અને તેનો એકલતા સાથે જ શો સંબંધ છે?
સૌથી પહેલાં તો જાણીએ કે આ હિકિકોમોરી છે શું?
મૂળ તો આ એક જાપાની શબ્દ છે અને હિકિકોમોરી શબ્દનો ઉપયોગ જાપાનમાં જ થાય છે. આ શબ્દ જાપાનમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેનો ઉપયોગ એવા લોકો માટે થાય છે જેઓ સમાજથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે કે પછી એકાંતવાસનું જીવન જીવે છે. આવા લોકો ઘરમાં રહે છે, ત્યારે પણ તેઓ ઘણા દિવસો સુધી નહીં, પરંતુ ઘણા મહિનાઓ સુધી ઘરમાં જ ગોંધાઈ રહે છે અને બહાર આવતા નથી. જો આપણે આ શબ્દ વિશે વાત કરીએ તો, ‘હિકિકોમોરી’ જાપાની શબ્દ ‘હિકી’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે અંદરની તરફ ખેંચવું અથવા બંધ થવું અને ‘કોમોરી’ એટલે એકાંત.
હિકીકોમોરી એક એવી સ્થિતિ છે જેમાં અલગ થવું માત્ર એક મુદ્દો નથી, એ એક માનસિક તકલીફ છે. આ તણાવ અથવા ડિપ્રેશન જેવી કોઈપણ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનું લક્ષણ હોઈ શકે છે. હિકિકોમોરીના ચોક્કસ કારણો સંપૂર્ણપણે સમજી શક્યા નથી, પરંતુ માનવામાં આવે છે કે તેમાં સામાજિક દબાણ, નિષ્ફળતા, ભાવનાત્મક સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે. હિકિકોમોરી એ જાપાનમાં આ એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો છે અને એવું માનવામાં આવે છે કે ત્યાં આવા અડધો મિલિયનથી 5 મિલિયન લોકો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જાપાન સરકારે હિકિકોમોરી લોકોને સમાજમાં પાછા લાવવા અને મનોવૈજ્ઞાનિક સમર્થન આપવા માટે કામ કર્યું છે અને હજુ પણ કરી રહી છે. જોકે, ઘણા પ્રયત્નો પછી પણ, તેમને સમાજમાં સામેલ કરવા ખૂબ મુશ્કેલ છે…