અક્ષય તૃતીયાને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર માનવામાં આવે છે અને આવતીકાલે આ જ રૂડો અવસર છે. એવું કહે છે કે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય અજમાવીને તમે માતા લક્ષ્મીની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકો છો. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું કેટલાક એવી બાબતો વિશે કે આ દિવસે તમે તમારી કેટલીક ભૂલના લીધે દેવીને નારાજ પણ કરીને તમારું મોટું નુકસાન થશે.
જો તમે પણ કેટલીક બાબતોની અવગણના કરો છો, તો અક્ષય તૃતીયા જેવાં શુભ અવસરે પણ માતા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવવાનું ટાળે છે. અહીં આપણે વાત કરીશું કેટલાક એવી બાબતો વિશે કે જે તમારે અક્ષય તૃતિયા પહેલાં કરી લેવા જોઈએ, નહીંતર મા લક્ષ્મી તમારા રિસાઈ જશે. આવો જોઈએ કયા છે આ કામો…
સૂકાયેલા છોડ અને પુષ્પને કહો ટાટા બાય-બાય
જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવે તો અક્ષય તૃતિયા પહેલાં જ ઘરમાં રહેલાં સુકાયેલા પાન, છોડ કે પુષ્પને બહાર કાઢી દેવા જોઈએ. આ બધી વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ લાવે છે તેમજ આર્થિક સમૃદ્ધિમાં અવરોધ ઊભો કરે છે.
જૂની કે તૂટેલી સાવરણીનો નિકાલ લાવો..
દિવાળીની જેમ જ અક્ષય તૃતીયાના દિવસે જૂની સાવરણી બદલવાની માન્યતા પ્રચલિત છે. જો ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી હોય તો અક્ષય તૃતીયા પહેલાં તે સાવરણીનો નિકાલ કરી દેવો જોઇએ. માન્યતા અનુસાર ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેમજ માતા લક્ષ્મી નારાજ થઇને ઘરમાંથી જતા રહે છે !
ઘરના તૂટેલાં વાસણોને આપો તિલાંજલિ
જો ઘરમાં તૂટેલા વાસણ હોય તો આ વાસણોને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઇએ. ઘરમાં રાખેલા તૂટેલા વાસણ વાસ્તુદોષ લાવે છે. તેની નકારાત્મક ઊર્જાને લીધે ઘરમાં કલેશનું વાતાવરણ જોવા મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં શાંતિ નથી રહેતી ત્યાં માતા લક્ષ્મીનો વાસ પણ નથી રહેતો. એટલે ધનદાયી અક્ષય તૃતિયા પહેલાં તૂટેલા વાસણોને ઘરની બહાર કરી દેવા જોઈએ.
તૂટેલા ચંપલ રાખવાનું ટાળો
જો તમારા ઘરમાં પણ જૂના તૂટેલા ચંપલ પડ્યા છે તો અક્ષય તૃતિયા પહેલાં જ તેને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ. અક્ષય તૃતિયાનો દિવસ એ નવી વસ્તુઓની ખરીદી કરવાનો દિવસ છે. આ દિવસે સોનુ ખરીદવાને શુભ માનવામાં આવે છે. આવા શુભ અવસરે તૂટેલા ચંપલોનું ઘરમાં હોવું બિલકુલ પણ શુભ નથી મનાતું.
કચરાની ટોપલીને મુખ્ય દ્વારથી રાખો દૂર
ઘણાં લોકોને ઘરના મુખ્યદ્વાર પાસે જ ડસ્ટબીન રાખવાની આદત હોય છે. જો આપ પણ ઘરના મુખ્યદ્વાર પાસે કચરા ટોપલી રાખતા હોવ તો તેને ઝડપથી દૂર કરી દો. કહે છે કે માતા લક્ષ્મી મુખ્યદ્વાર પાસે જ કચરા ટોપલી જુએ છે તો ઘરની અંદર પ્રવેશવાનું જ ટાળી દે છે. એટલે, અખાત્રીજના દિવસે તો મુખ્યદ્વાર પાસે ડસ્ટબીન રાખવાનું ટાળવું જોઈએ.