મુંબઈ સહિત દેશ આખામાં ગરમી માઝા મૂકી છે. પશુ પંખીની સાથે આમ આદમી માટે ભર બપોરે બહાર નીકળવાનું મુશ્કેલ બન્યુ છે ત્યારે આ સંજોગોમાં ઠંડા પીણા કરતા પણ ગોળનું શરબત તમારા પેટને ઠંડું રાખવાની સાથે ઘણા લાભ આપે છે. ગોળનું શરબત પીવાથી શરીરમાં તાપમાન સંતુલિત થઈ શકે છે. આ સિવાય ઉનાળામાં પેટની સમસ્યા પણ વધી જાય છે, જેમાં ગોળનું શરબત પીવાથી આરોગ્ય સંબંધિત અનેક ફાયદાઓ મળે છે.
જોકે, ઉનાળામાં બળબળતી બપોરે ગોળનું શરબત પીવાના ઘણા ફાયદા છે, જે પૈકી સૌથી પહેલા હીટ સ્ટ્રોકથી બચવામાં મદદ મળે છે. આ શરબત પીવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે અને તમે અચાનક ગરમી અને ઠંડીનો શિકાર નથી બનતા. આ ઉપરાંત, આયર્નની ઉણપને દૂર કરવા માટે ગોળનું શરબત પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં એનિમિયાને દૂર કરી શકે છે. જો તમને એનિમિયા છે, તો તમારે ગોળનું શરબત પીવું જોઈએ.
ગોળનું શરબત પીવાથી શરીરના વધતા અને ઘટતા તાપમાન વચ્ચે તેને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. આ મુદ્દે નિષ્ણાતો જણાવે છે કે ગોળનું શરબત શરીરમાં હાઇડ્રેશન વધારવા અને સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદરૂપ બને છે.