તન-મનથી સ્વસ્થ રહો
નવા વર્ષે જે પણ કોઇ મળે તેને આપણે બે હાથ જોડીને નમસ્તે કરીએ છીએ. પ્રભુની પ્રાર્થના કરવા સંતોની કૃપા મેળવવા કે વડીલને માન આપવા કે કોઇનું પણ અભિવાદન કરવા આપણે બે હાથ જોડીને ‘નમસ્તે’ કરીએ છીએ તેની પાછળના જબરદસ્ત વિજ્ઞાન રહેલું છે. નમસ્તે કરીને તમે માત્ર સામેની વ્યક્તિને માન જ નથી આપતાં, પણ તમારા મન અને તનને પણ સ્વસ્થ કરો છો.
કોઇ પણ સારો વિચાર મનમાં આવે તો તેને અમલમાં મૂકવા હાથની જરૂર પડે છે. હાથ એ આપણી કર્મેન્દ્રિય છે. આ કર્મેન્દ્રિય છે. આ કર્મેન્દ્રિયને ઊર્જાવાન રાખવા આપણા હૃદય અને ફેફસાંં સતત પ્રયત્નશીલ રહે છે. હૃદય અને ફેફસામાંથી પંપિંગ થયેલું લોહી હાથ અને પગના છેક ટેરવા સુધી પહોંચતું હોય છે. ટેરવાની દીવાલ સાથે અથડાયા પછી લોહી પાછું ફરતું હોય છે. ત્યારે અથડામણને કારણે ઊર્જા પેદા થાય છે. જેમ કોઇ રબરનો દડો દીવાલ સાથે અફળાય ત્યારે ઊર્જા પેદા થાય છે. આ ઊર્જાથી દડો પાછો આવે છે. તેની અમુક ઊર્જા દીવાલમાં પણ શોષાય છે.
આ જ રીતે લોહી આંગળીઓના ટેરવા જોડે અથડાઇને પાછું હૃદય તરફ ફરતું હોય છે ત્યારે કંપન થકી ઊર્જા પ્રાપ્ત થતી હોય છે. આ ઉર્જાથી લોહી પાછું ફરે છે જ્યારે ‘ટેરવા’ને મળેલી ઊર્જા વાતાવરણમાં વેડફાઇ જતી હોય છે. આ વેડફાઇ જતી ઊર્જાને શરીર અને મન માટે વાપરવી હોય તો સિમ્પલ છે બે હાથ જોડી દો! “આમ હાથ જોડી બેસી રહ્યા વગર કાંઇ કામધંધો કરો એવી સલાહ તમને વડીલો કે પત્ની તરફથી વારંવાર મળતી હશે. પરંતુ તમે ખરેખર નવરાશની પળોમાં હો ત્યારે હાથ જોડેલા રાખવા જેવું શ્રેષ્ઠ કાર્ય બીજું કોઇ નથી. વૃદ્ધ, અશક્ત કે મહિલાઓ પણ આનો લાભ સહેલાઇથી ઉઠાવી શકે છે. ટ્રેન કે કારમાં પ્રવાસ કરતી વેળા બીજી કાંઇ પ્રવૃત્તિ ન હોય તો તમારી બેઉ હાથની આંગળીના ટેરવા એક બીજા સાથે જોડી રાખજો તમને ખ્યાલ પણ ન આવે તે રીતે તમારા શરીર અને મનમાં ઊર્જાનો સંચાર થતો રહેશે. જે રીતે લાઇટની સ્વિચ ‘ઓન’ કરવાથી એક સરકીટ વર્તુળ પૂરું થાય છે અને આખો રૂમ લાઇટથી ઝગમગે છે તે જ રીતે બે હાથ જોડવાથી આખા શરીરની ‘સરકીટ’ પૂરી થઇ તમારા શરીરના રૂમમાં ઊર્જા ઝગમગવા લાગે છે.