આમ તો આજે આ અભિનેત્રીનો જન્મદિવસ છે, પરંતુ તેના મૃત્યુના સમાચાર એટલા ભયાવહ હતા અને તેના મૃત્યુનું રહસ્ય એટલું ઘોળાતું રહ્યું કે તેને યાદ કરતાની સાથે જ એ દુઃખદ ઘટના યાદ આવી જાય. શ્રીદેવી જેવો ચહેરો ધરાવતી અને દક્ષિણની તેમ જ હિન્દી ફિલ્મોજગતમાં ખૂબ જ ઝડપથી છવાઈ ગયેલી અભિનેત્રી દિવ્યા ભારતીનો આજે જન્મદિવસ છે. 25 ફેબ્રુઆરી, 1974ના રોજ જન્મેલી આ અભિનેત્રીનું મૃત્યુ માત્ર 19 વષર્ની વયે ફ્લેટની બાલ્કની પરથી પડી જવાથી થયું હોવાનું કહેવાય છે.
આ એક અકસ્માત હતો, આત્મહત્યા હતી કે પછી હત્યા તે આજે પણ એક રહસ્ય જ છે. પોતાના ત્રણ વર્ષના કરિયરમાં તેણે 14 સુપરહીટ ફિલ્મો આપી હતી. સુંદર હોવાની સાથે તે સારી અભિનેત્રી અને ડાન્સર પણ હતી. રાધા કા સંગમ ફિલ્મથી હિન્દી ફિલ્મજગતમાં આવેલી દિવ્યા શાહરૂખ ખાનની પહેલી હીરોઈન હતી. ફિલ્મ દિવાનામાં તેણે ઋષી કપૂર અને શાહરૂખ ખાન સાથે કામ કર્યું હતું. પોતાના સમયના તમામ મોટા અભિનેતા સાથે જોડી જમાવનાર અભિનેત્રી પર ફિલ્માવવામાં આવેલા ડાન્સ સિકવન્સ આજે પણ લોકપ્રિય છે.
દિવ્યા નોન-ફિલ્મી પરિવારમાંથી આવી હતી અને મોડલિંગ માટે નવમા ધોરણ બાદ અભ્યાસ પણ છોડી દીધો હતો. ફિલ્મ શોલા ઔર શબનમના સેટ પર ગોવિંદાએ તેની મુલાકાત નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે કરાવી હતી. બન્ને વચ્ચે પ્રેમ થયો અને માનવામાં આવે છે કે દિવ્યાની 18ની ઊંમર થતા તેણે અને દિવ્યાએ લગ્ન કર્યા હતા અને દિવ્યાએ ઈસ્લામ ધર્મનો અંગિકાર કરી પોતાનું નામ સાના કરી નાખ્યું હતું. આ સંબંધ જાહેર કરવામાં આવ્યો ન હતો. જોકે આ સંબંધમાં તેના ભાગે ખુશી ન આવી અને તે હતાશામાં ગરકાવ થઈ ગઈ. કહેવાય છે કે તે દારૂને રવાડે ચડી ગઈ હતી. આ સાથે કાળા જાદુમાં પણ માનવામા લાગી હતી. તે મૃત્યુ પામી ત્યારે પણ અહેવાલો અનુસાર તે નશામાં ધૂત હતી.
પોતાની કરિયરના પહેલા બે વર્ષમાં એક ડઝન સુપરહીટ ફિલ્મો આપનારી આ અભિનેત્રી તે સમયે તમામ અભિનેત્રીઓ માટે મોટો પડકાર હતી, જો તે હોત તો…ખૈર, 19 વર્ષની ઉંમરે દુનિયા છોડી જનારી દિવ્યા આજે પણ ચાહકોના હૃદયમાં છે. નાની ઉંમરમાં મોટું કામ કરી જનારી હિન્દીસિનેમાની બેબીડોલને તેના જન્મદિવસે યાદોના ફૂલ.