ઊડતી વાત -ભરત વૈષ્ણવ
“તમારો પગાર કેટલો? રાજુ રદ્દી એન્ફોર્સમેન્ટ ડિરેકટરોટ અગર ઇન્કમટેકસનો ઓફિસર હોય એવા સત્તાવાહી અવાજે મને સવાલ કર્યો. મારો પગાર આંગળીના ટેરવે ગણી શકાય તેવો મામૂલી હોય તેમ રાજુ આંગળીના વેઢા ગણતો હતો.
“જો રાજુ. આપણે ત્યાં ઋુષિનું કૂળ, નદીનું મૂળ, સ્ત્રીની ઉંમર અને પુરૂષનો પગાર પૂછવા પર પ્રતિબંધ છે. મેં રાજુના સવાલને જેમ કાગળને ફૂંકથી ઉડાડીએ તેમ ઉડાડવાનો પ્રયત્ન કર્યો. રાજુ રદ્દી મૂળે ખેપાની ખોળિયું. રાજુ ખુદ જંપે નહીં અને બીજાને જપવા દે નહીં!!
“ચાલો ભોડાકૂટ કર્યા વિના પગાર કહી દો રાજુ રદ્દીએ હકકપૂર્વક ઓર્ડર કર્યો!
“રાજુ પગાર, ડીએ, પીએફ મળીને રાઉન્ડ એબાઉટ પચાસ-પંચાવન હજાર થાય! મેં નાછૂટકે પગાર કહ્યો!!
“પુઅર પંચાવન હજાર? સિર્ફ પંચાવન હજાર? શું નોકરો કરો છો?? ધંધો કરો કે સારી નોકરી કરો. રાજુએ મને ટિઝ કર્યો.
“રાજુ. તારા રવાડે ચડીને હાલારી ગધેડીનું દૂધ વેચવા જતા હું સલવાઈ ગયેલો. મે રાજુને કહ્યું.
“ગિરધરભાઇ. પાસપોર્ટ છે, અમેરિકાના વિઝા છે? તમને એક કરોડનો પગાર મળે તેમ છે. રાજુએ મારી આગળ કરોડ રૂપિયાનું લીલુંછમ ગાજર લટકાવ્યું.
“રાજુ. અમેરિકામાં આટલો બધો પગાર મળે તો કરવાનું શું? કરોડ રૂપિયાની એન્યુઅલ સેલરી સાંભળી મારી દાઢ ડળકી!!!
“ગિરઘરભાઇ, તમારે એક કરોડ રૂપિયાના પગારે ઉંદર મારવાના. આમ, પણ તમને માખી, મચ્છર અને જખ મારવાનો વિશાળ અનુભવ છે. રાજુએ કોથળામાં પાંચશેરી મારી!!
“રાજુ. આપણે ત્યાં એવી કહેવત છે કે ઉંદરડી ખરલ ચાટી ગઇ એટલે કૂદાકૂદ કરે. એ જે હોય તે . પણ બિહારના શરાબી ઉંદરો કરોડો રૂપિયાનો દારૂ પોલીસના ચોપડે ગટગટાવી ગયા. અલબત, ચોપગા કરતાં દ્વિ ચરણ મૂષકો વધુ માત્રામાં મદિરાપાન કરી ગયા. આમાં નશાબંધી સફળ કયાંથી થાય?? હમણાં ઉંદરો કરોડો રૂપિયાનો ગાંજો ઝાપટી ગયા. આપણે ત્યાં નર્મદાની કેનાલ, પેટા કેનાલમાં ભંગાણ પડવા માટે કેનાલમાં ઉંદરોએ પાડેલા ગાબડાને જવાબદાર માનવામાં આવેલ હતા!! મેં કહ્યું.
“ગિરધરભાઇ. ઉંદર કોઇ રીતે ઉપયોગી નથી. આર્જેન્ટિના દેશના નોરડેલ્ટા શહેરના નાગરિકો વિશાળકાય ઉંદરોથી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા છે.વિશાળકાય ઉંદરને કેપીબરાસ કહેવામાં આવે છે. જેનું સાયન્ટિફિક નામ હાઉડોકોરિસ હાઇડોચેરિસ છે. તે કારપિન્ચોસ નામે પણ ઓળખાય છે. જેની ઉંચાઇ માત્ર ચાર ફીટ હોય છે!! તેનું વજન ફક્ત ૭૯ કિલો હોય છે.
આપણે ત્યાં બાળ સાહિત્યમાં અમર કહી શકાય તેવી સાત પૂ્છડીવાળો ઉંદર વાર્તામાં સ્થાન પામી અમર થઇ ગયો. “ઉંદર-સિંહની દોસ્તીની વાર્તામાં અમર થઇ ગયો છે. ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદરથી અમર થયો છે. સામાન્ય રીતે ઉંદર બિલાડી કે કૂતરાંને જુએ કે એક પૂંછડી કે સાત પૂંછડી દબાવીને દરમાં જતો રહે. ટોમ-જેરીની કોમેડીમાત્ર પણ ટોમ-બિલ્લોના નાકમાં ટેરી-ઉંદરડું દમ ભરી દે છે. રાજુએ કહ્યું.
રાજુ. ઉંદરનો ત્રાસ કંઈ ભારતમાં છે, એવું નથી. દરેક જગ્યાએ ઉંદરોનો ભારે આતંક છે. ઉંદરોના આતંકને કારણે સામાન્ય માણસથી લઈને અધિકારીઓ પરેશાન રહે છે. દુનિયાના મોંઘામાં મોંઘું શહેર ન્યુયોર્ક ઉંદરોના ત્રાસ સામે ઝઝૂમી રહ્યું છે. ન્યુયોર્કની શેરીઓ, ગટરો, સબ વે, નિર્માણધીન ઇમારત, બગીચા, જૂતાંની દુકાન, રેસ્ટોરેન્ટમાં ઉંદર અને માત્ર ઉંદર દૃષ્ટિગોચર થાય છે. તાજેતરમાં જ અમેરિકાના ન્યુયોર્કમાં ઉંદરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે. છેલ્લાં બે વરસમાં ઉંદરની વસ્તી એંસી લાખથી વધીને એક કરોડ થઇ છે. આ ઉંદરોની વસ્તી ગણતરી ક્યારે કરી અને કેવી રીતે કરી તેની વિગતો જાહેર કરવામાં આવેલ નથી. કોરોના કાળમાં રેસ્ટોરેન્ટ, કોમર્શિયલ સેન્ટરો, બંધ હોવાથી ભૂખ્યા ઉંદરો શહેરના રહેણાક વિસ્તારોમાં જતા રહેલા. ન્યુયોર્કના રુંવાટીવાળા ઉંદરો કુખ્યાત છે. ન્યૂયોર્કના સ્થાનિક તંત્રએ ઉંદર પકડવા માટે ડોગ સ્કવોર્ડ તૈયાર કરી છે. તાલીમ પામેલા ડોગ ઉંદર જોઇને સીધો હુમલો જ કરી દે છે. કચરાના ઢગલા, બાંધકામના કાટમાળ અને ઝાડીઓમાંથી ઉંદરોને બહાર કાઢે છે. ઝડપી અને લાંબા પગવાળા કૂતરાઓ ખડેપગે ઊભા રાખવામાં આવે છે. બંધિયાર સ્થળે જગ્યા ઓછી હોય ત્યાં ટૂંકા પગવાળા કૂતરા વધારે કામના છે. ઉંદર પકડવા સાથે જોડાયેલા સ્વયંસેવકોને પોતાના ડોગને શિકાર કરવાનું કૌશલ્ય શીખવવામાં મજા આવે છે. કૂતરાઓને ઉંદરનો શિકાર કરતા જોઇને તેઓ આનંદ અનુભવે છે. ઉંદરોના બીલ (રહેઠાણ) પાસે સૂકો બરફ મુકવાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઉંદર પકડનારા હાથ વડે ઉંદરના મૃતદેહની પૂંછડી પકડીને સિંગલ સ્ટ્રેપ ફેબ્રિક બેગમાં રાખે છે. દિવસના અંતે પકડેલા ઉંદરની ગણતરી કરવામાં આવે છે. ઉંદરના ત્રાસથી લોકોને બચાવવા રાયડર્સ એલિ ટ્રેન્ચર ફેડ સોસાયટી (આર.એ.ટી.એસ) નામનું એક જૂથ સક્રિય છે.જે મોટા કદના ત્રાસદાયક ઉંદરોને પકડીને મારી નાખવા માટે ન્યૂયોર્ક શહેરની અંધારાવાળી ગલીઓમાં ફરતું રહે છે. મેં રાજુને ઉંદરની આફત અંગે જ્ઞાન પીરસ્યું!!
ગિરધરભાઇ. અમેરિકા જગત જમાદાર છે. કેટલાય દેશમાં મિસાઇલ, બોમ્બ ફેંકે છે. વિજ્ઞાન ગમે તેવી પ્રગતિ કરે પણ ઉંદર, મચ્છર, માખી, ચાંચડ, ઉધઇનો ખાત્મો બોલાવી શકયા નથી. વૈજ્ઞાનિકો વધુ પાવરવાળી દવા શોધે છે તો નવી જનરેશન દવા પચાવી જાય છે. મુંબઇ રેલવે સ્ટેશને પાટા પર ગલૂડિયાંની સાઇઝના ઉંદર નીડર થઇ ખોરાક લેતા દેખાય છે. કદાચ આગલા જન્મમાં રેલવે ખાતાના એમ્પલોઇ ન હોય ! દોઢ ફૂટ અને ૫ કિલો વજન ધરાવનાર ઉંદરનો શક્તિ વધારવા માટે ચાઈનીઝ લોકો ખાવામાં કરે છે. જેને બેમ્બુ કહે છે.જેની કિંમત ૧૦ હજાર રૂપિયા છે. બેમ્બુ ઉંદરોમાં ઘણા પોષક તત્ત્વો હોય છ, તે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે છે. રાજુએ કહ્યું.
“રાજુ.ન્યુયોર્કના મેયરે જાહેરાત કરી છે કે, ઉંદરોની વધતી વસ્તીનો સામનો કરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે.તમે કલાકો સુધી સીટ પર બેઠા વગર કરોડો રૂપિયા કમાવા માગતા હોવ તો આવા લોકો માટે મોટી જોબ ઓફર આવી છે. આ માટે તમારે કંઈ કરવાનું નથી માત્ર તમારે કોઈને મારવાના છે. અરે, ચિંતા ન કરો, આ લોહી કોઈ માણસનું નહીં પણ ઉંદરોનું હોવું જોઈએ. શહેરના ઉંદરોને મારવા માટે વાર્ષિક ૧.૩ કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવશે. ઉંદર ઝાર તરીકે પસંદ કરાયેલા કર્મચારીને રૂ. ૯૭ લાખ (૧૨૦,૦૦૦)થી રૂ. ૧.૩ કરોડ (૧૭૦,૦૦૦) સુધીનો વાર્ષિક પગાર ચૂકવવામાં આવશે.તેણે ૨૪/૭ કામ કરવું પડશે. ઉંદરોને જોતા જ મારવાનું મન પણ જરૂરી છે. જોબ ઓફરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દરેક રીતે ઉંદરોને કેવી રીતે મેનેજ કરવું તે જાણવું જોઈએ. ઉંદરોને પકડવા માટે વ્યૂહરચના બનાવવી, ડેટા કલેક્શન, ટેક્નોલોજી ઈનોવેશન, વેસ્ટ મેનેજમેન્ટ અને સામૂહિક રીતે ઉંદરોની હત્યા કરવી એ કામનો એક ભાગ હશે. ઉંદર પકડનારની લાયકાત આવી રીતે ઉમેદવારનો આડો સ્વભાવ અને આચરણ સાથે ખરાબ ઈમેજ હોવી જોઈએ. આ સાથે ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. આ ઉપરાંત ઉંદર મારવા અથવા સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. આ નોકરી મેળવનાર વ્યક્તિ માટે રમૂજની સારી સમજ હોવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ એટલા માટે છે કારણ કે જોબ ધારકે સિટી હોલમાં લોકોને સંબોધિત કરવાનું રહેશે. મેં ઉંદર વિશે અવનવી વાત શેર કરી .
“રાજુ. ઉંદર મારવાના ક્ષેત્રે નક્કર કાર્યવાહી થઇ નથી. આઝાદી મળ્યા પછી ઉંદર મારવાની બાબત અભ્યાસક્રમમાં સામેલ થઇ નથી, જે શરમજનક છે. ઉંદર મારવા માટે ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર ડિગ્રી , પીએચડી સુધી અભ્યાસ દાખલ કરવો જોઇએ. અભ્યાસ પછી ઇન્ટર્નશીપ
કે એપ્રેન્ટિસશીપની વ્યવસ્થા કરવી જોઇએ. તેને માટે પ્રેકટિકલ તાલીમની વ્યવસ્થા હોવી જોઇએ. સ્ટાઇપેન્ડ કે સ્કોલરશીપ આપવા જોઇએ. સ્મોલ સ્કેલ ઇન્ટસ્ટ્રીઝમાં રેટ કિલીંગનો સમાવેશ કરવો જોઇએ. પકોડા તળવા કે ચા ઉકાળવાની માફક રેટ કિલિંગનો સ્વરોજગારમાં સમાવેશ કરવો જોઇએ !!! ઉંદર પકડવા માટે મુંબઇ અને જામનગર મહાનગરપાલિકા ખાસ ખર્ચો કરે છે. ઉંદર મારવાની પ્રવૃતિ એ વ્હાઇટ કોલર જોબ કહેવાય કે બ્લું કોલર જોબ કહેવાય? તેને જોબ કહેવાય કે સર્વિસ કહેવાય? આ જોબ પેન્શનપાત્ર છે કે કેમ?? ડેલ કાર્નેગીએ “હાઉ ટુ વિન ફ્રેન્ડઝ પુસ્તક લખ્યું પણ “હાઉ ટુ કિલ રેટ લખ્યું હોત તો સમાજ પર ઉપકાર કર્યો કહેવાત!! મેં રાજુને જણાવ્યું.
આપણા દેશમાં બેરોજગારી કૂદકે ને ભૂસ્કે વધે છે. ૮૦ કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આઇટીની વળતા પાણી થવાથી એમેઝોન, એચપી, પેકર્ડ, ટ્વીટર, ફેસબુક વગેરે કર્મચારીઓની છટણી કરી રહ્યા છે. દેશમાં દર મહિને લોકો નોકરી ગુમાવી રહ્યા છે. તમે તમારા હાલના પગારથી નાખુશ હો, તમને પ્રમોશન કે સેલરી રાઇઝ થવાની આશા ન હોય કે અસંતુષ્ટ છો, બેમાથાળા બોસથી નારાજ હો, નોકરીમાંથી ફાયર થવાનો હો, એમ્બિશસ હો, ગમે તે કામ કરીને ખૂબ રૂપિયા કમાવવા છે? તો રાહ શું કામ જુઓ છો?? કાલ નહીં આજ, આજ નહીં અબઘડી બોરિયા બિસ્તરા બાંધી સુ સટાક ન્યુયોર્ક પહોંચી જાવ , ત્યાં વરસે ૧,૦૦,૦૦૦,૦૦ રૂપિયા તમારી રાહ જુએ છે!!! બેસ્ટ ઓફ લક!!!