નાગપુર: અગાઉની રાજ્ય સરકારમાં શહેરી વિકાસ પ્રધાન તરીકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા નાગપુર જમીન ફાળવણીના નિર્ણય પર હોબાળો મચાવવામાં આવતાં બુધવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.
વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ સળંગ બીજા દિવસે ફરીથી ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો જેનો શાસક પક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.
બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચે ગયા અઠવાડિયે ઝૂંપડપટ્ટી માટેની જમીનની ફાળવણી અંગે ઝૂંપડપટ્ટીવાસીઓ અને ખાનગી વ્યક્તિઓ માટે શિંદે જ્યારે તેઓ અગાઉની ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારમાં શહેરી વિકાસ પ્રધાન હતા ત્યારે તેમણે લીધેલા નિર્ણય પર યથાસ્થિતિનો આદેશ આપ્યો હતો.
શિંદેએ મંગળવારના રોજ કોઇ પણ ગેરરીતિ થઇ ન હોવાનો અને વિપક્ષની પદ છોડવાની માગને નકારી કાઢી હતી. દાનવેએ મંગળવારે જણાવ્યું હતું કે નાગપુર ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ, જે શહેરી વિકાસ વિભાગ હેઠળ આવે છે, તેણે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને પુનર્વસન માટે મકાનોના નિર્માણ માટે શહેરમાં ૪.૫ એકરનો પ્લોટ અનામત રાખ્યો હતો.
જોકે શિંદેએ રૂ. ૧.૫ કરોડના ખર્ચે ૧૫ વ્યક્તિને જમીનનો ટુકડો આપવાનો આદેશ આપ્યો હતો. આ જમીનની વર્તમાન કિંમત રૂ. ૮૩ કરોડ છે, એવું શિવસેનાના (યુબીટી) નેતાએ દાવો કર્યો હતો.
બુધવારે દાનવેએ કહ્યું હતું કે નાગપુર ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ મનોજકુમાર સૂર્યવંશીએ એક આદેશ બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે એક પરિવારના લોકોને એક કરતાં વધુ પ્લોટ મળ્યા છે. આમ, પ્લોટનું વિતરણ નિયમિત રીતે થઇ શક્યું નહોતું. તેમણે દાવો કર્યો હતો કે મુખ્ય પ્રધાન શિંદે, જે અગાઉ રાજ્યના શહેરી વિકાસ પ્રધાન હતા, તેમણે જમીન ફાળવણીને નિયમિત કરવા માટે આદેશ આપ્યો હતો. દાનવે આગળ વધે એ પહેલાં શાસક પક્ષે ગોકીરો મચાવવાનું શરૂ કરી દીધું હતું અને તેમનું ભાષણ અટકાવી દીધું હતું.
ભાજપના વિધાનસભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો કે દાનવે દરરોજ આ મુદ્દો ઉઠાવતા હતા, જ્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કાઉન્સિલમાં એ અંગે જવાબ આપી દીધો હતો.
બંને પક્ષોએ દલીલ ચાલુ રાખતાં શિવસેના (યુબીટી)ના સભ્ય નરેન્દ્ર દરડે, જેઓ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હતા, તેમણે કાર્યવાહીને ૧૫ મિનિટ માટે સ્થગિત કરી દીધી હતી.
ગૃહની કામગીરી ફરી શરૂ થઇ ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જો મંગળવારે ચર્ચા પૂરી થઇ ગઇ હતી તો ફરીથી ગૃહમાં આ મુદ્દે ચર્ચા કેમ કરી રહ્યા છીએ? દરેક જણ જાણે છે કે આ મુદ્દો ન્યાયાધીન છે, તો પછી ગૃહમાં તેની ચર્ચા શી રીતે થઇ શકે.
જોકે દાનવે અને તેમના પક્ષના સાથી અનિલ પરબે દલીલ કરી હતી કે આ ગૃહને કોઇ પણ મુદ્દા પર ચર્ચા કરવાનો તમામ અધિકાર છે. બંને પક્ષોએ પીછેહઠ કરવાનો ઇનકાર કરતાં ગૃહને વધુ ૧૫ મિનિટ માટે મોકૂફ કરવું પડ્યું હતું.
જોકે ૧૫ મિનિટ બાદ કાર્યવાહી ફરી શરૂ થઇ હતી ત્યારે બંને પક્ષોને સરંજામને જાળવી રાખવા માટે દરડેએ અપીલ કરી હતી, પણ દરડેની અપીલને અવગણીને બંને પક્ષે એકબીજાને નિશાન બનાવવાનું ચાલુ જ રાખ્યું હતું અને ત્યાર બાદ દરડેએ ફરી એક વાર ગૃહને ૧૫ મિનિટ માટે મોકૂફ રાખ્યું હતું. આમ ત્રણ વાર ગૃહને સ્થગિત કરવું પડ્યું હતું. (પીટીઆઈ)
———
લવ જેહાદનો કાયદો પહેલાં અન્ય રાજ્યોના કાયદાનો અભ્યાસ કરાશે: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લવ જેહાદ સંબંધી કાયદો બનાવવા પહેલાં મહારાષ્ટ્ર સરકાર અન્ય રાજ્યોમાં આ બાબતે બનાવવામાં આવેલા કાયદાઓનો અભ્યાસ કરશે અને પછી યોગ્ય નિર્ણય લેશે. મહારાષ્ટ્ર વિધાનસભા સંકુલમાં બોલતાં તેમણે કહ્યું હતું કે શ્રદ્ધા વાલકરના કેસમાં જે જોવા મળ્યું તેને કારણે સભાગૃહની એવી લાગણી છે કે રાજ્યમાં આવા પ્રકાર મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
જમણેરી વિચારધારાના લોકો દ્વારા મુસ્લિમો દ્વારા હિંદુ યુવતી/મહિલાને લલચાવીને લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરાવવાના કૃત્યને લવ જેહાદ તરીકે સંબોધે છે.
અમે ગૃહને એવી ખાતરી આપી છે કે વિવિધ રાજ્યો દ્વારા લવ જેહાદ બાબતે કરવામાં આવેલા કાયદાનો અભ્યાસ કરીને અમારી સરકાર યોગ્ય નિર્ણય લેશે જેથી કોઈપણ મહિલા કે છોકરીઓને કાવતરાનો ભોગ બનવું
ન પડે એમ ફડણવીસે કહ્યું હતું.
વિધાનસભામાં તેમણે કહ્યું હતું કે લવ જેહાદ અંગે આકરો કાયદો બનાવવાની માગણી થઈ રહી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે આંતરધર્મી લગ્નો સામે સરકારનો વિરોધ નથી, પરંતુ જ્યારે તે ધર્મપરિવર્તનના હેતુ સાથે કાવતરાંના ભાગરૂપે કરવામાં આવે ત્યારે તેની સામે વાંધો છે અને રાજ્યમાં આવા બનાવ વધી રહ્યા છે.
——
તો કર્ણાટકને અપાતા પાણીપુરવઠા
અંગે પુન:વિચાર કરવો પડશે: દેસાઈ
નાગપુર: કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈ જો બેજવાબદાર નિવેદનો આપવાનું બંધ નહીં કરે તો મહારાષ્ટ્રએ તેના ડેમમાંથી પડોશી રાજ્યને પાણી પહોંચાડવા અંગે પુન:વિચાર કરવો પડશે, એવું ઉકળી રહેલા સરહદ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન શંભુરાજ દેસાઇએ બુધવારે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે ગયા મહિને કેબિનેટ સભ્યો ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈને કર્ણાટક સાથેના રાજ્યના સરહદ વિવાદ પરના કોર્ટ કેસ અંગે કાનૂની ટીમ સાથે સંકલન કરવા નોડલ મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.
અહીં પત્રકારોને સંબોધતાં દેસાઈએ કર્ણાટક સરકારના ‘મહારાષ્ટ્રને એક ઇંચ પણ જમીન આપવામાં આવશેનહીં,’ એવા ધોરણ પર બોમ્માઈની ટીકા કરી હતી. કર્ણાટક વિધાનસભાએ રાજ્યના વલણનું પુનરાવર્તન કર્યું છે કે સરહદનો મુદ્દો ઉકેલાય છે અને પડોશી રાજ્યને એક ઈંચ પણ જમીન આપવામાં આવશે નહીં. મંગળવારે કર્ણાટક વિધાનસભામાં સરહદ વિવાદ પરની ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન બોમ્માઈએ પોતે જ રાજ્ય વિધાનસભાનાં બંને ગૃહોમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવાનું સૂચન કર્યું હતું અને પોતાના ધોરણનો પુનરુચ્ચાર કર્યો હતો.
દેસાઈએ કહ્યું હતું કે તેઓ આવી ટિપ્પણીઓની નિંદા કરે છે, જે બોમ્માઈ માટે અનુકૂળ નથી, કારણ કે તેઓ બંધારણીય પદ ધરાવે છે. જો કર્ણાટક પોતાના વલણ અને ધોરણમાં ફેરફાર કરવાનું નહીં વિચારે અને આવાં જ બેજવાબદારીભર્યાં નિવેદનો કરશે તો મહારાષ્ટ્ર કર્ણાટકને અપાતા પાણીપુરવઠા અંગે પુન: વિચાર કરશે.
——-
મુખ્ય પ્રધાનને બચાવવા મારા પર આરોપ: આદિત્ય ઠાકરે
મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પ્રકરણમાં શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાળેએ આરોપ કર્યા પછી યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરેએ પ્રત્યુત્તર આપ્યો હતો. ‘એ કીચડમાં મારે પડવું નથી. જેમની નિષ્ઠા પોતાના ઘરમાં નથી તેમની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? બળવો કરનારાઓને તેમના જ મિત્ર પક્ષ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એનઆઈટી પ્લૉટ ફાળવણી મુદ્દે મુખ્ય પ્રધાન એકનાશ શિંદે પર આરોપો થયા છે. તેમને બચાવવા માટે અને મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ખસેડવા માટે આવા હલકી કક્ષાના મુદ્દા ઊભા કરવામાં આવી રહ્યા છે,’ એવો હલ્લાબોલ આદિત્ય ઠાકરેએ કર્યો હતો.
સુશાંતસિંહ રાજપૂત પ્રકરણ પરથી શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાળેએ યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ કર્યા હતા. રિયા ચક્રવર્તીના ફોન પર એયૂ નામે ૪૪ કૉલ આવ્યા હતા. એયૂ એટલે આદિત્ય ઉદ્ધવ ઠાકરે, એમ બિહાર પોલીસે જણાવ્યું હોવાનો ગંભીર આરોપ શેવાળેએ કર્યો હતો.
શેવાળેના આરોપને પગલે આદિત્યએ વળતો હુમલો કરી જોરદાર ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે મહાપુરુષોનું અપમાન, એનઆઈટી પ્લૉટ ફાળવણી અને સીમા વિવાદ સહિત અનેક પ્રશ્ર્નો પર સભાગૃહમાં સવાલ ઊભા કરવામાં આવ્યા, પરંતુ અમને બોલવાનો મોકો આપવામાં આવતો નથી. રાજ્યના પ્રશ્ર્નો બાબતે બોલવાનો પ્રયત્ન કરવામાં આવે તો માઈક બંધ કરી દેવામાં આવે છે. રાજ્યપાલ વારંવાર વિવાદાસ્પદ વક્તવ્ય કરતા હોવા છતાં તેમને પદમુક્ત કરવાને બદલે તેમની તરફેણ કરવાનો પ્રયાસ કરાય છે. પરિણામે આ સરકાર મહારાષ્ટ્રદ્રોહી હોવાનું જણાઈ રહ્યું છે, એમ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.
——-
ઉશ્કેરણીજનક ટ્વિટ્સ કરવા સબબ બોમ્માઈ પર શી કાર્યવાહી થઇ: અશોક ચવ્હાણ
નાગપુર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે બુધવારે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે જાણકારી માગી છે. સરહદ વિવાદ વચ્ચે પોસ્ટ કરાયેલી તેમની કથિત ઉશ્કેરણીજનક ટ્વિટ્સ માટે તેમણે મહારાષ્ટ્રને બદનામ કરવાનો દાવો કર્યો હતો.
વિધાનસભામાં મુદ્દો ઉઠાવતાં ચવ્હાણે આગ્રહ કર્યો હતો કે વિવાદાસ્પદ ટ્વિટ્સ વેરિફાઈડ એકાઉન્ટમાંથી છે અને એકનાથ શિંદે-ભાજપ સરકાર પર બોમ્માઈને બચાવવા માટેનો આરોપ મૂક્યો હતો. તેમણે એમ કહ્યું હતું કે ટ્વિટર એકાઉન્ટમાં બ્લુ ટિક હોય તો તે વેરિફાઈડ અને જેન્યુઈન હોય છે.
અમે જાણીએ છીએ કે કર્ણાટકના મુખ્ય પ્રધાન દ્વારા સરહદી વિવાદ પર કરવામાં આવેલાં નિવેદનો હજી પણ ટ્વિટર પર છે. ટિપ્પણીઓ ઉશ્કેરણીજનક છે અને તેઓ મહારાષ્ટ્રને બદનામ કરે છે. તેમના
એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી છે અને તેમની પાસે બચવાનું કારણ નથી, એવું ચવ્હાણે જણાવ્યું હતું. ચવ્હાણે એમ પણ કહ્યું હતું કે બોમ્માઈ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરે છે અને મહારાષ્ટ્ર સરકાર શાંત બેઠી છે અને કોઇ કાર્યવાહી નથી કરી રહી. (પીટીઆઈ)ઉ
——-
સ્કૂલોની આસપાસ અસામાજિત તત્વોના અડ્ડા બનતી પાનની દુકાનો – કાફેટેરિયા પર કાર્યવાહી: ફડણવીસ
મુંબઈ: રાજ્યમાં સ્કૂલોની આસપાસ પાનવાળા, કાફેટેરિયા અને અસામાજિક તત્ત્વોની હાજરી વધી રહી હોવાના બનાવોને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકાર આ સ્થિતિમાં સુધારો કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
ભાજપના વિધાન પરિષદના સભ્ય દ્વારા મુંબઈ મનપા દ્વારા સંચાલિત શાળામાં વિદ્યાર્થીનીના કરવામાં આવેલા કથિત વિનયભંગ બાબતે ઉપસ્થિત કરવામાં આવેલી ધ્યાનાકર્ષક સૂચનાનો જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે ગૃહ ખાતા અને શિક્ષણ ખાતાના સચિવો ભેગા મળીને એક પ્લાન ઘડી કાઢશે અને રાજ્યમાં સ્કૂલોની આસપાસ તૈયાર થઈ રહેલી પાનવાળા અને કાફેટેરિયા તેમ જ આની આસપાસ રહેતા અસમાજિક તત્ત્વોની હાજરીની તપાસ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્કૂલોમાં મોબાઈલનો ઉપયોગ વર્જિત છે અને સંબંધિતોને આ બાબતે પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈના માટુંગા વિસ્તારમાં ૮મા ધોરણની વિદ્યાર્થીનીનો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વિનયભંગ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે કલ્યાણમાં નવ વર્ષની બાળકીનો બળાત્કાર કરીને તેને રેલવે ટ્રેક નજીક ફેંકી દેવામાં આવી હતી.
ભાજપના પ્રવીણ દરેકરે જણાવ્યું હતું કે સ્કૂલની બહાર પાનવાળાની દુકાને અસામાજિક તત્વો અડ્ડો બનાવે છે અને સ્કૂલની છોકરીઓને ચોકલેટ આપીને ભોળવતા હોય છે. આથી કાર્યવાહી થવી જોઈએ. ઉ
——–
જૂની પેન્શન સ્કીમથી તિજોરી પર રૂ. ૧.૧૦ લાખ કરોડનો બોજ વધશે: ફડણવીસ
નાગપુર: સરકારી તિજોરી પર જૂની પેન્શન સ્કીમને કારણે રૂ. ૧.૧૦ લાખ કરોડનો બોજ વધશે અને રાજ્ય નાદારી તરફ વધશે, એટલે સરકાર જૂની સ્કીમ તરફ પાછી નહીં ફરે, એવું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જૂની પેન્શન સ્કીમ ૨૦૦૫માં બંધ કરી દેવામાં આવી હતી.
જોકે રાજ્યના હિતમાં જૂની પેન્શન યોજના બંધ કરવાના નિર્ણય લેવા બદલ તત્કાલીન કોંગ્રેસ-એનસીપીની સરકારની પ્રશંસા પણ કરી હતી. જૂની પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને નિર્ધારિત પેન્શન મળે છે. આ યોજના હેઠળ, કર્મચારી પેન્શન તરીકે ખેંચવામાં આવેલા છેલ્લા પગારના ૫૦ ટકા રકમ માટે હકદાર છે. જોકે પેન્શનની રકમ નેશનલ પેન્શન સ્કીમ હેઠળ ફાળો આપે છે, જે ૨૦૦૪થી અમલમાં છે.
સરકાર જૂની પેન્શન સ્કીમ મુજબ પેન્શન નહીં આપે. જો જૂની પેન્શન સ્કીમ અમલી બનાવવામાં આવે તો સરકારી તિજોરી પર રૂ. ૧.૧૦ લાખ કરોડનો બોજ વધશે અને તેનાથી રાજ્ય નાદારી તરફ ધકેલાશે. આથી જૂની પેન્શન સ્કીમ અમલમાં મૂકવામાં નહીં આવે, એવું દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)ઉ
——–
તમામ બંધોની ઊંચાઈ વધારી દેવામાં આવશે: પાટીલ
નાગપુર: મહારાષ્ટ્રએ પડોશી રાજ્ય પર લગામ તાણવા માટે ઉપરના બંધોની ઊંચાઈને વધારવી જોઇએ, એવું એનસીપીના નેતા જયંત પાટીલે જણાવ્યું હતું. મંગળવારે બંને રાજ્યોની વિધાનસભાઓમાં દાયકાઓ જૂના સીમાવિવાદનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
કર્ણાટક તેના સરહદી વિસ્તારોમાં જાણીજોઇને મરાઠીભાષી લોકોને હેરાન કરી રહ્યું હોવાનું જયંત પાટીલે અત્રે જણાવ્યું હતું. કર્ણાટકના મુખ્ય પ્રધાન જે ભાષામાં બોલે છે તેનો વળતો જવાબ આપણે તેમની જ ભાષામાં આપવો જોઇએ. જો તેમનું વલણ આવું જ રહેશે તો અમે કોયના અને વારણા નદીઓ પરના બંધોની અને સાતારા અને કોલ્હાપુર જિલ્લાના તમામ બંધોની ઊંચાઈ વધારી દઇશું, એવું ભૂતપૂર્વ જળસંસાધન પ્રધાને જણાવ્યું હતું. (પીટીઆઈ)ઉ
——-
મુંબઈને સોનાનાં ઈંડાં આપતી મરઘી:
ભુજબળના નિવેદન સામે મનીષા ચૌધરીનો વિરોધ
નાગપુર: ભાજપનાં વિધાનસભ્ય મનીષા ચૌધરીએ બુધવારે એનસીપીના નેતા છગન ભુજબળે મુંબઈને સોનાના ઈંડાં આપતી મરઘી કહેવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે મરાઠી સંસ્કરણનો ઉપયોગ કર્યો હતો.
મુંબઈનાં દહીંસર મતવિસ્તારનાં વિધાનસભ્ય ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભામાં પૂરક માગણીઓ પર ચર્ચા દરમિયાન ભુજબળે મહારાષ્ટ્રની રાજધાનને મરઘી સમાન ગણાવી હતી. આ અંગે ચૌધરીએ વાંધો ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભુજબળે તેમને બેસવા માટે જણાવ્યું હતું. ચૌધરીએ એવો આરોપ મૂક્યો હતો કે આ તમામ મહિલા વિધાનસભ્યનું અપમાન છે.ઉ
——-
સામાજિક ન્યાય વિભાગે નજીવી કિંમતનાં પુસ્તકો માટે રૂ. ૩૬ કરોડ ખર્ચ્યા: કપિલ પાટીલ
નાગપુર: મહારાષ્ટ્રના સામાજિક ન્યાય વિભાગે દલિત રહેણાક વિસ્તારોમાં પુસ્તકાલયો સ્થાપવા માટે રૂ. ૩૬ કરોડની મોંઘી કિંમતે પુસ્તકો ખરીદ્યાં હતાં, એવો દાવો વિધાનપરિષદના સભ્ય કપિલ પાટીલે કર્યો હતો. આ બાબતે રાજ્યના પ્રધાન ચંદ્રકાંત પાટીલે તપાસની ખાતરી આપી હતી. વિધાનપરિષદમાં કપિલ પાટીલ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે રાજ્યના સામાજિક ન્યાય વિભાગે દલિત રહેણાક વિસ્તારોમાં પુસ્તકાલયો ખોલવા માટે થોડા મહિના પહેલાં રૂ. ૩૬ કરોડનાં પુસ્તકો ખરીદ્યાં હતાં, જ્યારે પુસ્તકોની મૂળ કિંમત બે કરોડ રૂપિયા પણ નહોતી.
સામાજિક ન્યાય વિભાગે પુસ્તકો મોંઘી કિંમતે ખરીદ્યાં હતાં કે કેમ એવા કપિલ પાટીલ દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ રાજ્ય સરકાર કરશે. આ અંગે અમે ગૃહ સમક્ષ વિગતો રજૂ કરીશું, એવું ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું.
——
નરેન્દ્ર મોદી દેશના નવા પિતા: અમૃતા ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવા ભારતના પિતા ગણાવ્યા છે અને ઉમેર્યું હતું કે દેશમાં બે ‘રાષ્ટ્રપિતા’ છે. અમારી પાસે બે ‘રાષ્ટ્રપિતા’ છે. નરેન્દ્ર મોદી ભારતના નવા પિતા છે અને મહાત્મા ગાંધી અગાઉના સમયના રાષ્ટ્રપિતા છે, એવું અમૃતા ફડણવીસે એક મુલાકાતમાં જણાવ્યું હતું. કોંગ્રેસનાં નેતા અને મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ પ્રધાન યશોમતી ઠાકુરે આ ટિપ્પણી પર ભાજપના વરિષ્ઠ નેતાની ટીકા કરી હતી.
ભાજપ અને આરએસએસની વિચારધારાને અનુસરનારા લોકો વારંવાર ગાંધીજીને મારવાનો પ્રયાસ કરે છે. તેઓ આવાં કાર્યો કરતા રહે છે, કારણ કે તેઓ જુઠ્ઠાણાનું પુનરાવર્તન કરીને ગાંધીજી જેવા મહાન લોકોને બદનામ કરીને ઈતિહાસ બદલવાની ફિરાકમાં છે, એવું ઠાકુરે ઉમેર્યું હતું. જે વ્યક્તિએ અમૃતા ફડણવીસનો ઈન્ટરવ્યુ લીધો હતો, તેમણે ફડણવીસને પૂછ્યું હતું કે જો નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા છે તો મહાત્મા ગાંધી કોણ છે? અમૃતાએ જવાબ આપ્યો હતો કે મહાત્મા ગાંધી દેશના રાષ્ટ્રપિતા છે અને નરેન્દ્ર મોદી ભારતના નવા રાષ્ટ્રપિતા છે. નરેન્દ્ર મોદી આ યુગના અને મહાત્મા ગાંધી અગાઉના યુગના રાષ્ટ્રપિતા છે, એવું તેણે કહ્યું હતું.
અમૃતા ફડણવીસની ટિપ્પણી મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશેની તેમની ટિપ્પણીને લઇને વિપક્ષની આલોચનાનો સામનો કર્યાના દિવસો પછી આવી છે.
મરાઠા યોદ્ધા પરની તેમની ટિપ્પણી માટે વિપક્ષ દ્વારા તેમની નિંદા કર્યા પછી કોશ્યારીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને તેમનું વલણ સમજાવ્યું હતું અને એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આવી વિભૂતિઓનું અપમાન કરવાનું ક્યારે વિચારી પણ ન શકે. (પીટીઆઈ)