યોગેશ સી. પટેલ
મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસના મોરલ પોલિસિંગની આકરી કિંમત મુંબઈ પોલીસ દળના બે કોન્સ્ટેબલે ચૂકવવી પડી છે. લગ્નબાહ્ય સંબંધો રાખવાના કારણસર વરલીના લોકલ આર્મ્સ વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અને મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં કાર્યરત કોન્સ્ટેબલની પોલીસ દળમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. બન્નેના સંબંધોની અસર તેમના પારિવારિક જીવન પર થવા સાથે તેમનું વર્તન પોલીસ દળ માટે ગેરશિસ્તનું હોવાની નોંધ ખાતાકીય તપાસમાં કરાઈ હતી.
આ સમગ્ર પ્રકરણની માહિતી મેળવતાં જાણવા મળ્યું હતું કે લોકલ આર્મ્સ વિભાગની મહિલા અને નવઘર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વચ્ચે લગ્નબાહ્ય સંબંધ હતા. આ બાબતની જાણ બન્નેના પરિવારને થઈ હતી. મહિલાના પતિએ સમજાવટથી કામ લઈ આ સંબંધોનો અંત લાવવા કહ્યું હતું. આ વાતને કાને ધરવાને બદલે ઊલટું મહિલાએ ‘પ્રેમી’ની મદદથી પતિને જ ધમકાવ્યો હતો. આ બાબતે પતિએ મહિલાના વરિષ્ઠ અધિકારીને ફરિયાદ કરી લગ્નબાહ્ય સંબંધની પણ માહિતી આપી હતી.
બીજી તરફ, નવઘર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની પત્નીને પણ પતિના કારસ્તાનની જાણ થઈ હતી. આ બાબતે પૂછપરછ કરતાં કોન્સ્ટેબલે પત્નીને કથિત ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મામલે પત્નીએ કોન્સ્ટેબલ સામે પોલીસ દળમાં ફરિયાદ કરી લગ્નબાહ્ય સંબંધોની વિગતો આપી હતી.
પોલીસ દળના વરિષ્ઠ અધિકારીએ બન્ને કોન્સ્ટેબલ વિરુદ્ધની ફરિયાદને ગંભીરતાથી લઈ ખાતાકીય તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લેવામાં આવેલા જવાબ અને અન્ય પુરાવા પરથી પરિણીત હોવા છતાં બન્ને વચ્ચે લગ્નબાહ્ય સંબંધ હોવાની ખાતરી થઈ હતી. પોલીસ દળમાં કાર્યરત હોવા છતાં બન્નેનું વર્તન યોગ્ય ન હોવાની નોંધ કરવામાં આવી હતી. એ સિવાય તેમનું વર્તન પોલીસ દળ માટે ગેરશિસ્તનું હોવાનું ગણવામાં આવ્યું હતું.