દિલ ચાહતા હૈ – પાર્થ દવે
‘ધ ફૅમિલી મેન’ ફેમ રાજ ઍન્ડ ડિકે, ‘સિટાડેલ’ના ભારતીય ઇન્સ્ટોલમેન્ટનું ડિરેક્શન કરશે. રિચર્ડ મૈડન, પ્રિયંકા ચોપરા જોનસ, સ્ટેનલી ટુકી મુખ્ય પાત્રોમાં.
રુસો બ્રધર્સની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે સિરીઝ ‘સિટાડેલ’ ઓટીટી પ્લૅટફોર્મ ઍમેઝોન પ્રાઈમની સૌથી મોંઘી સિરીઝ છે. તેનું બજેટ આશરે ૨૩૫ મિલ્યન ડૉલર છે. સિરીઝના બે એપિસોડ ‘ધ લોર્ડ ઑફ ધ રિંગ્સ’ અને ‘ધ રિંગ્સ ઑફ પાવર’ ૨ ડિસેમ્બરે રિલીઝ થઈ ચૂક્યા છે.
રસપ્રદ વાત એ છે કે, આ ઈન્ટરનેશનલ સિરીઝની વાર્તાનો જે ભાગ ભારતમાં આકાર લેશે, તેનાં પાત્રો પણ ભારતીય હશે. ભારતીય કલાકારો હશે. અને તાજી જાહેરાત મુજબ તેમાં વરુણ ધવન જોવા મળશે. વેબ-સિરીઝના આ જમાનામાં ઇન્ટર-કનેક્ટેડ સ્ટોરીટેલિંગ જોવા મળશે. આ જાસૂસી સિરીઝના શૉ-રનર અને ડિરેક્ટર રાજ અને ડિકે છે, જેમણે અગાઉ મનોજ બાજપેઈ અભિનીત ‘ધ ફૅમિલી મેન’ સર્જી હતી. આવતા વર્ષે જાન્યુઆરીમાં આ સિરીઝનું કામકાજ આગળ વધશે. તેમાં રિચર્ડ મૈડેન (બોડીગાર્ડ), પ્રિયંકા ચોપરા જોનસ અને સ્ટેનલી ટુકી (ધ હન્ગર ગેમ્સ ફિલ્મ્સ) જોવા મળશે.
—
રણદીપ રાય માટે આ પાત્ર રહ્યું ચેલેન્જિંગ
છેલ્લે ‘બાલિકા વધૂ ૨’માં દેખાયેલો અભિનેતા રણદીપ રાય હવે ધારાવાહિક ‘મીત’માં જોવા મળવાનો છે. હાલ ચાલી રહેલા આ શૉમાં મીત હુડ્ડાની વાર્તા દર્શાવાઈ રહી છે. તેનું પાત્ર અભિનેત્રી આશી સિંહ ભજવી રહી છે. હવે તેમાં વકીલ તરીકે રણદીપ રાયની એન્ટ્રી થઈ છે. તેનું પાત્ર મીતની વિરુદ્ધ ઊભું રહેશે. એટલે કે નેગેટિવ હશે. રણદીપ રાયે જણાવ્યું હતું કે, ‘મારા પાત્રનું નામ અનુરાગ છે. તે અહલાવત ફૅમિલીની જિંદગીમાં ઘણા ટવિસ્ટ અને ટર્ન્સ લાવવાનું છે.’ રણદીપ રાય અને આશી સિંહે અગાઉ પણ સાથે કામ કર્યું છે. રણદીપ રાયે જણાવ્યું હતું કે, તે અને આશી ત્રણ વર્ષ કરતાં વધારે સમય બાદ પડદા પર સાથે દેખાવાના છે. તેણે કહ્યું હતું, ‘હું મારા કરિયરમાં પહેલી વખત નેગેટિવ રોલ ભજવવાનો છું અને તે પણ એક વકીલનો. માટે આ રોલ મારા માટે બહુ જ ચેલેન્જિગ રહ્યો છે, પરંતુ હું હંમેશ એવું કંઈક કરવા માંગુ છું જે મારા કમ્ફર્ટ ઝોનની બહાર હોય.’
‘બાલિકા વધૂ ૨’ શૉ પૂર્ણ થયા બાદ રણદીપ રાયે અમુક મ્યુઝિક વીડિયોઝ કર્યા હતા. ડાન્સ ક્લાસિસ જોઇન કર્યા હતા. માર્સ્ટલ આર્ટ્સ પણ શીખ્યું હતું! તેણે કહ્યું હતું કે, ‘એક કલાકાર તરીકે પોતાની જાત ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. શીખતા રહેવું જરૂરી છે. કારણ કે હું જાણું છું કે એક વખત બિઝી થઈ ગયા બાદ ફરી સમય કાઢવો મુશ્કેલ છે.’
—
અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ રશિયામાં ફ્લોપ ગઈ!
‘મેં ઝુકેગા નહીં સાલા’ કહેતો પુષ્પા રશિયામાં ઝૂકી ગયો છે! થયું છે એવું કે, અલ્લુ અર્જુન અભિનિત અને સુકુમાર દિગ્દર્શિત ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ ૮ ડિસેમ્બરે રશિયામાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મના ડિરેક્ટર સુકુમાર, અભિનેતા અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાના પ્રમોશન માટે પોતાના શૂટિંગ શિડ્યુલમાંથી ખાસ સમય કાઢીને રશિયા પહોંચ્યાં હતાં. સૌ જાણે છે એમ ‘પુષ્પા’ ફિલ્મ સુપરડુપર હિટ રહી છે. તેના ગીત ને ડાયલોગ્સ ને અમુક દ્રશ્યો ખાસ પોપ્યુલર થયા છે, પરંતુ એક વેબસાઇટ અનુસાર રશિયામાં ફિલ્મને રિલીઝના શરૂઆતના દિવસોમાં જ જૂજ દર્શકો મળ્યા. જેના કારણે આ ફિલ્મ મોટાભાગનાં સિનેમાઘરોમાંથી ઉતારી લેવામાં આવી. ફિલ્મના પ્રમોશન માટે જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો તેટલાં નાણાં પણ પાછાં ન મળ્યાં. જોકે પુષ્પાએ દુનિયાભરમાં ૩૬૦ કરોડ કરતાં વધારે કમાણી કરી છે, એટલે તેના નિર્માતાઓને નાણાની કોઈ કમી નથી! અત્યારે ‘પુષ્પા: ધ રાઈસ’ના બીજા ભાગની હાઇપ ટોપ લેવલે છે. તેના શૂટિંગની પણ શરૂઆત થઈ ચૂકી છે. શરૂઆતમાં સમાચાર હતા કે અવતાર: ધ વે ઑફ વોટર’ સાથે ‘પુષ્પા: ધ રુલ’નું ટિઝર બતાવવામાં આવશે, પરંતુ ધારણા મુજબ તેમ ન થયું. લોકોની અપેક્ષા વધારે છે માટે મેકર્સ ઉપર પણ આ ફિલ્મને લઈને ઘણું દબાણ હશે. જોઈએ, ફહદ ફાઝિલ, રશ્મિકા અને અલ્લુ અર્જુનને ચમકાવતી આ ફિલ્મનો બીજો ભાગ હવે કેવોક બને છે.. ઉ