નવી દિલ્હી: બેન્કો અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓની ડિજિટલ લેન્ડિંગ એપ્લિકેશન અને રિકવરી એજન્ટો સામે એપ્રિલ, 2021થી નવેમ્બર, 2022ના નવ મહિનામાં 12,903 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે, એમ આરબીઆઈના અહેવાલમાં જણાવ્યું હતું. બેન્કિંગ રેગ્યુલેટર્સની 2021ની ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ અંતર્ગત છેલ્લા 19 મહીનાના સમયગાળામાં (એપ્રિલ-2021થી નવેમ્બર, 2022) આ ફરિયાદો દાખલ થઈ હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. આરબીઆઈ અનુસાર ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ અંતર્ગત 1 એપ્રિલ, 2021થી 30 નવેમ્બર, 2022ના સમયગાળામાં બેન્ક તેમજ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓની લેન્ડિંગ એપ્સ તેમજ તેમના રિકવરી એજન્ટો દ્વારા થતી હેરાનગતિને લગતી કુલ 12,903 ફરિયાદ મળી છે, એમ રાજ્ય કક્ષાના નાણા પ્રધાન ભાગવત કરાડે જણાવ્યું હતું.
અત્યારના સમયમાં ઓનલાઈન લેન્ડિંગ પ્લેટફોર્મ ઊભર્યા હોવાથી તેમાં ફાઈનાન્શિયલ ક્ષેત્રે લોકોને હેરાનગતિ થતી હોવાની મોટા પ્રમાણમાં ફરિયાદ કરવામાં આવી છે જેમાં ગેરરીતિ કરવાની સાથે ખંડણી માગવી, બ્લેકમેલ કરવા તેમજ દેવાદારો પાસેથી મનફાવે તે દરે વ્યાજની વસૂલાત અંગેની ફરિયાદો સામેલ છે. આ એપ્લિકેશનની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે વધુ પડતા દસ્તાવેજો રજૂ કર્યા વિના ઝડપથી લોન આપવાની વાત કરીને લોન ઝંખતા યુવા ગ્રાહકોને લલચાવામાં આવે છે. લોન લેનારે તેમાં માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરીને એપ્લિકેશન કરવાની હોય છે. આ એપ્સ વધુ પડતી વ્યક્તિગત માહિતીનો આગ્રહ રાખતી નથી અને ન તો તે કોઈ ક્રેડિટ હિસ્ટ્રી તપાસે છે. લોન લેનાર માત્ર વયસ્ક હોવો જોઈએ અને તેણે માત્ર ત્રણ મહીનાનું બેન્ક સ્ટેટમેન્ટ, આધાર તેમજ પેન કાર્ડની નકલ જ સબમિટ કરવાની હોય છે.