Homeલાડકીસ્નેહા કે વિહા જેવી મુશ્કેલીઓ દરેક ટીનએજરના ઘરમાં ઉદ્ભવતી હોય છે

સ્નેહા કે વિહા જેવી મુશ્કેલીઓ દરેક ટીનએજરના ઘરમાં ઉદ્ભવતી હોય છે

મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી  -શ્ર્વેતા જોષી-અંતાણી

ઠક..ઠક..ઠક..ઠક..એકધારા કર્કશ અવાજે સ્નેહાનું માથું ભમાવી દીધું. પહેલા તો એને થયું કે અવાજ બહારથી આવે છે પણ અવાજની તીવ્રતા જોતા ઘરમાં જ કંઈક થઈ રહ્યાની આશંકા તેને વધુ લાગી. થોડો ડર, થોડીક ખીજ, થોડો ગુસ્સો અને થોડા અણગમા સાથે એ શિયાળાની નમતી બપોરને માણવાનું બંધ કરી પરાણે ઊભી થઈ, હળવા પગલે બહાર આવી આમતેમ નજર કરે છે ત્યાં તો વિહાબેન પોતાના દરવાજા પર લાકડાની પટ્ટી લગાવવા ખીલી ઠોકવાનો વ્યર્થ પ્રયત્ન કરતા નજરે ચડ્યાં. શું કરે છે!?? સ્નેહાના જોરથી પુછાયેલા પ્રશ્ર્નએ વિહાને થોડી ચોંકાવી ખરા પણ એકાદ ક્ષણ પાછળ ફરી સહેજ અમસ્તી તિરછી નજર કરી વિહા પાછી ઠક..ઠક..ઠક.એજ કામમાં લાગી ગઈ. માં ને જવાબ આપવાની દરકાર કર્યા વગર વ્યસ્ત વિહાની નજીક જઈ સ્નેહા જુએ છે તો એ લાકડાની પટ્ટી પર મોટા કાળા અક્ષરે પેઈન્ટ કરેલું હતું, “Don’t step inside without permission… મારા રૂમમાં મારી મંજૂરી વગર કોઈએ પ્રવેશ કરવો નહીં. આ મતલબનું એ વાક્ય જોઈ સ્નેહાને પોતાની આંખ પર વિશ્ર્વાસ જ ના આવ્યો, થોડી વાર કંઈ સમજ જ ના પડી કે આ તે શું વાંચી રહી છે. એક ક્ષણ તો તેણીને વિહાના ગાલ પર તમાચો જડી દેવાનું મન થઈ આવ્યું પણ વળી હમણાં જ કોઈક પેરેન્ટિંગના ઓનલાઈન વીડિયો જોતાં તેને સમજમાં આવેલું કે ટીનએઈજ દીકરીને વ્યક્ત થવાનો મોકો આપવો જોઈએ. તેઓના વિચારોને વિસ્તરવાનો અવકાશ આપવો જરૂરી છે એટલે ગુસ્સો કાબૂમાં રાખી તેણીએ નજીક આવી વિહાની પીઠ પસવારી પૂછ્યું, કેમ આવું લગાવવાનું સૂઝ્યું?
“બસ, એમ જ.- વિહાએ વાત ટૂંકમાં પતાવી.
” એમ જ તો આવું ના ચાલે. તું ઘરમાં રહે છે, હોટલમાં નહી… સ્નેહાનો પણ અવાજ હવે થોડો ઊંચો થયો.
“હા, પણ ઘરમાં રહું છું તો ઘર જેવું લાગવા તો દેવું પડેને! વળી પાછી એક વધુ દલીલ સ્નેહાની સામે ફેંકવામાં આવી.
” અમે એવું તો શું કરીએ છીએ કે તને ઘર જેવું નથી લાગતુ?? હવે સ્નેહાનો અવાજ રીતસર મોટો થઈ ચુક્યો હતો.
સ્નેહાના એકના એક મતલબના સવાલથી અકળાયેલી વિહાએ લાકડાના બોર્ડને રીતસર પછાડી પોતાના રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો. થોડો સમય એ બંધ થયેલા દરવાજાને એકીટશે તાકી રહેલી સ્નેહા પાસે અંતે કોઈ ઉપાય ના બચતા તેણીએ પોતે વિહાની માં હોવાનો વીટો પાવર વાપર્યો, લગભગ ઘાંટો પાડીને કહ્યું કે, “જો દરવાજો નહીં ખુલે તો આજથી ડાન્સ ક્લાસ બંધ. પણ એમ નમતું મૂકે એ વિહા શાની!? આમ, પણ તરુણાવસ્થાએ ઊગી રહેલા સ્વાભિમાન, અહ્મ જેવાં તત્ત્વો તેઓને જક્કી બનાવી દેતા હોય છે. આથીજ, ટીનએઈજ કે યુવાનીની શરૂઆતથી હવે કોઈ વાતમાં ઝૂકી જવું એ તેઓને નાનપભર્યુ લાગવા લાગતું હોય છે એટલે જ, નાનપણમાં માતા પિતા ગુસ્સે થાય તો બાળકો તેમને જ પાછા વળગતા જાય એવું તેઓ ટીનએઈજમાં ધારે તો પણ કરી શકતા હોતા નથી.
ખેર, અહીં વિહાના સ્વાભિમાન સાથે સ્વાર્થે પણ દેખા દીધી. મમ્મી ખરેખર નહીં જવા દે તો!? એટલે હળવેથી તે બહાર આવવાની કોશિશ કરવા લાગી.
ચરરરરઘરમાં પથરાયેલી નીરવ શાંતીમાં દરવાજા ખૂલવાના અવાજે સોફા પર માથું પકડી ફસડાયેલી સ્નેહાને બેઠી કરી. વિહા જ હતી. સ્નેહાએ તેને પાસે બોલાવી ફરી એજ સવાલ દોહરાવ્યો. ” કેમ, બેટા આવું લગાવવું પડે છે તારે? આ વખતે થોડી નરમાશથી પુછાયેલા પ્રશ્ર્ને વિહાને આ વખતે બોલતી કરી. વિહાએ જે વાત કરી એનો ટૂંકમાં મતલબ કંઈક એવો હતો કે, દિવાળીના વેકેશનમાં નાના-નાની, મામાની દીકરીઓ, ફોઈનો તોફાની દીકરો, બીજા નાનામોટા મહેમાનો જે રીતે તેઓના ઘરમાં તો ઠીક, પરંતુ વિહાના રૂમમાં અડ્ડો જમાવી દીધેલો એ વિહાને આ વર્ષે ખૂંચ્યું. નાનીએ આવીને તેણીના રૂમમાં અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ બાબતે ટોકી એ વિહાને ગમ્યું નહીં તો ના પાડવા છતાં પણ વિહાના ડેસ્ક પર રમવા ચડી જતાં નાના છોકરાઓએ વિહાને બરાબર અકળાવી. આ તકલીફનો અંત લાવવા ઘણો વિચાર કર્યા બાદ વિહાના ખીજવાયેલા દિમાગે આ આઈડિયાને અપનાવ્યો.
” મમ્મા મારી પણ કંઈક પ્રાઈવસી હોય કે નહીં!???
અત્યાર સુધી શાંત ચિતે વિહાને સાંભળી રહેલી સ્નેહાને “પ્રાયવસી શબ્દએ ઝાટકો આપ્યો.
પ્રાયવસી??? સ્નેહાએ આંખ પહોળી કરીને ફરી પૂછ્યું.
“હા, ળુ તાફભય, મારી અંગત જિંદગી હોય કે નહી!?” વિહાએ તો જાણે એનો કોઈ મોટો હક્ક છીનવાય જતો હોય એમ જવાબ આપ્યો.
‘વિહા, પ્રાયવસીનો તો અમે પણ આ ઉંમરે હજુ વિચાર કરતા નથી. તું તો બહુ નાની છો ને વળી ઘરમાં ને ઘરમાં શું પ્રાયવસી?? સ્નેહાને હજુય વિશ્ર્વાસ નહોતો આવતો.
વિહાને તો તેણીએ જા હવે કાલે વેકેશન ખૂલે છે પહેલા એની તૈયારી કર, હું પપ્પા સાથે વાત કરી આ લગાવી આપીશ કહીને વહેતી કરી પણ તરુણાવસ્થામાં પ્રાયવસીની એવી શું જરૂર ઊભી થઈ હશે એ વિચારે તેણીના મગજમાં અનેક સવાલો ઊભા કરી દીધા. શું વિહા પોતાનાથી કંઈક છુપાવતી હશે? શું તે કોઈની સાથે રિલેશનશિપ શરૂ કરી બેસી છે? શું તેને ભણવામાં ધ્યાન નહીં હોય? ઘડીકમાં તો સ્નેહાનું મન વિહા પ્રત્યે અવિશ્ર્વાસથી છલકાય ઉઠ્યું. તેણીએ નક્કી કરી લીધું કે હવે એ બાબતે વધુ ધ્યાન રાખવું પડશે કે વિહા શું કરે છે? એના ફ્રેન્ડ્સ કોણ છે, ફોનમાં શું જુએ છે, કોની સાથે ચેટ કરે છે એ બધું હવે મારે ધ્યાને લેવું પડશે એવો નિષ્કર્ષ સ્નેહાએ કાઢ્યો. જે સદંતર ખોટો છે.
ટીનેજર તરીકે પ્રાઈવસીની શા માટે જરૂરિયાત ઊભી થાય છે? શા માટે તેઓને એકલા રહેવું ગમે છે? શા માટે તેઓને પોતાની અંગત બાબતોમાં કોઈની દખલ ગમતી નથી? આ બધું એ જાણવાનો વિષય છે. આ અંગે યોગ્ય માહિતીના અભાવે ટીનએઈજમાં ભોગવવા પડતા નુકસાનની ભરપાઈ જીવનભર થઈ શકતી નથી.
સ્નેહા કે વિહા જેવી મુશ્કેલીઓનો સામનો દરેક ટીનએજરના ઘરમાં ઉદ્ભવે છે. આમાં વિહાની માંગણીને ખોટી માનવી કે સ્નેહાની વિચારસરણીને???
(ક્રમશ:)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -