Homeમેટિનીવિવિધ વનસ્પતિનાં ઝાડ, પાન, વેલા, ફળ-ફૂલ બધું જુદી જાતનું ‘જુદી ભાતનું’ જુદા...

વિવિધ વનસ્પતિનાં ઝાડ, પાન, વેલા, ફળ-ફૂલ બધું જુદી જાતનું ‘જુદી ભાતનું’ જુદા કલરનું, કદાચ આમાં જ ક્યાંક સંજીવની હશે!

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

પહેલા કોઈ રોડનું કામ કરનારાઓ માટે પાર્ટીશનના રૂમો બનાવેલા છે તે આજે જેમના તેમ છે. તેમાં જ રહ્યા. આગળ જવાના રોડ પર નજર કરી તો આંખો બહાર આવી ગઈ. હજુ ૮ કિ.મી. સુધી તો સામેના ડુંગર ઉપર રોડ દેખાતો હતો. ખરેખર ગંગા બહુ જબરી નીકળી. પહેલા તો ધીરે ધીરે પંપાળી પંપાળીને ચલાવ્યા અને જ્યારે લાગ્યું હવે ‘બાપુ’ ક્યાંય જઈ શકે એમ નથી, ત્યારે ચારે બાજુ મોટા મોટા ડુંગરોમાં અમને ભીંસીને બેસી ગઈ. અમે ક્યાં જઈએ? ફરજીયાત આગળ વધવું જ રહ્યુ, પણ ગંગનાની પછી હિમાલયની વનસ્પતિનો ભંડાર ખૂલી જાય છે. અરે એક તો પૂંછડીવાળું ફૂલ જોયું. આશ્ર્ચર્ય થાય. આ તો એક, બાકી બધી વન્સપતિઓની સમજ આપવા બેસીએ તો વર્ષોના વર્ષો લાગે. એ માટે તો અહીં આવવું જ રહ્યું. વિવિધ વનસ્પતિના ઝાડ, પાન, વેલા, ફળ-ફૂલ બધુ જુદી જાતનું ‘જુદી ભાતનું’ જુદા કલરનું. મેદાની ક્ષેત્રમાં ક્યાંય આવા વૃક્ષ-વેલા જોવા ન મળે. કદાચ આમાંજ ક્યાંક સંજીવની હશે. દૈનિક કાર્યક્રમને ન્યાય આપી અમે સાંજે આગળ વધ્યા. ૮ કિ.મી. ડુંગર ઉપર ‘સુખીટોપ’ પહોંચવાનું છે. જે હોય તે ચાલવું તો પડશે. આદિશ્ર્વર દાદાની ‘જય’ બોલાવી અમે નિકળ્યા. હજુ તો મુખ્ય દ્વારમાંથી બહાર નિકળીએ ત્યાજ કેટલાક બાવાઓ ઉપરથી કાચા રસ્તે આવતા દેખાયા. આનો સીધો મતલબ એ હતો કે ઉપર ચઢવા માટે કાચો રસ્તો છે. કાચો રસ્તો હશે તો તે ટૂંકો જ હશે. પૂછપરછ કરતા અમારું અનુમાન સાચું નિકળ્યું. માત્ર ૩ કિ.મી.માં તો છેક સુખીગામ પહોંચી ગયા. એ જ અમારી સદાની સાથી ‘છફૂટી’ અમને સુખીગામમાં સુખપૂર્વક પહોંચાડી દીધા. ઘડિયાળમાં હજી તો પાંચ વાગ્યા હતા. ડુંગરની પહેલી પાર જોયું તો રોડ તો પાછો છેક ગંગાકાંઠે નીચે ઉતરીને ગંગાને પાર કરીને સામેના પહાડમાં આગળ વધી રહ્યો છે. આ રોડ અને ગંગાની સાથે સંતાકૂકડી રમતા અમને મજા પડી. ‘રોડ! તારે જ્યાં જવું હોય ત્યાં જા. જેટલું લાંબુ થવું હોય એટલું થા. અમે ભલા ને અમારી ‘છફૂટી’ ભલી.’ હમણા અમે સુખી ગામના ઊંચા શિખરની ટોચ પર ઊભા છીએ, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી દૂર-દૂર મહાકાય પર્વત શ્રેણી પથરાયેલી છે. શિખરની ઊંડી તળેટીના સમતળ મેદાનમાં ગંગાની ધવલ ધારા વિસ્તારને ફેલાવી વચ્ચે જાય છે. ચારે બાજુ દેવદારના જંગલથી આચ્છાદિત શિખરોનો શણગાર આંખોને આરામ આપે છે. પગના થાકને નિચોવી નાખે છે. ક્ષિતિજ તરફ નજર ગઈ તો અધધધ. નભોમંડળની પરિધી ને જાણે ચાંદીના તોરણ બાંધ્યા હોય, તેમ ઝબકારા મારે છે. ૩૬૦૦ ડિગ્રીમાં આકાશી ગુંબજ દેખાય છે. આ દૃશ્ય માણવા અમે તો ત્યાં બેસી જ ગયા. પગ ઠેરી ગયા. કદાચ અમે ૧૧૦૦૦ ફૂટની ઊંચાઈએ હઈશું જ. કોઈને અહીંથી આગળ વધવાનું મન જ ન હતું, પણ પેલુ ઝાલા. એ ઝાલા ગામ અમને લલચાવી રહ્યું હતું. છ ફૂટી તો ક્યારનીયે ઉતાવળ કરતી હતી. કહેતી ‘તી કે’ ચાલોને! ઝટ પહોંચાડી દઉં. આકાશી અંધારા ઊતરે તે પહેલા તો તમને ઝાલા પહોંચાડી દઉં, તમે અહીંથી ઊતરી જશો પછી અમારા રોજના ચાર પગવાળા મુસાફરો આવશે. ચાલો ચાલો જલદી ઊઠો…
અમે કહ્યું છફૂટી બાઈ! ચાર પગવાળાની ચિંતા નથી, પણ અંધારાની ચિંતા ખરી, પણ ઘડીક બેસવા દે ને! જવાય છે હવે! હમણા પહોંચી જઈશું, પણ પેલી છફૂટી તો છફૂટી ભારે જીદ્દી એણે તો અમને લાલચ આપી. ‘ચાલો ને જલદી… જુઓ તમને સફરજનના મોટા મોટા બગીચા બતાવું. જો અંધારૂં થશેને તમને કંઈ નહીં દેખાય. ચાલો ઉતાવળ કરો. અમે વિચાર્યું શું ખરેખર સફરજનનાં બગીચા છે… તો તો ચાલો પહેલી વાર જોવા મળશે. ચાલવા માટે તૈયારી થઈ ગયા. છફૂટીએ છેવટે અમને ઉઠાડ્યા જ. કાચા રસ્તે માત્ર ૨ કિ.મી.માં તો અમને છેક ગંગા કિનારે ઝાલાગામ લઈને આવી. સાચે જ અમે નીચે ઊતર્યા ત્યાં તો ચારે તરફ સફરજનના બગીચા હતા. નાના નાના લીલુડા સફરજન લાગેલા હતા. પહેલી વખત સફરજનનાં ઝાડ જોવા મળ્યાં. જો કે અમારા મનમાં એમ જ હતું કે સફરજન તો શિમલામાં જ થાય, પણ અહીં તો નજર સામે હતા. અમે આગળ વધ્યા. રોડ બિચારો ક્યાં જાય તેને પણ ત્યાં જ આવવું પડ્યું. ઘણીવાર મોટા ના કરી શકે એવું કામ નાના કરી શકે. ટોટલ ૫-૬ કિ.મી.નો વિહાર થયો. રોડ ઉપર કિ.મી.ના પથ્થર જોયા તો ૧૩ કિ.મી. રોડ ફરીને આવ્યો હતો. ૭ કિ.મી.નો નેટ નફો અમારા નામે હતો. નાની થઈ જતી ગંગા અહીં તો વિશાળ મેદાનમાં ઊતરી આવી હતી. એક જ મોટા પટમાં મોટી મોટી ૪-૫ ધારાઓમાં બિંદાસ વહ્યે જાય છે. એને શું પડી છે કોઈની. ‘એ ભલી અને એની મસ્તી ભલી’ ઝાલામાં રાત્રી વિશ્રામ કર્યો.
હિમાલયમાં ઘણા ઉપર આવી ગયા છીએ. આખું વાતાવરણ ઠંડું ઠંડું છે. શીતાગારમાં ધાબળાના કવચે કંઈક શાતાકારી વાતાવરણ બનાવ્યું પણ હિમાલયની ઠંડી એટલે બહુ ‘તીખી’. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -