મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
નવી શિક્ષણનીતિ ૨૦૨૦ માં ભાર વિનાના ભણતર ઉપર ભાર દેવામાં આવી રહ્યો છે.બાળક ઉપર માનસિક અને શારીરિક ભાર કેમ ઘટે,એ બાબતે શિક્ષણતંત્ર ખૂબ જ ચિંતિત છે.પરંતુ મા બાપની અપેક્ષાનો કોઈ પાર નથી.એનું શું? ખેડૂત જેમ રાતો રાત ભીંડા ઉગાડવા મથી રહ્યો છે. ઇંજેક્શન આપીને રીંગણા કે દૂધીને રાતોરાત મોટી કરવા મથે છે. કેળાને કેમિકલમાં બોળીને વેપારી જેમ જલદી પકવવા મથે છે. એવી જ કંઈક મનોદશા આજે વાલીની જોવા મળે છે.પોતાનું બાળક કેમ જલદી આગળ વધે.બસ આ એક જ રટણ મા બાપનું જોવા મળે છે. બે દ્રષ્ટાંત દ્વારા સમજીએ.
રોહન ભણવામાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી.તેમના મા બાપની એવી ઈચ્છા કે રોહન ડોક્ટર કે એન્જિનિયર બને. પહેલા ધોરણમાં રોહન હતો, ત્યારે જ વાર્ષિક પરીક્ષા પછીના વેકેશનમાં તેના માતા-પિતા રોહનને બીજા ધોરણના બધા પ્રશ્ર્નો ગોખાવી નાખે છે. બધા વિષયની એક એક નોટ ભરાય એટલું લખાણ વેકેશનમાં રોહન પાસે લખાવે છે.(જો કે હવે તો પહેલા અને બીજા ધોરણમાં પરીક્ષા જ લેવાની નથી, તેમ છતાં ઘણી શાળાઓમાં અમલ થતો નથી.) જો કે રોહન ખૂબ હોશિયાર વિદ્યાર્થી. બે ત્રણ માર્ક માંડ માંડ કપાતા. રોહનનો અંગ્રેજી વિષય નબળો.આથી તેના માટે ટ્યુશન પણ રાખવામાં આવ્યું હતું. ધીમે ધીમે રોહનની પ્રગતિ મંદ પાડવા લાગે છે. ઉત્તરોતર પ્રગતિ ઘટતા રોહન જ્યારે પાંચમા ધોરણમાં આવે છે,ત્યારે તે ૨૪ મા રેન્કે જતો રહે છે. ઉત્તરોતર મેરિટ ખૂબ જ નીચું જતું રહે છે. આ ઘટનાથી રોહનના માતા-પિતા ઉપર જાણે આભ ફાટી પડ્યું હોય,તેવા પીડાય છે. રોહનનો પ્રોગ્રેસ સતત ઘટતો રહેવાથી તેના માતા-પિતા તેમને સાઇકિયાટ્રિટ ડૉક્ટર પાસે લઈ જાય છે. ડૉક્ટરને કહે છે કે, ‘સાહેબ! આમને સમજાવો.આ ભણશે તો ડૉક્ટર – એન્જિનિયર થશે.બાકી તો મજૂરી કરશે મજૂરી.’ આ સાંભળી રોહન બોલ્યો,‘મજૂરી કરીશ,મજૂરી!’ આ ઘટના શું બતાવે છે ?
બીજો એક પ્રસંગ.તેજલ નામે ૧૦ વર્ષની એક રમતિયાળ,આનંદી અને હસમુખી દીકરી.૪૦ થી ૪૫% લાવે એવી એવરેજ સ્ટુડન્ટ.તેના પપ્પાના મિત્રોના બાળકોને ૭૦% ઉપર માર્ક આવતા.આથી તેજલના પપ્પા તેમના ઉપર કાયમ પ્રેસર રાખતા. ટ્યુશનમાં પણ મોકલે,તેમ છતાં તેજલના પ્રોગ્રેસમાં તેમના માતા પિતાની અપેક્ષા મુજબ સુધારો જોવા મળતો નહીં.આથી તેના પિતા ઘણી વખત તેજલને હડધૂત કરે અને તેજલને મારઝૂડ પણ કરે. તેમના પપ્પાની એવી ઈચ્છા કે મને ૬૫ થી ૭૦% લાવે એવી તેજલ પસંદ છે.૪૫% લાવે તેવી નહીં.તેના પિતા કાયમ ટોક ટોક અને અપમાનજનક વ્યવહાર કરે. તેમની સાથેના કઠોર વર્તનથી તેજલનો પ્રયાસ ધીમો પડી ગયો.તેજલનો ઉત્સાહ ઘટતો ગયો.ક્યારેક તેજલના ગુણમાં સુધારો થાય તો પણ તેમને શાબાશી તો મળતી જ નહીં.એવું કહેવામાં આવતું કે હજુ આટલા ટકા બરાબર નથી.હજુ તારે ૭૦ થી ૮૦% લાવવાના છે.આમ ઊંચો ને ઊંચો લક્ષ્યાંક જ કાયમ બતાવવામાં આવતો.કાયમ બીજા બાળકોની સાથે તેજલની સરખામણી કરવામાં આવતી.આથી તેજલને એમ થતું કે મારા પરિણામમાં સહેજ સુધારો થાય તો પણ તેમની મુલવણી થતી જ નથી,તો મારે પ્રયત્ન કરીને શું કરવું ? તેથી પોતે પ્રયત્ન કરવાનું માંડી વાળે છે.હથિયાર હેઠા મૂકી દે છે.પોતે આક્રમક થઈ જાય છે.નટખટ,રમતિયાળ અને હસમુખી તેજલ નફ્ફટ બની જાય છે.તેજલના પિતા તેને નફ્ફટ બનાવવામાં સફળ થયા.આ ઘટના શું બતાવે છે?
આજે વાલીની અપેક્ષા પાર વિનાની વધી રહી છે,તેનું શું ? આજે મોટાભાગના વાલી તો પોતાનું બાળક માત્ર ભણે અને ભણે જ,એવો જ અભિગમ ધરાવે છે.વાલીની અપેક્ષા એવી રહી છે કે,પાઠ્યક્રમ સિવાયની કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરાવવી જ ન જોઈએ.આથી જ તો ઘણા વાલીઓ બાળકોને સ્કૂલમાં થતી ઈતર પ્રવૃત્તિઓમાં બિલકુલ ભાગ જ લેવા દેતા નથી.આવા વાલીઓ માત્ર અને માત્ર ટકાને જ મહત્ત્વ આપી રહ્યા છે. આજે શિક્ષણ ભયંકર હરીફાઈમાં ફેરવાઈ ગયું છે. આજે શિક્ષણ ક્ષેત્રે એવું બન્યું છે કે, તમે પાંચ કલાક ભણાવો તો હું દસ કલાક ભણાવું.તમે રજાના દિવસે ભણાવવાનું ચાલુ રાખો તો અમે રાત્રિના પણ ભણાવવાનું ચાલુ રાખીશું. વેપાર ધંધાના ક્ષેત્રે પણ ગળાકાપ હરીફાઈ આવકાર્ય નથી, તો પછી જ્યાં જીવંત ચેતનાનો ઉછેર થઈ રહ્યો છે, જ્યાં પાયાના મૂલ્યો જેવા કે ન્યાય, નીતિ, દયા, ભાવના, પ્રેમ, અહિંસા, સમજણ અને કરુણા શીખવવાના છે, ત્યારે માત્ર ટકાના આધારે આપણે બાળકને ક્યાં સુધી માપતા રહીશું?
એક માતા પોતાના સંતાનની સિદ્ધિ બદલ પડોશમાં પેંડા વહેંચવા નીકળ્યા.એક પાડોશી બહેને પૂછ્યું, ‘બાબાને કેટલા ટકા આવ્યા ..?’ ‘ખાલી ૮૫ ટકા જ આવ્યા ! અપેક્ષા તો ૯૫% ની હતી,પણ શું થાય ? જે થયું તે ખરું !’ નિસાસા સાથે બાબાની માતાનો જવાબ હતો.વિચારીએ કે આ સંવાદ સાંભળીને ૮૫% લાવનાર બાબાની સ્થિતિ કેવી થઇ હશે ? તેમને તો પોતાનો દાખડો એળે ગયો હોય એવું લાગતું હશે ને! આવડી મોટી સિદ્ધિ મેળવવા છતાં! પ્રેરણા,પ્રોત્સાહન અને શાબાશી જેવું તો કશું જ નહીં.માત્ર અફસોસ અને નિરાશા વાલી વ્યક્ત કરે એ કેવું દુ:ખદ ગણાય.ઠીક છે ટકાની મર્યાદા ૧૦૦ બાંધવામાં આવી છે. બાકી આ લોકોનું ચાલે તો સો ટકાની ઉપર પણ અપેક્ષા રાખવાનું ચાલુ રાખે!
દરેક મા-બાપ તો ઇચ્છતા હોય છે કે,બાળક પોતાના વિચાર પ્રમાણે વિકસે.જ્યારે બાળકને પોતાની આગવી રીતે વિકસવાની ઈચ્છા હોય છે. બાળકને પોતાના રસ હોય છે.પોતાના ખ્યાલો છે. પોતાની ઝંખના છે.આ બધું જ્યારે અવરોધાય ત્યારે બાળક હતાશ બને છે.જિદ્દી અને ચીડિયું બની જાય છે. મા બાપે ઇચ્છેલી તેમની પ્રગતિ મંદ પડી જાય છે. ખલિલ જિબ્રાન નામના જાણીતા ચિંતક એવું કહે છે કે, ‘આપણે એમને આપણા બીબામાં ઢાળવા મથીએ છીએ,પરંતુ એમનામાં રહેલો પોતીકો ‘સ્વ’ જાતને વફાદાર રહેવા જોર કરે છે. જેવી રીતે કેરીમાંથી સંતરું કે ઘઉંમાંથી ચણા ઉગાડવાની ચેષ્ટા વ્યર્થ અને મૂર્ખામીભરી છે,એવી જ રીતે આ ‘સ્વ’ને કશુંક ‘પર’ બનાવવાની ચેષ્ઠા પણ નિરર્થક છે.મા બાપે માત્ર માળી કામ કરવાનું છે,ન કે પ્રજાપતિ કાર્ય.’
કમભાગ્યે આપણે માળી તો શું ક્યારેક કઠિયારા પણ બની જઈએ છીએ.
આ વિશ્ર્વમાં ઈશ્ર્વરે કોઈને સમાન બનાવ્યા જ નથી.આથી જ એક ચિંતકે ઠીક કહ્યું છે કે,‘બીજાને તમારા જેવા બનાવવા મથશો નહીં.ભગવાન પોતે આ કામ કરી શક્યા હોત.’ બાળકને તેની પ્રકૃતિ પ્રમાણે વિકસવા દઈએ.એક દ્રષ્ટાંત દ્વારા આ વાતને સમજીએ.
બે ઢીંગલી છે.એક માટીની અને બીજી લાકડાની બનેલી છે.બંનેને અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર કરીએ.સૌ પ્રથમ આ ઢીંગલીઓને સમુદ્ર પાર કરાવીએ.શું પરિણામ આવશે તે જોઈએ.લાકડાની ઢીંગલી સમુદ્ર પાર કરી જશે.કારણ કે લાકડું પાણીમાં તરવાની પ્રકૃતિ ધરાવે છે.જ્યારે બીજી માટીની બનેલી જે ઢીંગલી છે,તે પાણીમાં ઓગળી જશે.પલળીને ગારો બની જશે.સમુદ્ર પાર કરવાને બદલે નાશ પામી સમુદ્રના તળિયે જતી રહેશે.હવે આ બંને ઢીંગલીઓને બીજી પ્રક્રિયામાં પસાર કરીએ.આગમાંથી પસાર કરીએ.તો શું થશે ? જોઈએ.લાકડાની ઢીંગલી આગમાં નાખવાથી બળીને ખાક થઈ જશે.કારણ કે લાકડાની પ્રકૃતિ આગમાં સળગી જવાની છે.જ્યારે બીજી માટીની જે ઢીંગલી છે,તેને આગમાં નાખવાથી તે આગમાં પાકી જઈને કઠોર અને મજબૂત બની જશે.કારણ કે માટીની પ્રકૃતિ આગમાં કઠોર બનવાની છે.
કોઈ પણ બે બાળકો કે પછી એક જ ઘરમાં જન્મ લેતા બે બાળકોમાં પણ આ બે ઢીંગલીઓની જેમ પ્રકૃતિ દત્ત ભિન્નતા હોવાની જ છે.તેમ છતાં આપણે સરખામણી કર્યા જ કરીએ છીએ.એક સાથે જન્મેલા જોડિયા બે બાળકોમાં પણ સમાનતા જોવા નથી મળતી.આઠ અબજ જેટલી વિશ્ર્વની વસ્તીમાં કોઈપણ બે વ્યક્તિના ફિંગર પ્રિન્ટ પણ એક સરખા મળતા નથી આવતા,ત્યારે બે બાળકોના ગુણ,આવડત અને હોશિયારી એકસરખા કઈ રીતે હોઈ શકે ? પ્રાણીઓની હરીફાઈ ગોઠવીએ તો ખિસકોલી પાણીમાં તરી શકે ? માછલી ઝાડ પર ચડી શકે ? ખિસકોલી ઝાડ પર ચડનારું પ્રાણી છે,જ્યારે માછલી પાણીમાં તરનારું પ્રાણી છે.વાલી આ બધું સમજે છે,તેમ છતાં બાળકના ઉછેર વખતે ભૂલી જાય છે.વાલીની વ્યર્થ ચેષ્ટા બાળકનો ભોગ લે છે.રામ અને લક્ષ્મણ એક સરખા કઈ રીતે હોઈ શકે ? કૃષ્ણ અને બલદેવ એકસરખા કઈ રીતે હોઈ શકે ? સમય પાકી ગયો છે,જાગવાનો!
આવો,આપણે સૌ સાથે મળીને આ બાબતે સહ ચિંતન કરીએ.