શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આ સરકાર ડરી રહી છે. આ સરકાર ચૂંટણીથી ભાગી રહી છે. તેમણે 150 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. પણ અમે એમને 60ની અંદર જ ઓલ આઉટ કરી દઇશું. રાઉતના આ વિધાનના જવાબમાં ભાજપના નેતા મનોજ કોટકે મુંબઇ મહાનગર પાલિકામાં મેયર ભાજપના જ બનશે એવું વિધાન કર્યુ હતું. ત્યારે કોટક બાદ ભાજપના નેતા આશિષ શેલારે પણ આવું જ નિવેદન કર્યું છે. જેને પગલે ભાજપ – શિવસેના (શિંદે જૂથ) ના નેતાઓ વચ્ચે મતભેદ સર્જાયો છે.
ભાજપની કાર્યકારણી બેઠકમાં આશિષ શેલારે કહ્યું કે, મુંબઇ મહાનગર પાલિકામાં જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે આ ચૂંટણીમાં આપડે 151 બેઠકો જીતીશું. ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને રિપાઇ સહિત એનડીએ 150 બેઠકો જીતશે. અને મુંબઇમાં ભાજપના મેયર બનશે. આપડી સત્તા લાવવા માટે તમે સંપૂર્ણ તાકત લગાવો. એવી વિનંતી આશિષ શેલારે કાર્યકર્તાઓને કરી હતી. શિવસેનાના ઠાકરે જૂથ વિશે વાત કરતાં શેલારે કહ્યું કે મુંબઇગરાએ એમને જાકારો આપ્યો છે. મુંબઇગરા હવે એમને પોતાના સમજતા નથી. ભાજપનું મુંબઇમાં મિશન 150 છે જે આપડે પૂરું કરવાનું છે.
દરમીયાન આશિષ શેલારના મુંબઇ મહાનગર પાલિકા માટે કરવામાં આવેલ દાવા પર શિવસેના શિંદે જૂથમાંથી પ્રતિક્રિયા આવવા લાગી છે. ઉદય સામંતે આ બાબતે કહ્યું કે આવા નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ લે છે. બંને મળીને મુંબઇના મેયર કોણ બનશે માત્ર એ જ નહીં પણ મહારાષ્ટ્રની તમામ મહાનગર પાલિકાના મેયર અંગે નિર્ણય લેશે. આના પર મારું બોલવું યોગ્ય નથી. શિંદે-ફડણવીસ પરીપૂર્ણ રાજકારણી છે. બંને પક્ષ પરિપક્વ છે. આ બંને નેતા બીનજરુરી વિધાનો કરતાં નથી. તેથી આ અંગેનો નિર્ણય શિંદે-ફડણવીસ સરકાર લેશે.