પ્રાસંગિક -ગીતા માણેક
ગાંધીજી એકસો પચીસ વર્ષ જીવવા માગતા હતા એમ તેમણે કહ્યું હતું, પરંતુ છેવટના દિવસોમાં તેઓ દેશમાં ચાલી રહેલી ઘણી બધી ઘટનાઓથી નારાજ જણાતા હતા. ૧ ડિસેમ્બર ૧૯૪૮ના દિવસે તે જ ગાંધીજીએ કહ્યું હતું, ‘એક દહાડો હું ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા રાખતો હતો. આજે નથી…’ આ અગાઉ પણ પોતાની ૭૭મી વર્ષગાંઠે એટલે કે ૨ ઑક્ટોબર ૧૯૪૭ના દિવસે બિરલા હાઉસ ખાતેની તેમની દૈનિક પ્રાર્થનાસભામાં ગાંધીજીએ પોતાના મનની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું “…મારા દિલમાં દુ:ખ અને સંતાપ સિવાય કંઈ નથી. એક જમાનો હતો જ્યારે જનતા મારી દરેક વાત માનતી હતી, પરંતુ આજે મારી વાત કોઈ નથી સાંભળતું… આ પ્રકારની નિરાશાજનક વાતો ગાંધીજી તેમની દિલ્હીમાં બિરલા હાઉસ ખાતેની પ્રાર્થના સભામાં અવારનવાર કહેતા રહ્યા છે એ નોંધાયેલી હકીકત છે.
ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધીની દીકરી એટલે કે ગાંધીજીની પૌત્રી મનુબેન ગાંધી તેમની અંતેવાસી હતી. જે દિવસે ગોડસેએ ગાંધીજી પર ગોળી ચલાવીને તેમની હત્યા કરી ત્યારે પણ મનુબેન તેમની લગોલગ જ ઊભાં હતાં. મનુબેને તેમના ગાંધીજી સાથેના સહવાસની એક રોજનીશી લખી છે. ૧ ડિસેમ્બર ૧૯૪૭થી માંડીને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધીની આ ડાયરીમાં તેમણે ગાંધીજી સાથે રહેતા-રહેતા એ વિશેની વિગતો આલેખી છે. આ ડાયરીની અધિકૃતતાઓ પર સવાલ ઉઠાવી શકાય એમ નથી કારણ કે એ લખાણોને ગાંધીજીએ ખુદ પોતાની સહીઓ કરીને એ સત્ય હોવાનો પુરાવો આપ્યો હતો. અલબત્ત ૩૦મી તારીખની ડાયરી પર તેમના હસ્તાક્ષર નથી એ સમજી શકાય એવી વાત છે.
આ ડાયરીમાં ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે ચોક્કસપણે શું-શું બન્યું હતું એની લાંબી નોંધ લખી છે. આવતી કાલે ગાંધીજીની હત્યાને ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે એ દિવસે કયા-કયા બનાવ બન્યા હતા અને ગાંધીજીની મન:સ્થિતિ શું હતી એનો ખ્યાલ આ ડાયરીમાંથી આવે છે. ડાયરીમાં નોંધાયેલી બાબતો પરથી એવું પણ લાગે છે કે ગાંધીજીને કદાચ સમજાઈ ગયું હતું કે હવે તેમનો અંત નજીક છે. આ ડાયરીમાંથી સંકલન કરીને એ દિવસની ઘટનાઓ વાચકો સમક્ષ રજૂ કરીએ છીએ.
૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે સવારે દાતણ કરતા-કરતા ગાંધીજીએ કહ્યું હતું, ‘હું જોઉં જ છું ના કે મારો પ્રભાવ મારી પાસે રહેનારાઓમાંથી પણ ચાલી ગયો લાગે છે…આ બધું જોવા ઈશ્ર્વર હવે મને વધુ નહીં રાખે એટલી આશા છે. આજે મારે પેલું- થાકે ન થાકે છતાંય હો માનવી! ન લેજે વિસામો એ ભજન સાંભળવું છે.’ બાપુની આ માગણી વિશે મનુબેને નોંધ્યું છે કે ‘કોઈ દહાડો નહીં અને આજે બાપુજીએ આ ભજનની પસંદગી કરી. મને પોતાને બાપુજીનું કંઈક જુદું જ ભાસે છે. ઊંડે-ઊંડે શંકા આવે છે કે બાપુજી ફરી પાછા ઉપવાસ તો નહીં આદરવાના હોય?’
આગલે દિવસે કૉંગ્રેસના જે મુસદ્દા ગાંઘીજીએ ઘડ્યા હતા તે સુધાર્યા. સવારે પોણા પાંચ વાગ્યે ગરમ પાણી, મધ અને લીંબુ રોજની માફક લીધું. પોણા છ વાગ્યે રોજની જેમ સંતરાનો ૧૬ ઔંસ રસ લીધો. મનુબેન લખે છે કે ગાંધીજીને હજુ ઉપવાસની નબળાઈ હતી. લખતાં-લખતાં તેમને થાક લાગવાથી તેઓ સૂતા અને મનુબેને તેમના પગ દાબ્યા.
આગલે દિવસે કિશોરલાલ મશરૂવાળાને લખાવેલો પત્ર ટપાલમાં નાખવો રહી ગયો હતો એટલે બાપુજીને ન ગમ્યું. મનુબેને જ્યારે તેમને પૂછ્યું કે ‘બીજી (૨ ફેબ્રુઆરીએ) આપણે વર્ધા જવાનાં છીએ એવી એક લીટી ઉમેરી દઉં ત્યારે બાપુએ જવાબ આપ્યો કાલ કોણે દીઠી છે?’
એ જ દિવસે એટલે કે ૩૦ તારીખે બપોરે થોડી વાર આડા પડી બાથરૂમમાં જવા માટે આવતા હતા ત્યારે મનુબેને તેમને કહ્યું, ‘બાપુ, એકલા-એકલા આવી રહ્યા છો તો કેવા લાગો છો? ’ અશક્તિને કારણે તેઓ ટેકા વગર ચાલતા હતા તો પગ બરાબર પડતા નહોતા. મનુબેનની આ વાતના જવાબમાં બાપુએ કહ્યું હતું, ‘કેમ સરસને? એકલા ચલો.’
એ જ બપોરે મૌલાના હબીબુર રહેમાને સેવાગ્રામ વિશે પૂછ્યું અને કહ્યું, ‘આપ જાઓ છો પણ ૧૪મીએ પાછા આવી જ જશો જી’ ત્યારે ગાંધીજીએ કહ્યું, હાં ૧૪ તક તો મૈં યહીં હોગા. ફિર તો સબ ખુદા કે હાથ મેં હૈ. વહ તો આસમાની સુલતાની બાત હૈ’
અગાઉથી નક્કી થયા પ્રમાણે એ દિવસે સવા ચાર વાગ્યે સરદાર પટેલ ગાંધીજીને મળવા આવ્યા હતા. તેમની વચ્ચે કાઠિયાવાડ સંબંધી ચર્ચા પણ થઈ. એ દરમિયાન કાઠિયાવાડના આગેવાનો રસિકભાઈ પરીખ અને ઢેબરભાઈ પણ આવ્યા. તેઓ બાપુને મળવા માગતા હતા પણ એ દિવસે બાપુની એક-એક પળ ભરચક હતી છતાં મનુબેને ગાંધીજીને પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે, ‘એને કહે કે જીવતો રહ્યો તો પ્રાર્થના પછીના ફરતી વેળાના સમયે વાત કરી લઈશું.’
૩૦મી તારીખની આ પછીની ઘટના મનુબેન ગાંધીએ ગાંધીજીની હત્યાના બે દિવસ બાદ નોંધી હતી. આમાં મનુબેને નોંધ્યું છે કે કોઈ દિવસ નહીં ને તેમણે એ જ દિવસે આ ભજન – થાકે ન થાકે છતાંય માનવી! ન લેજે
વિસામો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ગવડાવ્યું એમાં તેને મૂર્તિમંત કરવાની ઇચ્છા હશે. મનુબેન લખે છે કે, ગમે તે હોય, પણ પળનોય વિસામો લીધા વગર પોતાની ધીકતી પ્રવૃત્તિનો વેગ વધાર્યો.’
ગાંધીજી એ સાંજે સરદાર પટેલ સાથે ગંભીર ચર્ચામાં એટલા બધા તલ્લીન હતા કે કોઈનીય તેમને એ યાદ કરાવવાની હિંમત ન ચાલી કે પ્રાર્થનાનો સમય થઈ ગયો છે અને એને કારણે તેમને દસ મિનિટ મોડું થયું. મનુબેન લખે છે કે, ‘રસ્તામાં તેમણે અણગમો બતાવ્યો અને કહ્યું કે તમે જ મારી ઘડિયાળ છો ના? પછી હું શાને ઘડિયાળ અડું?…મને આમ મોડું થયું છે તે બિલકુલ પસંદ નથી પડ્યું…પ્રાર્થનાને દસ મિનિટ મોડું થયું છે એમાં તમારો વાંક છે.’ ગાંધીજીના અ ઠપકાના જવાબમાં મનુબેને કહ્યું હતું કે ‘સરદાર બે-ચાર દિવસે આવ્યા અને એવા ગંભીર પ્રશ્ર્નો પર ચર્ચા ચાલતી હતી કે મારી હિંમત ન ચાલી. મનુબેનનો આ જવાબ પણ બાપુને ન ગમ્યો. તેમણે કહ્યું, ‘નર્સોનો તો ધર્મ છે કે સાક્ષાત ઈશ્ર્વર બેઠા હોય તો પણ તેમણે પોતાનો ધર્મ બજાવવો જોઈએ. કોઈ દરદીને દવા પાવાનો વખત થયો હોય અને તેની પાસે કેમ જવાય એમ વિચાર કરવામાં આવે તો દરદી મરી જાય. આ પણ એવું જ છે. એક મિનિટ પણ પ્રાર્થનામાં મોડું થાય તે મને ખૂંચે’
ત્યાર પછી જે ઘટના બની એ મનુબેનના શબ્દોમાં જ જાણીએ. ‘બાપુજી પોતાના નિયમ પ્રમાણે પગથિયાં ચડ્યાં અને જનતાને જોઈને અમારા ખભા પરથી હાથ ઉઠાવીને જનતાને હાથ જોડતા આગળ ચાલ્યા. હું જમણી તરફ હતી. મારી તરફથી એક ભરાવદાર તંદુરસ્ત યુવાન ખાખી કપડાંમાં, હાથ જોડેલા અને ટોળાને વીંધીને એકદમ ધમધમાટ કરતો આવ્યો. હું સમજી કે એની ઇચ્છા બાપુનો ચરણસ્પર્શ કરવાની હશે. અને એ રીતે રોજ જ થતું. બાપુજી ગમે ત્યાં જાય તોપણ લોકો તેમની ચરણરજ લેવા કે પ્રણામ કરવા આવતા જ. અને અમે અમારી રીતે તેઓને કહેતાં કે, બાપુજીને આ રીત પસંદ નથી… એટલે મેં પણ આ માણસને આગળ આવતો હતો ત્યાં તેના હાથને ધક્કો મારી કહ્યું- ભાઈ, બાપૂ કો દસ મિનિટ દેર હો ગઈ હૈ, આપ ક્યોં સતા રહે હો!- પણ પેલા યુવાને મને એવા તો જોરથી ધક્કો માર્યો કે મારા હાથમાં માળા, થૂંકદાની, નોટબુક હતું એ બધું પડી ગયું. જ્યાં સુધી બીજી વસ્તુઓ પડી ત્યાં સુધી તો મેં બહુ દાદ ન આપતાં પેલા ભાઈ સાથે જ ઝૂઝ્યા કર્યું. પણ માળા પડી તે લેવા નીચી નમી ત્યાં તો ધડાધડ એક પછી એક ત્રણ ગોળીઓ છૂટી. અંધારુ, ધુમાડો અને ગગનભેદી અવાજ છતાં બાપુજી જાણે સામે પગલે જ અને સામી છાતી જ જતા હતા – હે રા…મ હે રા..મ કહેતાં તો હાથ જોડેલા હતા તેમ જ જમીન પર નીચે પડ્યા. અનેકોએ તે વેળા તો બાપુજીને પકડવા પ્રયત્ન કર્યો. આભાબહેન પણ નીચે પડી ગયાં. તે એકદમ ઊભાં થઈને પણ પડ્યાં. પછી બાપુજીનું માથું એકદમ ખોળામાં લઈ લીધું. હું તો સમજી જ શકી નહીં કે આ શું બન્યું. બધું બનતા માંડ-માંડ ત્રણથી ચાર મિનિટ થઈ હશે! અને ધુમાડે એટલો હતો અને મારા કાનમાં જ ગોળીનો અવાજ થયો એટલે અવાજથી કાન બહેર મારી ગયા. લોકોનું તો એકદમ મોટું ટોળું જમા થઈ ગયું. અમે બંને છોકરીઓના હાલહવાલ શા બન્યા હશે એ ભાષામાં લખવુંય મુશ્કેલ છે પણ સફેદ વો પરથી લોહીની ધારા છૂટી, ખાબોચિયું ભરાઈ ગયું! હાથ જોડેલા બાપુજીની ઘડિયાળમાં બરાબર ૫.૧૭ મિનિટ થઈ હતી. બાપુજી જોડેલા હાથ સાથે લીલુડો ધામમાં પૃથ્વીમાતાની ગોદમાં અપાર નિદ્રામાં પોઢ્યા હોય અને જાણે અમને અમારી કહિંમત ઉપર ગુસ્સો ન કરવા અને માફી આપવાનું કહેતા ન હોય!’