વિશેષ -અભિમન્યુ મોદી
જ્યારથી હિડેનબર્ગનો અદાણી વિરુદ્ધનો રિપોર્ટ જાહેર થયો છે ત્યારથી શૅરબજારમાં રોકાણ કરીને સિંહ બનેલા ફરતા નાગરિકોની હવા ટાઈટ થઈ ગઈ છે. અલબત્ત, અદાણીએ એવી જાહેરાત પણ કરી હતી કે તેમના રોકાણકારોને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ જાહેરખબરને સ્કિપ કરતો આજનો માનવી, કૌભાંડની સદીમાં કોઈનો વિશ્ર્વાસ કઈ રીતે કરે? ભારતીય શૅરબજારમાં સદાય રહસ્યમય ગતિવિધિ ચાલતી રહે છે. બજાર નરમ હોવી જોઈએ છતાં ગરમ રહે તો એ એક કોયડો છે. લગભગ હજારેક પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સે રોકાણકારોને આશાઓનું ઘોડાપુર બતાવ્યું, પરંતુ જ્યારથી હિડેનબર્ગ બાબા આવ્યા ત્યારથી બાગેશ્ર્વર બાબાની લાઇક્સ પણ ઓછી થવા લાગી. કેમ? સોશિયલ મીડિયાના યુગમાં લોકો તથ્યોની તપાસ પણ ગુગલમાં કરે છે. એ ગુગલ જેમાં પૈસા ફેંકો ને ઈચ્છાનુસાર માહિતી ફીડ કરો. અદાણી ખોટા છે કે સાચા તેનું સત્ય તો સમય આવ્યે ખબર પડશે, પરંતુ ઈન્ટરનેટમાં થયેલા દુષ્પ્રચારને કારણે ભારતીય શૅરબજારની ચાલ અર્થતંત્રથી વિપરીત ચાલવા લાગી.
ચારે બાજુ મંદીનો માહોલ છવાયો અને વિકાસના અંદાજ પણ પતન પામવા લાગ્યા. બજારની આ અકળ ગતિ જલદીથી ઓળખાય એવી નથી. આમ પણ ભારતીય શૅરબજારમાં એક નંબરના અને બે નંબરના એમ બન્ને પ્રકારના ખેલાડીઓ સક્રિય હોય છે એટલે માર્કેટ ક્રેશ નથી થતું. ભારતમાં વર્ષો પૂર્વે માર્કેટ ક્રેશ થયેલું. એ સમયે માર્કેટના માંધાતાઓએ માર્કેટ ફરી બેઠું કરી દીધું હતું, જેમાં ધીરુભાઈ અંબાણીનો સિંહફાળો હતો. અદાણીની જેમ એક સમયે ધીરુભાઈ અંબાણી પર પણ આક્ષેપના તીર છૂટ્યા હતા. ગુગલની જેમ નામાંકિત અખબારોએ પેઈડ ન્યૂઝ છાપીને પીળા પત્રકારત્વનું ઉપવસ્ત્ર ધારણ કરી લીધું હતું. છતાં ધીરુભાઈએ શેર અને શાખ બન્ને બચાવી લીધા હતા, તેમની રોચક કહાની પર તો ઓસ્ટ્રેલિયન પત્રકાર હામિશ મેક્ડોનાલ્ડે ‘અંબાણી ઍન્ડ સન્સ’ પુસ્તક લખી નાખ્યું. નવેમ્બર ૧૯૭૭ની વાત છે. ધીરુભાઈ અંબાણીએ તેમની કંપની રિલાયન્સને શૅરબજારમાં રજિસ્ટર કરાવવાનું નક્કી કર્યું. એ સમયે રિલાયન્સે શેરદીઠ ૧૦ રૂપિયાના દરે લગભગ ૨૮લાખ ઇક્વિટી શેર જાહેર કર્યા. શેરનું વેચાણ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઇપીઓ સાથે શરૂ થાય છે. આઈપીઓ બહાર પડતાંની સાથે જ રિલાયન્સના શેરમાં ધૂમ મચી ગઈ હતી.
તેમની કંપનીના શેરમાં લોકોની રૂચિ જોઈને અંબાણીના ઈરાદા મજબૂત બન્યા. ટૂંક સમયમાં જ અંબાણીને શૅરબજારની બારીકાઈ સમજાઈ ગઈ. કંપની અને બ્રોકર શેરબજારમાં જે રમત રમતાં હતાં એની તેમને ખબર પડી. એક વર્ષ પછી ૧૯૭૮માં રિલાયન્સ કંપનીના શેરની કિંમત ૫ ગણી વધીને ૫૦ રૂપિયા થઈ ગઈ. ૧૯૮૦માં એક શેરની કિંમત વધીને ૧૦૪ રૂપિયા થઈ અને ૧૯૮૨ સુધીમાં એ ૧૮ ગણી વધીને ૧૮૬ રૂપિયાની ઊંચી
સપાટીએ પહોંચી ગઈ. આ એ સમય હતો જ્યારે અંબાણી દેશ-દુનિયાના સ્ટોક બ્રોકરોની નજરમાં ખટકવા લાગ્યા હતા. પોતાની કુંઠિત માનસિકતા સંતોષવા કોલકાતામાં શેરદલાલોએ અંબાણીની હાલત કફોડી કરવાનો પ્લાન બનાવ્યો.
શેરબજારના મોટા બ્રોકરો ‘બિયર’ અને ‘બુલ’ આ બે શબ્દોનો વ્યાપક ઉપયોગ કરે છે. બિયર એટલે રીંછ અને બુલ એટલે બળદ. શેરોની કિંમત ઘટાડીને તેને બીજીવાર ખરીદીને નફો કમાવવાની ટેક્નિક એટલે બેઅર અને જે લોકો શેર ખરીદીને એના ભાવ વધારે છે અને ફરી એને ઊંચી કિંમતે વેચીને નફો કમાય છે તેને બુલ કહેવામાં આવે છે. હર્ષદ મહેતા તો બિગ બુલ હતા.
૧૯૮૨માં રિલાયન્સના શેરના ભાવમાં તેજી જોવા મળી. રિલાયન્સ કંપનીમાં ૨૪ લાખથી વધુ રોકાણકારો જોડાયા હતા. એ જ સમયે રિલાયન્સે રોકાણકારો પાસેથી નાણાં ઉછીના લેવા માટે ડિબેન્ચર જાહેર કર્યા હતા. વાસ્તવમાં ડિબેન્ચર્સ એ કંપનીઓ માટે વ્યાજ થકી મૂડી એકત્ર કરવાનો એક રસ્તો છે. જેઓ ડિબેન્ચર ખરીદે છે તેમને ધિરાણના બદલામાં તેમનાં નાણાં પર નિશ્ર્ચિત વ્યાજ મળે છે.
આ રીતે જેમ જેમ ધંધો વધતો ગયો, રિલાયન્સના શેરની કિંમત એટલી વધતી ગઈ, રોકાણકારો પાસેથી લીધેલી લોન ઓછી થઈ. ધીરુભાઈ અંબાણીને અપેક્ષા હતી કે આગામી કેટલાંક વર્ષો સુધી તેમના શેર આ જ રીતે વધતા રહેશે, પરંતુ ત્યારે જ કોલકાતામાં બેઠેલા શેરબજારના કેટલાક દલાલોએ રિલાયન્સના શેરને નીચે પાડવાનો નિર્ણય કર્યો. મનુ મારવાડી યાદ છે? પ્રતીક ગાંધીની બહુ ગાજેલી વેબસિરીઝનું આ પાત્ર રિયલ લાઈફ બિયર મનુ માણેક પરથી તૈયાર કરવામાં આવ્યું હતું. મનુ માણેક જ બિયર સોસાયટીના પ્રમુખ હતા. તેમણે હિડેનબર્ગની જેમ એવી સોગઠી ફેંકી કે અંબાણી પરિવારની ઊંઘ ઊડી ગઈ.
૧૮ માર્ચ, ૧૯૮૨ના રોજ અચાનક રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો થવા લાગ્યો. મનુ માણેકના પૂર્વ આયોજિત કાવતરાને કારણે આ બધું થઈ રહ્યું હતું. તેઓ રિલાયન્સના શેરની કિંમત ઘટાડીને નફો મેળવવા માગતા હતા. તેના માટે બિયર્સે રિલાયન્સના શેરોનું શોર્ટ સેલિંગ શરૂ કરી દીધું. શોર્ટ સેલિંગ એ શેરની ખરીદી અથવા વેચાણ દ્વારા નફો મેળવવાનો એક માર્ગ છે. રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો કરવા માટે બ્રોકર્સ શોર્ટ સેલિંગ કરી રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શેરબજારના દલાલોએ બ્રોકરેજ દ્વારા અન્ય લોકો પાસેથી ઉધાર લઈને બજારમાં રિલાયન્સના શેર વેચવાનું શરૂ કર્યું હતું. આ કારણે કંપનીના શેરની કિંમત ઝડપથી ઘટવા લાગી. બ્રોકરોની એવી યોજના હતી કે તેઓ બ્રોકરેજ પાસેથી ઉછીના લીધેલા શૅરબજારમાંથી ઓછા ભાવે ખરીદીને પરત કરશે અને નફો કમાશે.
આ પદ્ધતિમાં એક નિયમ એવો પણ છે કે જો ઉછીના લીધેલા શેરો સમયસર પરત ન થાય તો વળતર તરીકે શેરદીઠ રૂ.૫૦ ચૂકવવા પડે છે. ૧૮ માર્ચ,₹ના રોજ શેરબજાર ખૂલ્યાના અડધો કલાક બાદ જ બિયર્સ શોર્ટ સેલિંગ દ્વારા લાખો રૂપિયાના શેર વેચ્યા. એકસાથે આટલા શેરના વેચાણને કારણે રિલાયન્સના એક શેરની કિંમત ૧૩૧થી ઘટીને ૧૨૧ રૂપિયા થઈ ગઈ હતી. કોલકાતાના બ્રોકરોએ વિચાર્યું હતું કે શેરબજારનો કોઈ મોટો દલાલ ડૂબતો સ્ટોક ખરીદશે નહીં. આ રીતે શેરના ભાવમાં સતત ઘટાડો થશે અને બજારમાં ગભરાટને કારણે શેરની કિંમત સંપૂર્ણપણે તૂટી જશે. હિંડનબર્ગ અત્યારે અદાણીની કંપની સાથે જે કરી રહ્યા છે તેની જેમ એ વખતે આઉટલૂક અને ટાઈમ્સ ઑફ ઇન્ડિયા જેવા નામાંકિત અખબારોમાં અર્થશાસ્ત્રની કોલમ ચાલવતા લેખકો પાસે આગ ઝરતા લેખ લખાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં રિલાયન્સનું ડૂબવું નિશ્ર્ચિત જણાતું હતું, પરંતુ ધીરુભાઈ અંબાણીએ વાણિયાની બુદ્ધિને એક્ટિવ કરીને બિયર્સના દાવને ઊંધો પાડી દીઘો.
ધીરુભાઈ અંબાણીને ખબર પડી કે કોલકાતામાં બેઠેલા શેરબજારના દલાલો રિલાયન્સના શેરના ભાવ તોડી રહ્યા છે. આ પછી વિલંબ કર્યા વિના અંબાણીએ વિશ્ર્વભરના ટોચના બુલ બ્રોકરોનો સંપર્ક કર્યો. અંબાણીના પક્ષમાંથી ઘણા ટોચના બુલ બ્રોકરોએ પણ શેરબજારમાં ઝંપલાવ્યું હતું. એક બાજુ કોલકાતામાં બેઠેલા બિયર્સ દલાલો આડેધડ શેર વેચી રહ્યા હતા. બીજી તરફ અંબાણીના સમર્થકો બુલ દલાલના શેર ખરીદી રહ્યા હતા.
૧૮ માર્ચની સાંજે દિવસના અંતે શેર રૂ.૧૨૫ પર બંધ થયો હતો. ધીરુભાઈને ઈનપુટ મળ્યું હતું કે કોલકાતાનો એક દલાલ એક અઠવાડિયાના વાયદા પર શેરનું શોર્ટ સેલિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં અંબાણીએ એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે કોઈપણ રીતે શેરની કિંમત એક અઠવાડિયા સુધી વધુ ન ઘટે. જો આવું થયું તો કોલકાતાના બ્રોકરોને યા તો ઊંચા ભાવે શેર ખરીદીને લોનની ચુકવણી કરવી પડશે નહિતર ઉછીના લીધેલા શેર પર નુકસાની વેઠવી પડશે. શેરના ભાવ ડાઉન થાય તો નુકસાન બંને બાજુ હતું.
ત્રણ દિવસમાં રિલાયન્સના ૧૧ લાખ શેર વેચાયા હતા અને તેમાંથી લગભગ ૮.૫ લાખ શેર અંબાણીના જ બ્રોકર્સે ખરીદ્યા હતા. આ જાણીને કોલકાતાના દલાલોના હોશ ઊડી ગયા. તેમની અપેક્ષાથી વિપરીત શેરના ભાવમાં રૂ.૧૩૧થી વધુનો વધારો થયો. હવે બિયર્સને શેરની ચુકવણી કરવા માટે ઊંચા ભાવે શેર ખરીદવા પડે અને જો તેણે આમ ન કર્યું તો તેણે પ્રતિ શેર ૫૦ રૂપિયા ચૂકવવા પડે. ટૂંકમાં બિયર્સ સંપૂર્ણપણે ધીરુભાઈ અંબાણીની જાળમાં ફસાઈ ગયા હતા. તેમણે આ મામલો થાળે પાડવા માટે બુલ્સ પાસે સમય માગ્યો હતો, પરંતુ અંબાણીના બ્રોકર બુલ્સે સમય આપવાનો ઇનકાર કરી દીધો. આ પછી મામલો થાળે પાડવા માટે ખુદ શેરબજારના અધિકારીઓએ વચ્ચે આવવું પડ્યું હતું.
પરિણામ એ આવ્યું કે શેરબજાર ૩ દિવસ સુધી બંધ રહ્યું. અંબાણી કોલકાતામાં બેઠેલા બિયર્સને પાઠ ભણાવવા માગતા હતા, એટલા માટે તેઓ ૩ દિવસ સુધી પોતાની જીદ પર અડગ રહ્યા. ૧૦ મે, ૧૯૮૨ના રોજ, રિલાયન્સના શેર ફરી ઊંચી કિંમતે ચમક્યા અને ધીરુભાઈ શૅરબજારના મસીહા બની ગયા. પત્રકાર હામિશ મેક્ડોનાલ્ડે આ પ્રસંગને વર્ણવતા લખે છે કે, ‘રિલાયન્સમાં જેણે જેણે રોકાણ કર્યું. પ્રથમ તેઓ ડર્યા અને પછી તો જીવન ભર લીલા લહેર કરતા મુંબઈની ગલીઓમાં ફર્યા હતા. રોકાણ કરનારા રોકાણકારોને આ રમતનો સૌથી વધુ ફાયદો થયો હતો.’
શૅરબજાર ખૂલ્યા પછી ઘણા દિવસો સુધી રોકાણકારો અંબાણીના શેરમાં પૈસા રોકતા રહ્યા, જેના કારણે શેરની કિંમત ઊંચી રહી. આ પછી સવાલો ઊઠવા લાગ્યા કે આ સંકટમાંથી અંબાણીને બચાવનાર બુલ્સ કોણ હતા? બાદમાં તત્કાલીન નાણામંત્રી પ્રણવ મુખર્જીએ સંસદમાં જવાબ આપ્યો હતો કે ૧૯૮૨-૮૩ વચ્ચે, એક એનઆરઆઈએ તેનું નામ જાહેર કર્યા વિના અંબાણીના શેરમાં ૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એ સમયે આ મોટી રકમ હતી. થોડા દિવસો પછી ખબર પડી કે પૈસાનું રોકાણ ફિકાસો અને લોટા નામની કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કંપનીઓનો માલિક ‘શાહ’ નામની વ્યક્તિ હતી. આ શાહ કોણ હતા એ આજ સુધી જાણી શકાયું નથી. જોકે બાદમાં આરબીઆઈએ તેની તપાસમાં રિલાયન્સને ક્લીનચિટ આપી હતી.
આ ઘટના બાદ ધીરુભાઈ અંબાણી સર્વકાલીન મહાનાયક તરીકે ઉપસ્યા. તેમણે અખૂટ રાષ્ટ્રીય સંપત્તિઓ અને અસ્ક્યામતો ઊભી કરી. સાથે સાથે ભરપૂર નવીન મૂલ્યો ઊભાં કર્યા. એક ઉદ્યોગપતિ તરીકે તેમણે વિશ્ર્વ સમક્ષ દૃષ્ટાંત રજૂ કર્યું કે, કોઈ પેઈડ સમાચાર શેરહોલ્ડરો અને શાખને ગુમાવવા માટે સક્ષમ નથી. ઇતિહાસનો આ પ્રસંગ કુદરત દોહરાવી રહી છે. અદાણી પણ એવા જ વેન્ટેજ પોઇન્ટ પર ઉભા છે જ્યાંથી તેમનું એક ખોટું કદમ અબજોના એમ્પાયરને ધ્વસ્ત કરી નાખશે ત્યારે જોવાનું રહેશે કે અંબાણીની જેમ અદાણી પોતાના શેર અને શાખ બન્ને બચાવી શકશે કે નહિ!