એક સમય એવો હતો કે ભારતને સોનાની ચિડિયા તરીકે ઓળખવામાં આવતું હતું, પણ આશરે 1000 વર્ષની ગુલામીની ઝંઝીરમાં રહ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. વિદેશી દુશ્મનોએ મનમૂકીને ભારતની સંપત્તિ લૂંટી લીધી. પણ આજે પણ દેશમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં ખજાનાઓ છુપાયેલા છે.
ગઈકાલે આપણે નાલંદામાં આવેલી એક ગૂફાની વાત કરી હતી. આ ગૂફાનો દરવાજો ખૂલી જાય તો એકેએક દેશવાસી શ્રીમંત થઈ જશે એવી માહિતી પણ આપણે મેળવી હતી અને આજે એ જ દિશામાં આગળ વધીએ અને વાત કરીએ ભારતની એક એવી નદી વિશે કે જેને લોકો હીરાની ખાણ તરીકે ઓળખે છે. આ નદીનું નામ છે કૃષ્ણા નદી અને તે ભારતમાં આવેલી છે.
આ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે દુનિયાના સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવા હીરાઓનું ખનન કૃષ્ણાનદીના કિનારા પર કોલ્લુર ખાતે થયું હતું. એવું કહેવાય છે કે કૃષ્ણા નદીમાં આજે પણ હીરાનો એક મોટો જથ્થો સચવાયેલો પડ્યો છે. જો તમારું નસીબ તમને સાથ આપશે તો નદીમાં ડૂબકી લગાવીને તમે તમારી કિસ્મત ચમકાવી શકો એમ છો. અહીં તમને જણાવી દઈએ કે દુનિયાનો સૌથી પ્રસિદ્ધ હીરો ગણાતો કોહિનૂર પણ આ નદીમાંથી જ નીકળ્યો હતો.
ગોલકુંડા કુદરતી રૂપથી બનેલું એક એવો ખજાનો છે કે જ્યાં હીરાની ભરમાર છે. એવું પણ કહેવાય છે કે અહીંયા એટલી બધી સંખ્યામાં હીરા મળી આવે છે કે કૃષ્ણા નદીની માટીને જો ચાળણથી ચાળવામાં આવે તો તેમાંથી નાના નાના ડાયમંડ્સ મળી શકે છે.
જોકે, આ પ્રાકૃતિક ખજાનાને શોધવાના વધુ પ્રયાસો હાથ નથી ધરવામાં આવ્યા અને આજે પણ એનું રહસ્ય અકબંધ જળવાઈ રહેલું છે.