વિશ્વની વિરાસતની યાદીમાં સ્થાન પામેલા કચ્છના ધોળાવીર મ્યુઝિયમના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હોવાના અહેવાલોના પ્રત્યાઘાત પડ્યા છે અને મ્યુઝિયમમાં ફરી વીજળીનો પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આનો શ્રેય કોંગ્રેસના પાટણના વિધાનસભ્ય ડો. કિરીટ પટેલને પણ આપવો જોઈએ કારણ કે તેમણે સીધો મુખ્ય પ્રધાનને પત્ર લખી વાતને ઊજાગર કરી હતી. જ્યારે કચ્છના છ ભાજપી ધારાસભ્યોની કોઈ રજૂઆત આ મામલે ધ્યાનમાં આવી નથી.
યુનેસ્કો દ્વારા જેને વિશ્વ વિરાસત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે કચ્છના ધોળાવીરા ખાતે આવેલા વર્લ્ડ કલાસ મ્યુઝીયમનો વીજળી પુરવઠો કાપી નાખવાના મામલે કચ્છના તંત્ર સહીત સમગ્ર ગુજરાત સરકાર ઉપર પસ્તાળ પડી છે. કોંગ્રેસના પાટણના ધારાસભ્યે સમગ્ર મામલે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને આ મુદ્દે અવગત કરાવ્યા હતા. સરકારે ગંભીરતા સમજી વીજ પુરવઠો ચાલુ કરાવી દીધો હતો. આ સાથે સૂત્રોનું માનીએ તો વીજળી રૂ. 46 હજારનું બિલ બાકી હતું તે બિલ ભરવાની તજવીજ પણ ગણતરીના કલાકોમા હાથ ધરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધોળાવીરા ખાતે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને કચ્છ જનારા માટે આ એક જોવા જેવું સ્થળ છે. આ સ્થળ પર જો અંધારુ છવાયું હોય તો તે સ્થાનિક તંત્ર અને સરકાર માટે શરમજનક વાત કહેવાય.
બીજી બાજુ દેશભરમાં ચાલી રહેલી જી-20 સમિટના બન્ને સેશનના પ્રવાસીઓને ગુજરાત સરકાર આ સ્થળે ફરવા લઈ ગઈ છે. વીસેક જેટલા પ્રવાસીઓ માટે અહીં રોડ-રસ્તા, સાફ-સફાઈ કરવામાં લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ રૂ. 46,000નું બિલ ભરવાની દરકાર લેવામાં આવી ન હતી.
આ સાથે ગુજરાતની જનતાએ ભાજપને 156 બેઠક પર વિજયી બનાવ્યા છે જ્યારે કોંગ્રેસના માત્ર 17 વિધાનસભ્ય ચૂંટાઈ આવ્યા છે, તેમ છતાં તેમણે સક્રિયતા દાખવી છે જ્યારે ભાજપના પ્રતિનિધિઓ સત્તાધારી પક્ષમાં હોવા છતાં આવી સક્રિયતા બતાવી શક્યા નથી.