ડૉ. કુમારપાળ દેસાઈ
સાહિત્યનાં વિવિધ સ્વરૂપો ઉપરાંત ફિલ્મ, નાટક અને ટેલિવિઝનની ધારાવાહિકમાં પોતિકી મૌલિકતાથી આગવી સિદ્ધિ મેળવનાર ધીરુબહેન આજે તો એક અને અદ્વિતીય. મહાત્મા ગાંધીજી પાસેથી સિદ્ધાંતનિષ્ઠા અને રમણ મહર્ષિ પાસેથી અધ્યાત્મભાવ – આ બેનો સાહજિક સુમેળ ધીરુબહેનમાં જોવા મળે. એમના લેખનની શરૂઆત તો ‘ઇલેવન્થ અવર રાઇટર’ તરીકે એટલે કે ‘સંકટ સમયની સાંકળ’ તરીકે થઈ. દેશના આઝાદીના આંદોલન સમયે ૧૯૩૦થી ૧૯૪૨ સુધીમાં એમનાં બા ગંગાબહેન છ-એક વાર કારાવાસ ભોગવી ચૂક્યાં હતાં. એમના પિતા ગોવર્ધનભાઈ ‘બોમ્બે ક્રોનિકલ’ના જાણીતા પત્રકાર. એમણે દોઢ ચોપડી ભણેલાં ગંગાબહેનને અભ્યાસની સઘળી અનુકૂળતા કરી આપી અને પરિણામે તેઓ ખૂબ ભણ્યાં અને અંગ્રેજી, હિંદી, તમિળ જેવી ભાષાઓ પણ શીખ્યાં. ગંગાબહેને ‘સ્મૃતિસાગરને તીરે’ નામે ત્રણ ભાગમાં આત્મકથા પણ લખી.
ગંગાબહેન હિંદુ ી-મંડળની પત્રિકા ચલાવે. પત્રિકાના સંપાદક ગમે ત્યારે એ સામયિકમાં કોઈ સામગ્રી ખૂટે એટલે એમનાં પુત્રી ધીરુબહેન પાસે લખાવતા અને ધીરુબહેન લેખ, વાર્તા, એકાંકી કે બીજું જે કંઈ માગે તે તત્કાળ લખી આપે. આમ ટ્રેનમાં સંકટ સમયની સાંકળ હોય તેમ સંકટ સમયનાં લેખિકા તરીકે એમની કારકિર્દીનો પ્રારંભ થયો.
સામાન્ય રીતે લેખકોને સર્જન કરવા માટે અનુકૂળ સ્થળ અને શાંત વાતાવરણની જરૂર હોય છે. ધીરુબહેને મુંબઈની લોકલ ટ્રેનમાં સેક્ધડ ક્લાસના લેડીઝ ડબ્બામાં બેસીને લખ્યું છે. આજથી ત્રણ દાયકા પહેલાં મુંબઈમાં ઈરાની હોટલની બોલબાલા હતી. ધીરુબહેન ઈરાની હોટેલમાં બેસીને એક લેમન મંગાવે અને પછી લખવા માંડે. એક વાર લખવાના શ્રીગણેશ થાય પછી ટ્રેનનો અવાજ કે શૅરબજાર જેવો ઘોંઘાટ પણ એમના લેખનકાર્યમાં સહેજે ખલેલ પહોંચાડી શકે નહીં. લખતી વખતે ચા-કોફી વગેરે લેવાની કોઈ ટેવ નહીં, માત્ર ઊંચી જાતના કાગળ અને સરસ મજાની પેન જોઈએ.
સર્જકનું સર્જન ભાવકને બ્રહ્માનંદ સહોદર આનંદ આપતું હોય છે, પરંતુ એ સર્જકના સર્જન સમયે કેવી સ્થિતિ હોય છે ? એ લેખનની પીડા કેવી હોય છે ? ધીરુબહેન કહે છે, ‘એ સમયે બહારની દુનિયા સાથેનો સઘળો સંબંધ કપાઈ જાય છે અને જાણે કે હું મરી ગઈ હોઉં એવો અનુભવ થાય છે.’ આમ છતાં ધીરુબહેનની સર્જકતાના ધોધનો પ્રવાહ આશ્ર્ચર્ય પમાડે તેવો છે અને વિશેષ આશ્ર્ચર્ય તો ત્યારે થાય કે એમણે નિજાનંદ માટે જ બાળપણથી આજ સુધી લખેલી કેટલીય કૃતિઓ આજે એમ ને એમ અકબંધ ને અપ્રગટ છે. જે કંઈ પ્રગટ થયું છે, તે તો મિત્રો કે તંત્રીઓના આગ્રહથી કે મેટરની તાકીદની પરિસ્થિતિને વશ થઈને લખાયેલું લખાણ છે.
એક વાર કવિ સુરેશ દલાલના ખારમાં આવેલા ઘરમાં સર્જકો અને વિવેચકો એકઠા થયા. એમની વચ્ચે લઘુનવલ કોને કહેવાય, એનું સ્વરૂપ કેવું હોય અને એ નવલકથાથી કેટલું જુદું પડે એને વિશે સામસામી દલીલબાજી થઈ. પ્રશ્ર્નની લાંબી લાંબી છણાવટથી થાકી ગયેલાં ધીુબહેને સુરેશ દલાલને કહ્યું, ‘લઘુનવલનું સાહિત્ય સ્વરૂપ એટલે શું? એમાં શેનો સમાવેશ થાય અને શેનો ન થાય? એ બધું સમજાવતાં મને ન ફાવે, પણ મારા મનમાં લઘુનવલ એટલે શું એની પાકી પ્રતીતિ છે અને એ હું તમને લઘુનવલ લખીને જ સમજાવીશ.’ અને બન્યું એવું કે પાંચ દિવસમાં તો ધીરુબહેને ‘વાંસનો અંકુર’ લઘુનવલની રચના કરી અને સુરેશ દલાલને વંચાવી પણ ખરી !
એક વાર સમીક્ષક અને પત્રકાર શ્રી કૃષ્ણવીર દીક્ષિત ધીરુબહેનને મળ્યા અને રસ્તાની વચ્ચે ઊભાં રાખીને કહ્યું, ‘મારા અખબાર માટે એક નવલકથાની જરૂર છે.’ અને ધીરુબહેને એમને બૃહત્કાય ‘વડવાનલ’ નવલકથા લખી આપી. એ પોતે એમ માને કે નિજાનંદ માટે લખેલું પ્રગટ કરવાનું હોતું નથી અને એ જ રીતે પ્રગટ થયેલું બધું આનંદ આપનારું હોતું નથી. કોઈ પણ કથા લખવા બેસે, પછી એ ટૂંકી વાર્તા હોય કે નવલકથા હોય, ફિલ્મને માટે હોય કે તખ્તા પર ભજવણીને માટે હોય, પરંતુ એ સમયે તેઓ એમનાં પાત્રો સાથે એટલું તાદાત્મ્ય અનુભવે છે કે એના દુ:ખે એ રડવા લાગે છે અને એના સુખમાં આનંદ માણે છે.
આમ પાત્રોનાં સુખ-દુ:ખની અનુભૂતિ આત્મસાત થાય, પરંતુ સાથોસાથ પાત્રોની શક્તિમર્યાદાને તટસ્થ રીતે મૂલવે પણ ખરાં. સાક્ષીભાવે એ શોધી કાઢે કે પાત્ર ક્યાં ક્યાં ભૂલ કરે છે ? કયા આચરણને કારણે એને કયું દુ:ખ સહન કરવું પડે છે. આમ એ પોતે પાત્રને સર્જે છે અને પછી ઘણી તટસ્થતાથી અને ક્વચિત નિષ્ઠુરતાથી એની ચિકિત્સા પણ કરી શકે છે. પાત્રોનાં સર્જન વખતે એમને પડેલું દુ:ખ જેવું તેવું હોતું નથી. એક તો લેખનની પીડા અને બીજી પાત્રની વેદના. આ બંને ક્યારેક સર્જક ધીરુબહેનને એટલાં બધાં થકવી નાખે છે કે ન પૂછો વાત. ‘વડવાનલ’ના સર્જન વખતે એનાં પાત્રો કરતાં ઓછું દુ:ખ ધીરુબહેનને પડ્યું નથી. આ નવલકથાના સર્જન સમયે એટલો બધો થાક લાગ્યો કે પછી એનો બીજો ભાગ લખવાનું માંડી વાળ્યું.
એમણે લખવાનો પ્રારંભ કર્યો, ત્યારે પોતે જ શેઠ અને પોતે જ વાણોતર. લખાણ લખ્યા પછી પોતે જ એને વિશે નિર્ણય આપે. જો એ લખાણ નબળું લાગે તો નિષ્ઠુરતાથી ફાડી નાખે, થોડો સમય આવું ચાલ્યું પણ એ પછી એમની ‘ઍપ્રેન્ટિસશિપ’ પૂરી થઈ અને હવે તો પહેલું લખાણ એમના મનમાં લખાય છે. પછી મનના એ લખાણની પોતે સમીક્ષા કરે છે અને બરાબર ન લાગે તો એને મનમાં જ ફાડી નાખે છે. આમ આજે તો વાત બરાબર મનમાં જામી જાય પછી જ લખવાનું શરૂ કરે અને એમનું પહેલું લખાણ એ જ આખરી લખાણ. એમાં કોઈ છેકછાક નહીં, ફેરફાર નહીં. સરસ પ્રેસકોપી જ સીધી તૈયાર થઈ જાય.
માત્ર છ-સાત વર્ષનાં હતાં, ત્યારથી ડાયરી લખવાનું શરૂ કર્યું. એમના ઘેર યુગમૂર્તિ વાર્તાકાર ર. વ. દેસાઈ અને ‘મૂછાળી મા’ તરીકે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યના મહાન સર્જક ગિજુભાઈ બધેકા આવતા. તેઓ આ નાની બાલિકા સાથે સાહિત્યની વાતો કરતા. એક વાર એમણે ગિજુભાઈને પૂછ્યું, ‘તમે બધી ચોપડીઓ કાળા રંગમાં જ કેમ છાપો છો ? જુદા જુદા રંગનું લખાણ હોય તો વાંચવાની કેવી મજા પડે!’
આ બાલિકાના પ્રશ્ર્નએ ગિજુભાઈને વિચારતા કરી મૂક્યા અને એમણે નારંગી, ભૂરા, નીલા રંગોની છપાઈ સાથે ‘વાઘોનું વન’ પુસ્તક પ્રગટ કરીને ધીરુબહેનને પ્રસન્ન કરી દીધાં! જેમ દંતકથાના રાક્ષસને રોજ એક ભોગ જોઈએ, તેમ ધીરુબહેનને બાળપણમાં વાંચવા માટે રોજ એક પુસ્તક જોઈતું. પિતાજી સાંજે ઘેર આવે એટલે અચૂક એક પુસ્તક લેતા આવે. ક્યારેક એવું બનતું કે એકે નવી ચોપડી વાંચવા માટે ન હોય, ત્યારે જૂની ચોપડી લઈને ફરી ફરીને વાંચતાં. બાળકોનાં પુસ્તકો ન મળે તો મોટાંઓનાં પુસ્તકો વાંચતાં, પણ વાંચનનાં ભારે રસિયાં. નવ વર્ષની ઉંમરે તો ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ના ચાર ભાગ વાંચી નાખ્યા. આ ઉંમરે બધું સમજાય ક્યાંથી ? એમાંય વળી ‘સરસ્વતીચંદ્ર’માં અંગ્રેજી અને સંસ્કૃત લખાણ પણ આવે. નવ વર્ષનાં ધીરુબહેનને આ જોઈને લેખક પર ચીડ ચડે અને
વિચારે કે આ પુસ્તક ગુજરાતી ભાષાનું છે, એમાં વળી લેખકે બીજી
ભાષા વાપરી જ કેમ?
એ પછી એમણે અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. એનાં ઉત્તમ પુસ્તકો વાંચતી વખતે એમના મનમાં ઘણી વાર વેદના થાય કે મારી ગુજરાતી ભાષામાં આવાં ઉત્તમ પુસ્તકો કેમ નથી ? ગુજરાતી ભાષાના લેખકો કેમ આવું સરસ લખતા નથી? એમને ક્યારેય ભાષાનો વાંક દેખાય નહીં અને ગુજરાતી ભાષા તો સમર્થ છે એવી એમને પહેલેથી જ ખાતરી હતી. અંગ્રેજીના અધ્યાપક હોવાથી અંગ્રેજીમાં લેખનકાર્યનો પ્રારંભ કર્યો. એ સમયે કોલમ દીઠ પૂરા પંદર રૂપિયા મળતા. પુરસ્કાર તો ઘણો સારો હતો, પરંતુ વિવેચક અને સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણીના સૂચનથી એમણે ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું.
આનંદ અને અધ્યાત્મથી જીવનારાં ધીરુબહેનને કોઈ પૂછે કે તમે લગ્ન કેમ નથી કર્યાં ? ત્યારે એમને બાળપણનું એક સ્મરણ તાજું થાય છે.
એ નાનાં હતાં ત્યારે એમના કાકાના દીકરાનો બાબો ખૂબ રડતો હતો. આથી એમનાં પત્નીને પાંચેક વર્ષનાં ધીરુબહેને સવાલ કર્યો, આ તે કેવી ઉપાધિ ?’
ત્યારે ઉત્તર મળ્યો કે, પરણીએ તો આ બધું તો હોય જ.’
પાંચેક વર્ષનાં ધીરુબહેને વળતો પ્રશ્ર્ન કર્યો, ‘તો નહોતું પરણવું જોઈતું.’
ત્યારે એમનાં ભાભીએ કહ્યું, ‘અમે ભૂલ કરી, તમે ન પરણતાં.’ અને પછી તો નાનપણથી ખાતરી થઈ ગઈ હતી કે હું લેખક છું, પછી પરણું શું કામ?
અને સાચે જ જીવનભર એક સર્જકની મોજમસ્તીથી ધીરુબહેન કામ કરતાં રહ્યાં. ક્યારેક બે-બે વર્ષ સુધી લખ્યું ન હોય અને ક્યારેક પાંચ-સાત દિવસમાં આખું પુસ્તક લખાઈ જાય. લખતી વખતે એક પ્રકારનું જોશ અનુભવે. જાણે બહારની કોઈ દુનિયા છે જ નહીં અને પોતે માત્ર એક જ કામ માટે જીવે છે અને તે લેખન માટે. તાવ આવે તો પણ એની ફિકર કર્યા વિના લખ્યા જ કરે. લખતી વખતે મનને એવું ઢીલું મૂકી દે કે જે લખાય તે લખે. એક શબ્દ લખે અને એ પછીના બીજા શબ્દનો મનમાં કોઈ વિચાર હોય નહીં. એ બીજો શબ્દ આવે ત્યારે ધીરુબહેન ખુશખુશાલ થઈ જાય.
‘ભવની ભવાઈ’ ફિલ્મમાં લેખક, સંવાદલેખક અને ગીતકાર એમ ત્રેવડી ભૂમિકા ભજવી. આ ફિલ્મના સંવાદલેખન માટે ધીરુબહેનને પારિતોષિક મળ્યું. કોઈ નાટ્યદિગ્દર્શક આવીને એમ કહે કે કોઈ એક ગીત આપો અને થોડા સમયમાં જ ધીરુબહેન પાસેથી ગીત મળી જાય. ‘ઘેર ઘેર માટીના ચૂલા’ એ ફિલ્મનું સર્જન થતું હતું, ત્યારે એક દિગ્દર્શકે એમાં એક ગઝલ રાખવાનો આગ્રહ રાખીને ધીરુબહેનને ગઝલ લખવાનું કહ્યું. અગાઉ એમણે એકેય ગઝલ લખી નહોતી, પણ પડકાર હોય ત્યારે પાછાં પડે તો ધીરુબહેન શાનાં !
‘જસ્ટ ફોર એ ચેન્જ’ એમણે હાથમાં કલમ પકડી અને માત્ર ગણતરીના કલાકોમાં ગઝલ લખી નાખી. યેશૂદાસના કંઠે ગવાયેલી એ ગઝલ બસ, એક વેળા નજરથી નજર ટકરાય જો તારી નજર, તણખા ઝરે કે ફૂલડાં એ ફેંસલો મંજૂર છે.’ એમને આ ફિલ્મને માટે શ્રેષ્ઠ ગીતકારનો ઍવોર્ડ પણ મળ્યો !
સાધક અને સર્જકમાં એક બાબત સમાન હોય છે. મનમાં એક ચિનગારી પ્રગટે અને જીવન પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ જાય છે. એક વાર પથ્થરથી ભરેલા ખટારા પર ખુલ્લા શરીરવાળા માણસની પરસેવે રેબઝેબ કાળી ચામડી જોઈને ધીરુબહેનને એટલો બધો તાપ લાગ્યો કે કેમેય રહેવાય નહીં ! આજે પણ એ અનુભૂતિને એટલી જ તીવ્રતાથી અનુભવે છે. એ પછી તો તડકામાં શેકાતા ઘણા દરિદ્ર માનવીઓ જોયા, પરંતુ આવી અનુભૂતિ ક્યારેય થઈ નથી. પણ આ ઘટનાએ એમની જીવન પરત્વેની દૃષ્ટિ બદલી નાખી. આજે પોતાના જીવન અને સર્જન બંનેથી તૃપ્ત એવાં ધીરુબહેન કહે છે કે, ‘કશરય વફત બયયક્ષ દયિુ સશક્ષમ જ્ઞિં ળય.’
પોતાના દીર્ઘજીવનના અંતકાળ સુધી ધીરુબહેનની ચેતના એટલી બધી જાગૃત હતી કે જે કોઈ મળવા જાય, તેમની સાથે કલાકો સુધી વાતચીત કરે. ભૂતકાળના અનુભવની કે ભવિષ્યની યોજનાની લથડતી જીભે અને તૂટતા શબ્દો સાથે વાત કરતા હોય ! એ મહાન સર્જકચેતનાને વંદન !
***