મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં ટાઈમ બૉમ્બ મૂકવામાં આવ્યો હોવાની કથિત ધમકી આપનારાને ગુજરાતના મોરબી ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.
બીકેસી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિક્રમસિંહ ઝાલા (૩૪) તરીકે થઈ હતી.
સોશિયલ મીડિયામાં નામના મેળવવા માટે આરોપીએ આવું કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર સ્કૂલના નંબર પર ૧૦ જાન્યુઆરીની સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ આરોપીએ કૉલ કર્યો હતો. ‘મેં તમારી સ્કૂલમાં ટાઈમ બૉમ્બ પ્લાન્ટ કર્યો છે,’ એટલી માહિતી આપી આરોપીએ ફોન કટ કરી નાખ્યો હતો. જોકે થોડી જ મિનિટમાં આરોપીએ ફરી ફોન કર્યો હતો અને પોતાનું નામ ઝાલા વિક્રમસિંહ હોવાનું કહ્યું હતું. હું ગુજરાતમાં રહું છું, આ કૃત્ય કર્યા બાદ પોલીસ તેની ધરપકડ કરશે, જેલમાં નાખશે અને સોશિયલ મીડિયામાં તેનું નામ થશે, એવું જણાવી આરોપીએ ફોન મૂકી દીધો હતો.
આ બાબતે બીકેસી પોલીસને જાણ કરવામાં આવી હતી. બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ની મદદથી શાળા પરિસરમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
દરમિયાન શાળામાં આવેલા ફોનને પોલીસે ટ્રેસ કરી આરોપીને મોરબીથી પકડી પાડ્યો હતો.