ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
સોરઠ દેશ સોહામણો, ચંગાં નર ને નાર
જાણે સ્વર્ગથી ઊતર્યા દેવદેવી અણસાર
આ દુહામાં સોરઠના લોકોનું અને સોહામણા સોરઠનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. પણ એ જ સોરઠ એના સિંહ માટે પણ જાણીતું છે. હરણાં ને સસલાનો શિકાર સહેલો છે, પણ સિંહનો શિકાર કરવો સહેલું નથી. એ અંગે રાજિયાનો દુહો છે:
સસલાં, તેતર, લાર, એને હરકોઈ હાકા કરે
સાવઝના શિકાર, કરવા મુશ્કેલ રાજિયા
ડાલામથ્થો સાવજ પડ્યા રસ્તે ચાલતો નથી. એ તો પોતાનો ચીલો ચાતરે છે.
ચીલે ચીલે ચાલતાં કાયર, બેલ, કપૂત
નીરમે જે નવા ચીલા તે સિંહ, શૂરા ને સપૂત
સિંહણ જેવી જ સૌરાષ્ટ્રની એક ી સ્વતંત્રતા સેનાની એટલે દેવીબહેન પટ્ટણી. વીસમી સદીના આરંભે સાવરકુંડલામાં જન્મેલાં દેવીબહેને ચીલે ચાલવાને બદલે ક્રાંતિ કરીને નોખો ચીલો નીરમેલો. દેવીબહેને મીઠાના સત્યાગ્રહ દરમિયાન ધોલેરામાં સરદાર તરીકે કરેલી. કામગીરી બદલ સ્વતંત્રતા સંગ્રામમાં એમને સોરઠની સિંહણનું બિરુદ મળેલું. દેવીબહેને દારૂબંધી અને વિલાયતી વોના બહિષ્કાર માટે પિકેટિંગ કરેલું. નાકરની લડતમાં પણ એમણે આગળ પડતો ભાગ લીધેલો. આઝાદી આંદોલનમાં એમણે ઘણું પ્રદાન કર્યું, પણ સૌરાષ્ટ્રની સિંહણ તરીકે મશહૂર થઇ ગયાં.
દેવીબહેનનો જન્મ ૧૯૦૨માં સાવરકુંડલામાં. માતા-જમનાબહેન ભટ્ટ. પિતા પ્રભુલાલ પ્રભાશંકર ભટ્ટ. વૈદ્યરાજ હતા. દાદા દીકરીને દેવીનો અવતાર માનતા. એથી પૌત્રીનું નામ દેવી રાખ્યું. દેવીની દીધેલ દીકરી લાડકોડથી ઉછરવા લાગી. ક્ધયાકેળવણીનું ચલણ ન હોવા છતાં એમણે શિક્ષણ મેળવેલું. દેવીબહેનને તો શાળામાં દાખલ પણ કરાયેલાં. એ વખતે એમની ઉંમર છસાત વર્ષની. પણ પહેલે જ દિવસે ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ’માં માનતા એક શિક્ષકે ગુસ્સે થઈને એક બાળકને માર માર્યો. પણ આ ઘટનાની દેવીબહેનના બાળમાનસ પર ઊંડી અસર થઇ. શાળા પરથી એમનું મન ઊઠી ગયું. એમણે ઘેર આવીને શાળાએ જવાનો ઇનકાર કરી દીધો.
પિતા પ્રભુલાલે દેવીબહેન ઘેર બેઠાં શિક્ષણ પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા કરી. શિક્ષક ઘેર આવીને દેવીબહેનને ભણાવવા લાગ્યા. દેવીબહેનને તો અઠ્ઠે દ્વારકા થઇ ગયું. દેવીબહેનમાં શીખવાની ધગશ ઘણી હતી. તેજસ્વી હોવા ઉપરાંત એમની ગ્રહણશક્તિ પણ અદ્ભુત હતી. એમણે જ્ઞાનની ધારામાં ડૂબકી મારીને સઘળું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુજરાતી તો માતૃભાષા હતી, પણ હિંદી, અંગ્રેજી અને સંસ્કૃત પણ શીખ્યાં. મહર્ષિ ધોંડો કેશવ કર્વેના આશ્રમમાં પુણે રહેતાં માસી પાસેથી મરાઠી શીખ્યાં. કોલકાતામાં રહેતાં પિતરાઈ બહેનના પતિ એટલે કે બનેવી પાસેથી બંગાળી શીખ્યાં.
દરમિયાન, પંદર વર્ષની ઉંમરે દેવીબહેનનાં લગ્ન જામનગરના રાજવૈદ્ય ઝંડુ ભટ્ટના સત્તર વર્ષના ભાણેજ ગણપતરાય પટ્ટણી સાથે થયાં. જામનગરમાં દેવીબહેનને સાસરિયે ગાંધીજીનું ‘નવજીવન’ સાપ્તાહિક નિયમિત ટપાલમાં આવતું. દેવીબહેનને એ વાંચવું ખૂબ ગમતું. નવજીવન થકી ગાંધીવિચારનો સંગ થયો. જોતજોતામાં દેવીબહેન ગાંધીરંગે રંગાયાં. ગાંધીજીના ખાદી અંગેનાં વિચારો જાણ્યાં. દેવીબહેને ખાદીનો પોશાક અપનાવવાનો નિર્ણય કર્યો. એ પણ જાતે કાંતીને.
દેવીબહેને રેંટિયો મંગાવ્યો. જાતે સૂતર કાંતીને ખાદીની સાડી તૈયાર કરી. એનું વજન હતું અઢી કિલો. એ સાડી પહેરીને નીકળ્યાં ત્યારે લોકોએ ઠઠ્ઠામશ્કરી કરી. પણ દેવીબહેન ગાંધીવિચારથી સહેજેય ચલિત ન થયાં. એમણે ગાંધીજીને પત્ર લખીને મુલાકાત માટે સમય માગ્યો. ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીનો જવાબ આવ્યો. દેવીબહેન સાબરમતી આશ્રમ પહોંચ્યાં, પણ ગાંધીજી વ્યસ્ત હોવાથી એમને નજીકથી નિહાળીને દર્શન કરીને પાછા ફર્યા.
કાળક્રમે ગણપતરાય મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ ગયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી મામાની ઝંડુ ફાર્મસીમાં નોકરી કરવા લાગ્યા. એમણે દેવીબહેનને પણ મુંબઈ તેડાવી લીધાં. મુંબઈમાં દેવીબહેનની પાંખોને ખુલ્લું આકાશ મળ્યું. તેઓ મોકળાશથી સાર્વજનિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લાગ્યાં. દેશભરમાં સ્વાતંત્ર્ય ચળવળનું વાવાઝોડું આવેલું. દેવીબહેન પણ આંદોલનમાં તણાયાં. કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લીધો. સાયમન કમિશનના વિરોધમાં જોડાયાં. પ્રભાતફેરી અને ચરખાયજ્ઞમાં સામેલ થયાં. પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લીધી.
આ જ અરસામાં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહનું એલાન કર્યું. દેવીબહેનને આઝાદી આંદોલનમાં સહભાગી થવાનો સુવર્ણ અવસર મળ્યો. સૌરાષ્ટ્રમાં ધોલેરા અને વિરમગામમાં લડત કરવાનો નિર્ણય કરાયેલો. ધોલેરાની નેતાગીરી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના નીડર તંત્રી અમૃતલાલ શેઠને સોંપાયેલી. એમણે સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં સૌરાષ્ટ્રના યુવાનોને ધોલેરાના મીઠા સત્યાગ્રહમાં જોડાવાની અપીલ કરેલી. એથી સત્યાગ્રહના સંકલ્પયજ્ઞમાં પોતાની આહુતિ આપવા સૌરાષ્ટ્રના ખમીરવંતાં દેવીબહેન ધોલેરા પહોંચી ગયાં.
ધોલેરા સત્યાગ્રહ માટે ચાર છાવણીઓ નખાઇ. ધંધુકા, રાણપુર, બરવાળા અને ધોલેરામાં. અંદાજે બારસો જેટલા સ્વાતંત્ર્ય સૈનિકો એકત્ર થયેલા. સ્વયંસેવકોને સૌ પ્રથમ રાણપુરની છાવણીમાં બોલાવીને ત્યાંથી સત્યાગ્રહના મુખ્ય સ્થળ એવા ધોલેરા બંદરે પાંચ કે સાતની ટુકડીમાં મોકલવામાં આવતા. શૌર્યગીતો થકી સત્યાગ્રહીઓમાં નવો ઉત્સાહ અને નવો ઉમંગ ભરવાનું કામ થતું. બુલંદીથી ગીતો ગાજતાં.
રણભેરી આ વાગે ક્યાં?… ધોલેરા… ધોલેરા….
ઢોલ ત્રંબાળા ગાજે ક્યાં..?.. ધોલેરા… ધોલેરા…
આ પ્રકારનાં ગીતો સાથે સત્યાગ્રહીઓ મીઠાના કાયદાનો ભંગ કરતાં. પણ અંગ્રેજ અધિકારીઓ પોલીસની મદદથી મીઠું ઉપાડનાર સ્વતંત્રતા સેનાનીઓ પર ત્રાસ ગુજારતા. પરંતુ કાંડું કપાય પણ મીઠાની મુઠ્ઠી ન છૂટે એવું અડગ મનોબળ આ સ્વાતંત્ર્ય સૈનિકોએ કેળવેલું. મરી જવું પણ શરીરમાં ચેતન હોય ત્યાં સુધી મુઠ્ઠી ખોલી મીઠું આપવું નહીં, એ માથા સાટે સાચવવાની વસ્તુ છે, એવો ગાંધીજીનો ઉપદેશ તેમણે આત્મસાત કરી લીધેલો.
મીઠું નહીં, માથું આપવા તૈયાર સત્યાગ્રહીઓ દ્વારા બરવાળામાં સામૂહિક સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો. ઉતાવળી નદીના પટમાં સભાનું આયોજન થયું. તેમાં દેવીબહેને સિંહણગર્જના કરી. તેમણે મીઠાના કાયદાનો ભંગ તો કર્યો જ. બિનજકાતી મીઠાની થેલી સાથે તેમણે બરવાળામાં પ્રવેશ કર્યો.
દેવીબહેનનું પરાક્રમ જોઇને દંગ થઇ ગયેલી સત્યાગ્રહ સમિતએ સરદાર તરીકે એમની નિમણૂક કરી. ધોલેરા સત્યાગ્રહના તેરમા સરદાર તરીકે એમની નિયુક્તિ થઇ, પણ મહિલા સરદાર તો પ્રથમ જ હતાં.
એમના સાહસની વર્તમાનપત્રોમાં પણ નોંધ લેવાઈ. ‘સૌરાષ્ટ્ર’માં સૌરાષ્ટ્રની સિંહણ દેવીબહેન પટ્ટણીની ગર્જના’ અને ‘વંદેમાતરમ્માં સોરઠી સિંહણ દેવીબહેન પટ્ટણી’ના મથાળા હેઠળ એમની કામગીરીને બિરદાવવામાં આવી.
સત્યાગ્રહના ભાગરૂપે દારૂબંધી અને વિદેશી વોના બહિષ્કારના કાર્યક્રમો પણ હાથ ધરાયેલાં. દેવીબહેને એમાં પણ ઝુકાવ્યું. બોટાદમાં વિદેશી કાપડ ખૂબ વેચાતું. સત્યાગ્રહીઓની એક ટુકડી સાથે દેવીબહેન બોટાદ પહોંચી ગયાં. દુકાને દુકાને ફરીને વેપારીઓને વિલાયતી કાપડનું વેચાણ ન કરવા સમજાવ્યા. મોટા ભાગનાં વેપારીઓએ એમની વાત માની. પણ એક વેપારી આડો ફાટ્યો. એથી દેવીબહેને એની દુકાન પર પિકેટિંગ કર્યું. ત્યાં આવતાં ગ્રાહકોને દેવીબહેન પરદેશી કાપડ ન લેવા માટે સમજાવતાં. સમજુ હોય તે સમજી જતાં, પણ ન સમજે તો એની સાન ઠેકાણે લાવવા દેવીબહેન દુકાનની આડે સૂઈ જતાં. પછી કહેતાં ‘તમારે જવું હોય તો મારા માથે પગ મૂકીને જાઓ.’ આમ લોકોને વિલાયતી વ ખરીદતાં અટકાવતાં. દુકાનદાર દુકાનનું પાટિયું પાડે પછી જ પોતાની છાવણીમાં પાછાં ફરતાં.
એ પછી દેવીબહેને ધોળકા તાલુકામાં નાકરની લડત ચલાવી. સરકારે દેવીબહેનની ધરપકડ કરી. એક વર્ષ પછી દેવીબહેન જેલની ચાર દીવાલમાંથી બહાર આવ્યાં.. ૧૧ ફેબ્રુઆરી ૨૦૦૫ના ૧૦૩ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું.
દેવીબહેને સંસારમાંથી વિદાય લીધી, પણ એમનાં જીવન અને કાર્યો જોઇને એવું જરૂર લાગે કે સ્વતંત્રતા કાજે અવતરેલાં સૌરાષ્ટ્રનાં દેવીબહેન ખરેખર તો દેવીનો જ અવતાર હતાં!