નવી દિલ્હી: ‘મિશન અમૃત સરોવર’ હેઠળ ૧૧ મહિનાના ગાળામાં ૪૦,૦૦૦ જળાશયો વિકસાવવાની સિદ્ધિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે ૪૦,૦૦૦ જળાશયોના વિકાસનું કાર્ય જે ઝડપી ગતિએ પાર પાડવામાં આવ્યું એ ‘અમૃતકાળ’ના સંકલ્પોમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. આ સિદ્ધિ દ્વારા ‘મિશન અમૃત સરોવર’નો ૮૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરાયો છે.
જળશક્તિ ખાતાના પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘મિશન અમૃત સરોવર તેનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. છેલ્લા ૧૧ મહિનામાં ૪૦,૦૦૦ અમૃત સરોવરો રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યાં છે. વર્ષ ૨૦૨૩ની ૧૫ ઑગસ્ટ સુધીમાં ૫૦,૦૦૦ અમૃત સરોવરો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.’
ટ્વિટર પર ગજેન્દ્રસિંહ શેખાવતની પોસ્ટના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલી ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘મબલખ અભિનંદન, અત્યંત ઝડપી ગતિએ આખા દેશમાં અમૃત સરોવરો બંધાઈ રહ્યા છે, તેને કારણે ‘અમૃત કાળ’ના સંકલ્પો પૂર્ણ કરવાના કાર્યોમાં નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃૃત મહોત્સવ’ના ભાગ રૂપે ગયા વર્ષની ૨૪ એપ્રિલે ‘મિશન અમૃત સરોવર’નો આરંભ કર્યો હતો. એ મિશનમાં દેશના દરેક જિલ્લામાં ૭૫ જળાશયોના વિકાસ, બાંધકામ અને તેમાં જળસંચારનું કાર્ય હાથ ધરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
આ મિશનમાં આગામી ૧૫ ઑગસ્ટ સુધીમાં લગભગ ૫૦,૦૦૦ સરોવર વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડા પ્રધાને ટ્વિટર પોસ્ટ્સમાં કચ્છમાં પર્યટનના વિકાસ, લદ્દાખમાં માળખાકીય સુવિધાઓના વિકાસ અને અરુણાચલ પ્રદેશમાં સરહદે રોશની ‘ગોલ્ડન જ્યુબિલી બોર્ડર ઇલ્યુમિનેશન પ્રોગ્રામ’ને વખાણ્યા હતા. (એજન્સી)