લોકસાહિત્યકાર દેવાયત ખવડને આખરે શરતી જામીન મળ્યા છે. રાજકોટમાં આવેલા સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા ઉપર દેવાયત ખવડ અને તેના બે સાગરીતે પાઇપ વડે જીવલેણ હુમલો કરવા બદલ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી. દેવાયત ખવડને 6 મહિના સુધી રાજકોટમાં નહીં પ્રવેશવાની શરતે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો. તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટ્યા હતા. જૂની અદાવતનો ખાર રાખી આમ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કાનો રબારી તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં નાસતા ફરતા હુમલાખોર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતો પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા.
જેલ હવાલે રહેલા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતે જામીન મેળવવા રાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી રદ હતી. ગુનામાં તપાસના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી પણ રદ થતા દેવાયત ખવડે હાઇકોર્ટમાં જામીન મુક્ત થવા જામીન અરજી કરી હતી. દેવાયત ખવડને ખૂની હુમલાના ગુનામાં 72 દિવસના જેલવાસ બાદ 6 માસ સુધી રાજકોટમાં નહીં પ્રવેશવાની શરતે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.