ભારતીય સંસ્કૃતિમાં પતિને દેવ તરીકે પૂજવાની પ્રથા છે, પણ આ દેવ ઘણીવાર દાનવ બની રાક્ષસી રૂપ દેખાડે છે. આવો જ કિસ્સો ગુજરાતમાં બન્યો છે. ખેડાના નડિયાદ શહેરમાં ધોળે દિવસે પતિએ ફાયરિંગ કરી પત્નીની સરાજાહેર હત્યા કરી હતી. પત્નીએ પતિ પર ભરણપોષણનો કેસ કર્યો હતો. આ બાબતે જ ઉશ્કેરાયેલા પતિએ જાહેરમાં પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી. ત્યારબાદ આરોપી પતિએ પોતાનું એક્ટિવા પત્ની પર ચઢાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી હતી.
ખેડાના નડિયાદ શહેરમાં રહેતા નિમિષા પરમાર દ્વારા તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો. આ બાબતે જ ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશીપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ જમીન પર ઢળી પડેલી પત્ની પર આરોપીએ પોતાના પાસે રહેલું એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા. મૃતક મહિલાની માતાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.