Homeદેશ વિદેશડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઉછાળો છતાં રૂપિયો ૫૮ પૈસા ઉછળતા સ્થાનિક...

ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઉછાળો છતાં રૂપિયો ૫૮ પૈસા ઉછળતા સ્થાનિક સોનામાં રૂ. ચારનો મામૂલી સુધારો, ચાંદી રૂ. ૩૩૭ વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવમાં ૦.૪ ટકાનો અને વાયદામાં ૦.૫ ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ ૦.૮ ટકા વધી આવ્યા હતા. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ૫૮ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ મામૂલી રૂ. ૩થી ૪નો સુધારો આવ્યો હતો. જોકે, ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૩૭ વધી આવ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નીચા મથાળેથી સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૩૭ ઉછળીને ફરી રૂ. ૬૪,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૬૪,૦૪૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્વિક સોનામાં પ્રોત્સાહક વલણ છતાં સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો મજબૂત થવા ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નિરસ માગ ઉપરાંત પ્રવર્તમાન હોળાષ્ટકને કારણે રિટેલ સ્તરની લેવાલી પણ અત્યંત પાંખી રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૫૫,૮૬૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ચાર વધીને રૂ. ૫૬,૦૯૧ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવા ઉપરાંત થોડાઘણાં અંશે વેચાણો કપાવાથી હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૮૪૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૧૮૪૯.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સેવાઈ રહી હોવાથી રોકાણકારો સોનામાં નવી લેવાલીથી દૂર રહ્યા હોવાથી ભાવવધારો મર્યાદિત રહ્યો હોવા છતાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સોનાના વૈશ્વિક  ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧.૮ ટકા જેટલો સુધારો આવ્યો હતો. આ ઉપરાંત આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર આજે ડૉલર ઈન્ડેક્સમાં ૦.૨ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગત જાન્યુઆરી પછી પહેલી વખત ડૉલરમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. અમેરિકી ફેડરલના વ્યાજવધારાની અર્થતંત્ર પર માઠી અસરો વર્તમાન વસંતઋતુ આસપાસથી શરૂ થઈ શકે છે અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવા માટે મક્કમ હોવાનું એટલાન્ટા ફેડનાં પ્રમુખ રાફેલ બોસ્ટિકે ગઈકાલે જણાવ્યું હતું. વધુમાં અમેરિકા ખાતે બેરોજગારી ભથ્થું મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યામાં ઘટાડો થવાથી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી વ્યાજદર ઊંચી સપાટીએ રાખે તેવી શક્યતા પણ પ્રબળ બની હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -