નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ તાજેતરમાં 2000 રૂપિયાની સૌથી મોટી ચલણી નોટ પર મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની નોટ કાયદાકીય રીતે ચલણી રહેશે, પરંતુ સર્ક્યુલેશનમાંથી બાકાત રાખવામાં આવી છે. જોકે, લોકોએ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરવાની રહેશે.
જોકે, લોકોએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે એક સાથે વધુમાં વધુ 2,000 રૂપિયાની નોટો બદલી શકાય છે અને આ પ્રક્રિયા 23મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.
ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને સલાહ આપી છે કે બે હજાર રુપિયાની નોટને તાત્કાલિક ધોરણે જારી નહીં કરવાનો આદેશ આપ્યો છે. ક્લીન નોટ પોલિસી અન્વયે રિર્ઝવ બેંકે આ નિર્ણય લીધો છે. રિઝર્વે બેંકે 2016 નવેમ્બરમાં નોટબંધીનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ 2000 રુપિયાની નોટને બહાર પાડી હતી.
રિઝર્વ બેંકે પોતાના વાર્ષિક અહેવાલમાં 2,000 રુપિયાની નોટને લઈ સૌથી મોટી જાહેરાત કરી હતી. આરબીઆઈના અહેવાલ અનુસાર 2019-20, 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2,000 રુપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી, તેથી માર્કેટમાં 2,000 રુપિયાની નોટનું સર્ક્યુલેશન ઓછું થયું હતું.
જોકે, છેલ્લા કેટલાક મહિનાથી માર્કેટમાંથી 2,000 રુપિયાની નોટ જોવા મળતી નથી, જ્યારે એટીએમમાંથી પણ નોટ નીકળતી નથી. જનતાની ફરિયાદ વધ્યા પછી કેન્દ્ર સરકારે આ મુદ્દે જાહેરાત કરી હતી.