કોમોડિટી -રમેશ ગોહિલ
ગત સપ્તાહે અમેરિકાના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવા આશાવાદ સાથે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. જોકે ભાવમાં તેજીનો અન્ડરટોન રહેવાને કારણે ભારત સહિતની એશિયન બજારોમાં સોનામાં ઊંચા મથાળેથી માગ અટકી હતી. જોકે સ્થાનિકમાં વિતેલા સપ્તાહ દરમિયાન સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૯ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ છતાં સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૭નો સુધારો આગળ ધપ્યો હતો. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૩મી જાન્યુઆરીના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬,૮૮૩ના બંધ સામે નરમાઈના ટોને રૂ. ૫૬,૮૧૪ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૬,૬૦૫ના મથાળે રહ્યા બાદ અંતે રૂ. ૫૭,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૫૭,૦૫૦ના મથાળે બંધ રહ્યા હતા.
એકંદરે સપ્તાહ દરમિયાન સ્થાનિકમાં સોનાના ભાવમાં મક્કમથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી ખાસ કરીને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલી અટકી હતી અને છૂટીછવાઈ પ્રવર્તમાન લગ્નસરાની માગ જોવા મળી હતી. તેમાં પણ ખાસ કરીને જૂના સોનામાં વેચવાલીનું દબાણ વધુ જોવા મળ્યું હતું. તાજેતરમાં સોનાના ભાવમાં તેજીનું વલણ રહેતું હોવાથી દેશમાં દાણચોરીથી સોનાની આયાતના પ્રમાણમાં વધારો થયો છે અને દાણચોરીથી થતી આયાત અટકાવવા માટે આગામી ફેબ્રુઆરી મહિનામાં અંદાજપત્રમાં સરકાર સોના પરની આયાત જકાતમાં ઘટાડો કરે તેવો આશાવાદ જ્વેલરી ઉત્પાદકો રાખી રહ્યા હોવાનું નવી દિલ્હીસ્થિત એક ડીલરે જણાવ્યું હતું. જોકે નિરસ માગને કારણે ગત સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૪ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાના અહેવાલ હતા.નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૩૫ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ૨૧ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી સુધી લ્યૂનાર નવા વર્ષની રજાઓ હોવાથી ગત સપ્તાહે બજારમાં કામકાજો સુસ્ત હતાં. તેમ જ ગત સપ્તાહે સોનાના ભાવમાં વધારો નોંધાયો હોવાને કારણે ચીન ખાતે માગ મંદ પડી હતી અને ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૯થી ૨૦ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા.
જોકે આ પૂર્વેના સપ્તાહે પ્રીમિયમની સપાટી ઔંસદીઠ ૩૦ ડૉલર આસપાસની રહી હતી. વધુમાં ગત સપ્તાહે ઊંચા મથાળેથી ખાસ કરીને ચીન અને હૉંગકૉંગમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું હોવાનું ગ્રેટર ચાઈના સ્થિત ગોલ્ડસિલ્વર સેન્ટ્રલના મૅનૅજિંગ ડિરેક્ટર બ્રિઆન લૉને જણાવ્યું હતું. ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ૦.૨ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવા છતાં સાપ્તાહિક ધોરણે ભાવમાં ૦.૪ ટકા જેટલો સુધારો આવ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવા આશાવાદે સોનાની તેજીને ઈંધણ પૂરું પાડ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૩૧ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી એમ બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.
એકંદરે ગત સપ્તાહે અમેરિકા ખાતે ફુગાવામાં થયેલા ઘટાડાની સાથે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં ઘટાડો તેમ જ સપ્તાહના અંતે જાહેર થયેલા બેરોજગારીના ડેટામાં બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યામાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળતાં ફેડરલ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવી શક્યતા પ્રબળ બની હતી. વધુમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ ફુગાવામાં ઘટાડા સાથે વ્યાજદરમાં ઓછો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો સેવી રહ્યા હોવાથી સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહે સોનાના વૈશ્ર્વિક ભાવ માટે ઔંસદીઠ ૧૯૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટી તો ભાવ વધીને ૧૯૮૦થી ૨૦૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવની રેન્જ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫,૦૦૦થી ૫૭,૫૦૦ આસપાસની રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાના રોજગારીના ડેટા મજબૂત આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આવ્યો હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી સાધારણ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૨૮.૦૬ ડૉલર આસપાસ રહ્યા હતા. જોકે તે પૂર્વે એક તબક્કે ભાવ વધીને ગત ૨૨ એપ્રિલ પછીની સૌથી ઊંચી ૧૯૩૭.૪૯ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૨ ટકાના સુધારા સાથે ૧૯૨૮.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.