દિલ્હીની મેટ્રો ટ્રાવેલ ટાઈમ કે સુવિધાને કારણે જેટલી ચર્ચામાં નહીં રહેતી હોય એટલી તો આ ટ્રેનમાં બનાવવામાં આવેલા વીડિયો અને કરવામાં આવેલી ઉટપટાંગ હરકતોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી, કેટલાક ઈન્ફ્લ્યુઅન્સર દિલ્હી મેટ્રો ટ્રેનની અંદર ઇન્સ્ટાગ્રામ રીલ બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. મજાની વાત તો એ છે કે લોકો આવા વીડિયોને પસંદ પણ કરે છે.
બિકીની અને શોર્ટ ડ્રેસમાં મેટ્રોમાં મુસાફરી કરતી યુવતીનો વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા લોકોને તેમની અનૈતિક પ્રવૃત્તિઓથી અન્ય પ્રવાસીઓને પરેશાન ન કરવા વિનંતી કરી હતી. ત્યાર બાદ એક નવો જ ત્રાસ શરૂ થઈ ગયો અને લોકો ડાન્સ કરતાં વીડિયો આ મેટ્રો ટ્રેનમાં બનાવવા લાગ્યા છે, પણ આ વીડિયોને કારણે પણ પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે અને લોકો પ્રશાસન સમક્ષ આ બાબતની ફરિયાદ કરી રહ્યા છે.
ડીએમઆરસીએ ટ્વિટર પર વારંવાર ટ્વીટ કરીને લોકોને આવું નહીં કરવા માટે જાગરૂક કર્યા છે અને પ્રવાસીઓને પણ વિનંતી કરી છે કે તેઓ દિલ્હી મેટ્રો ટ્રેનની અંદર લોકોને અસુવિધા થાય એવા વીડિયો ન બનાવવાની અપીલ કરી છે. ગયા સોમવારે આવી જ એક ટ્વીટમાં, DMRCએ ફરી એકવાર મુસાફરોને લોકપ્રિય મીમ ટેમ્પલેટ સાથે દિલ્હી મેટ્રો ટ્રેનની અંદર વીડિયો શૂટ ન કરવા જણાવ્યું હતું.
मेट्रो में Travel करें Trouble नहीं #DelhiMetro pic.twitter.com/UwVfQmo9aH
— Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) April 24, 2023
ડીએમઆરસી દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે “મેટ્રોમાં મુસાફરી કરો, લોકોને ત્રાસ નહીં આપો…” ડીએમઆરસીએ વિવિધ પ્રકારના માથાનો દુખાવો અને તેના કારણો દર્શાવતી મીમ પોસ્ટ કરી હતી.
જોકે, આ પહેલી વખત નથી ડીએમઆરસી દ્વારા આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી હોય. આ પહેલાં પણ આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી હતી. ડીએમઆરસીની પોસ્ટ પર કમેન્ટ કરતાં એક યુઝરે ટિપ્પણી કરી હતી કે ‘હું મેટ્રોનો નિયમિત ઉપયોગ કરું છું, હું જાણું છું કે કેટલીકવાર લોકો સાથી મુસાફરો પ્રત્યે ખૂબ જ અસંવેદનશીલ હોય છે.’ ફેબ્રુઆરીમાં, ડીએમઆરસીએ લોકોને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રીલ અથવા ડાન્સ ન કરવા જણાવ્યું હતું.
પોસ્ટમાં ફન એલિમન્ટ ઉમેરવા માટે ડીએમઆરસીએ એવું પણ કહ્યું હતું કે ડાન્સ ઈઝ ફન બટ, દિલ્હી મેટ્રો મેં ના- નાચો નાચો નાચો…’