ભાજપ અને આમઆદમી પાર્ટી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલાં સંઘર્ષનો અંત આવ્યો છે અને દિલ્હી મ્યુનિસપલ કોર્પોરેશનના મેયર પદ બાબતે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આપનાં શૈલી ઓબેરોયને મેયર તરીકે ચૂંટવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના મેયર પદ માટેના ઉમેદવાર ડૉ. શૈલી ઓબેરોયને 150 મત મળ્યા હતા, જ્યારે ભાજપનાં ઉમેદવાર રેખા ગુપ્તાને 116 વોટ મળ્યા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણી માટે કુલ 266 વોટ પડ્યા હતા.
મેયરની ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ગૃહમાં શૈલી ઓબેરોય ઝિંદાબાદના નારા લાગ્યા હતા એટલે પહેલાંથી જ દિલ્હીના મેયર પદ પર AAPની જીત નિશ્ચિત હતી એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત અંગે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ નવા ચૂંટાયેલા મેયર ડૉ. શૈલી ઓબેરોયને અભિનંદન આપ્યા અને તમામ AAP કાઉન્સિલરો અને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા.
મેયર પદની ચૂંટણી કરાવવા માટેના ત્રણ નિષ્ફળ પ્રયાસો બાદ બુધવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરી એકવાર ચૂંટણી યોજાઈ હતી. મેયર પદ માટે AAPના શૈલી ઓબેરોય અને BJPના રેખા ગુપ્તા મુખ્ય દાવેદાર હતા.
દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પર, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે આખરે ગુંડાઓનો પરાજય થયો અને જનતાનો વિજય થયો. આ સાથે જ તેમણે દિલ્હી મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના મેયર બનવા પર તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.
દિલ્હીના મેયરની ચૂંટણી માટે સવારે 11.30 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. મતદાન 2 કલાકથી વધુ ચાલ્યું હતું. કુલ 10 નામાંકિત સાંસદો, 14 નામાંકિત ધારાસભ્યો અને દિલ્હીના 250 ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી 241એ મેયરની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.
કોંગ્રેસના આ કાઉન્સિલરોએ મતદાન કર્યું ન હતું, જેમાં મનમીત સિંહ, અરીબા ખાન, નાઝિયા દાનિશ, શગુફતા ચૌધરી, ઝાહિદ, શબીલા બેગમ અને નાઝિયા ખાતૂનનો સમાવેશ થાય છે.