નવી દિલ્હીઃ દિલ્હીના કંજાવાલા કેસમાં દરરોજ નવા નવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળી રહ્યા છે અને આવા જ એક નવા ટ્વીસ્ટની વાત કરીએ તો નિધી બાદ હવે અંજલિનો એક બીજો મિત્ર સામે આવ્યો છે અને તેણે હવે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.
અત્યાર સુધી નિધીના નિવેદનો કેસની દિશા બદલવાનું કામ કરી રહ્યા હતા હવે આ નવા મિત્રએ જે ખુલાસા કર્યા છે એ ખરેખર ચોંકાવનારા છે. આ નવા મિત્રના કહેવા પ્રમાણે નિધી અને અંજલિ વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો.
અંજલિના આ નવા મિત્રએ કહ્યું હતું કે એ દિવસે અંજલિએ મને ફોન કરીને ત્યાં બોલાવ્યો હતો. હું નહીં ગયો તો તેણે છોકરાઓને મોકલાવીને મને ત્યાં બોલાવ્યો હતો. પહેલાંથી જ ત્યાં બે રુમ બુક હતા. એક રુમમાં અમારા કેટલાક મિત્રો બેઠા હતા જ્યારે બીજા રુમમાં અંજલિ અને નિધિ હતા. અમે બધા સાથે બેસીને બિયર પી રહ્યા હતા. પછી અંજલિ અને નિધિ વચ્ચે ઝઘડો શરુ થયો. નિધિ અંજલિ પાસેથી પોતાના પૈસા માગી રહી હતી. બંને વચ્ચે હાથાપાઈ થઈ. અંદાજે રાતે દોઢેક વાગ્યાની આસપાસ અંજલિ ત્યાંથી નીકળી ગઈ હતી. હું ત્યાર પછી ત્યાંથી નીકળ્યો હતો. મને અંજલિના મૃત્યુની જાણ સમાચાર જોઈને જ થઈ હતી.