હવે તેમને CBIનો સામનો કરવો પડશે
બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને હવે કેન્દ્રીય તપાસ એજન્સી CBIના પ્રશ્નોનો સામનો કરવો પડશે. દિલ્હી હાઈકોર્ટે તેજસ્વી યાદવને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આરજેડી નેતાને સીબીઆઈ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે Land for Job scam (જમીનના બદલામાં નોકરી કૌભાંડ)ના મામલામાં સીબીઆઈએ લાલુ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવને સમન્સ મોકલ્યા હતા. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે સીબીઆઈના સમન્સ સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમના વકીલે સીબીઆઈના સમન્સ પર સ્ટે માંગ્યો હતો. આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આરજેડી નેતા વતી હાજર રહેલા વકીલે તેજસ્વીની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. વકીલે કહ્યું હતું કે જો તેજસ્વી યાદવ સીબીઆઈ સમક્ષ હાજર થાય તો તેમની ધરપકડ થઈ શકે છે.
આ પછી સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સીબીઆઈએ ખાતરી આપી હતી કે હાલમાં તેની ધરપકડ માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી. તપાસ એજન્સીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ (તેજસ્વી યાદવ) હાજર થાય કારણ કે અમારે તેમને કેટલાક દસ્તાવેજો બતાવવાના છે. સીબીઆઈએ કહ્યું હતું કે આ મામલામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેજસ્વી યાદવ ઉપસ્થિત રહેશે તો કામ નહીં થાય. તેમણે અમારી સમક્ષ ઉપસ્થિત થવું પડશે.