દિલ્હી હાઈકોર્ટે આઠ મહિનાની ગર્ભવતી મહિલાને 33 અઠવાડિયાના ગર્ભને પાડવાની મંજૂરી આપી છે. કોર્ટે આ નિર્ણય અનેક કારણોસર આપ્યો છે. આ કિસ્સામાં, ગર્ભમાંના બાળકના મગજની ગંભીર વિકૃતિઓની હોવાનું એમઆરઆઈમાં જાણવા મળ્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગર્ભની અસામાન્યતાઓ સાથે સંકળાયેલા ગર્ભાવસ્થાના કેસમાં માતાનો અંતિમ નિર્ણય હોવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ગર્ભપાતના મામલામાં કોર્ટની મદદ માટે મેડિકલ બોર્ડનો અભિપ્રાય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા કિસ્સાઓમાં તેઓએ માતાની પસંદગી અને “હજી સુધી નહીં જનમેલા બાળક માટે ગૌરવપૂર્ણ જીવનની શક્યતા” બંનેને ધ્યાનમાં લેવી જોઇએ.
આ કેસની વિગત મુજબ આઠ મહિનાની ગર્ભવતી મહિલાએ ગર્ભમાંના બાળકના મગજની ગંભીર વિકૃતિઓને કારણે ગર્ભ પડાવવાની મંજૂરી માગી હતી. જીટીબી હોસ્પિટલે મહિલાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની વિનંતીને નકારી કાઢી હતી. આ પછી મહિલાએ ગયા અઠવાડિયે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારની હાલની સગર્ભાવસ્થાની ઉંમર અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ હતી, તેથી હોસ્પિટલમાં ગર્ભપાત કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટે કેસની વિગતો પર ધ્યાન આપીને ગર્ભવતી મહિલાને તેના ગર્ભને પડાવવાની મંજૂરી આપી હતી. ભારતમાં સંશોધિત મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ મુજબ, ગર્ભપાતનો સમય 24 અઠવાડિયા છે.
સપ્ટેમ્બર 2021માં અમલમાં આવેલા મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ અનુસાર દેશમાં અમુક કેટેગરીની મહિલાઓ માટે ગર્ભપાતની મર્યાદા 20થી વધારીને હવે 24 અઠવાડિયા કરવામાં આવી છે.