આરોપીઓએ સોમવારે રાત્રે 12.05 વાગ્યે પીસીઆર કોલ કરીને અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી. કોલ બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી અને તેને ઓળખી કાઢ્યો હતો. થોડી જ વારમાં તેને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનાર 38 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ હતો. આરોપીનું નામ જય પ્રકાશ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ મોડી રાત્રે દિલ્હી પોલીસને ફોન કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ધમકી આપી હતી. જેના પગલે પોલીસને એલર્ટ કરવામાં આવી હતી અને આરોપીની શોધખોળ શરૂ થઇ હતી. ત્યાર બાદ ખબર પડી કે તે મુંડકાનો રહેવાસી હતો. પોલીસે એમ પણ જણાવ્યું કે તેને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી. કદાચ તે મનોરોગી છે અને દિલ્હીના ગુલાબી બાગમાં સારવાર હેઠળ છે. જોકે પોલીસ ટુકડી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે અસામાજિક તત્વોએ આ પહેલા પણ વર્ષ 2019માં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર હુમલાની ધમકી આપી હતી. સીએમ કેજરીવાલની ઓફિસને એક અનામી મેઈલ આઈડી પરથી બે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. તેમાં પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
જોકે, આ કેસમાં પોલીસ આ વ્યક્તિની અટકાયત કરશે કે નહીં તે અંગે કંઈ સ્પષ્ટ થયું નથી. આરોપીની માનસિક સ્થિતિ જોતાં વધુ તપાસ થાય તેવી શક્યતા નથી.