રાજ્ય સરકારે જનતાને આપવાની પાયાની સુવિધામા આરોગ્ય સૌથી પહેલા સ્થાને આવે. સરકાર સુવિધાઓ ઊભી કરે પણ જો જનતાને યોગ્ય સમયે કામ જ આવે તો તે પૈસાનો વ્યય થયો ગણાય. ગુજરાતમાં આવું જ કંઈક બન્યું છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ચાર વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરેલી અને બે વર્ષથી તૈયાર થઈ ગયેલી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કેટલાક સમયથી અટવાયું છે.
બે માળની અદ્યતન સુવિધાઓ સાથે બનેલ સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગનું વિધિવત લોકાર્પણ માટે તંત્રને કોઈ શુભમુહૂર્ત ન મળતું હોય તેવી સ્થિતિ છે. 305 જેટલા ગામોની અંદાજીત સાડા ત્રણ લાખ જેટલી વસ્તી ધરાવતાં ડેડીયાપાડા તાલુકામાં લોકોને આરોગ્યની સુવિધાઓ ખૂબ જ ઓછી મળે છે. આદિવાસી બેલ્ટમાં આવી સુવિધાની જરૂર છે. પણ આનો લાભ જનતાને મળી રહ્યો નથી. અહીં અમુક સેવાઓ ચાલુ છે, પરંતુ પૂરતી સેવાઓ ન મળતા લોકોએ બીમારીમાં પણ આસપાસના શહેરોમાં ધક્કા ખાવા પડે છે.
અદ્યતન સાધનો જેવા કે એક્સ રે મશીન, અદ્યતન લેબોરેટરી, અદ્યતન બેડ વગેરે જેવી સુવિધા હોસ્પિટલમાં આપવામાં તો આવી છે. પરંતુ આ સાધનોને ચલાવવા માટે યોગ્ય તાલીમબદ્ધ ટેક્નિશિયનની ભરતી ન કરાતાં આ સાધનો હાલ તો ધૂળ ખાતા નજરે પડે છે. તો બીજી બાજુ અધિક્ષક વર્ગ -1 અને વર્ગ -2 સહિતના તજજ્ઞ ડોકટર તેમજ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે. પૂરતા ડોક્ટરો તેમજ સાધનોના અભાવે વર્ષોથી ડેડીયાપાડા તાલુકાના દર્દીઓને રાજપીપળા કે ઝઘડીયા રીફર કરી દેવામાં આવે છે.
અહીં હાલમાં ચાલતી 50 બેડની જૂની સિવિલ હોસ્પિટલમાં પણ ઘણી જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરવામાં આવે અને નવી હોસ્પિટલની સેવાઓ પણ લોકો વહેલાસર મળે તે માટે આપના વિધાનસભ્ય ચૈતર વસાવાએ ચૂંટાતાની સાથે જ સરકાર અને સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, પરંતુ લોકપ્રતિનિધિનું પણ ગણકારવામા આવતું નથી. જનતાના કરવેરાથી આટલા મોટા ખર્ચે બનાવેલી હોસ્પિટલ જનતાના જ કામે ન આવે તો શું ફાયદો