આમ તો ભાજપ કેન્દ્ર અને રાજ્યમાં સત્તાપક્ષે છે જ્યારે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પક્ષના પાંચ વિધાનસભ્ય ચૂંટાયા છે, પરંતુ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આપના વિધાનસભ્ય ચૈતરવસાવા વિજયી બનતા જ કામે લાગી ગયા છે. જોકે અહીં આદિવાસી વસતિ મોટા પ્રમાણમાં છે અને હજુ પ્રજા પાયાની સુવિધાઓથી વંચિત છે. અહીં કેન્દ્ર સરકારની યોજના મનરેગાના કામને લઈને ભારે નારાજગી છે. એક તો સરકારે ચાલુ બજેટમાં મનરેગા માટે નાણાંની ફાળવણીમાં કાપ મૂક્યો છે. ત્યારે હાલમાં ચાલી રહેલા કામમાં પણ અધિકારીઓ દાંડાઈ બતાવતા હોવાની ફરિયાદો થઈ રહી છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ બંધ થઇ ગયેલાં કામો ફરી ચાલુ કરાવી સ્થાનિકોને રોજગારી આપવા બાબતે ધારાસભ્ય ચેતર વસાવાએ દિશા મોનિટરિંગ સમિતિની બેઠકમાં માગણી કરી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની રાજપીપળા ખાતે મોનિટરિંગ સમિતિની બેઠક મળી હતી. જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતાં. આ સાથે સાંસદે પણ પોતાના મતવિસ્તારમાં અટકી પડેલા કામ માટે અધિકારીઓને ઝાટક્યા હોવાની માહિતી મળે છે.
દેડિયાપાડા વિસ્તારમાં કામો છેલ્લા કેટલાક સમયથી બંધ છે જે ચાલુ કરવામાં આવે તેવી માંગણી તેમણે બેઠકમાં કરી હતી. આ ઉપરાંત વન અધિકાર હક દાવાઓનો જલ્દી નિકાલ થાય સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ જલ્દી કરવામાં આવે તેમજ પૂરતા નવા ડૉક્ટરોનો સ્ટાફ મુકવામાં આવે તેવી માગ તેમણે કરી હતી.
સાપુતારાથી ઝરવાણી કોરિડોર માટે બોરદાથી પાટલામડું વિસ્તારમાં કામગીરી ચાલુ છે. પરંતુ જેમની જમીન આ રસ્તામાં જાય છે તેવા ખેડૂતોને મળનાર વળતર અંગે તેઓ મુંઝવણમાં છે ત્યારે ખેડૂતોને વિશ્વાસમાં લઈ કામગીરી કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું. ખેતીવાડી વીજ કનેક્શનની જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે તેમનો નિકાલ કરવો, નલ સે જલ યોજનામાં 165 જેટલા ગામોમાં યોજના પૂર્ણ બતાવવામાં આવી પરંતુ 20 ગામો એવા હશે જેમાં માંડ પાણી આવતું હશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.