સુપ્રીમ કોર્ટે નોટબંધી પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે નવેમ્બર 2016માં કેન્દ્ર સરકારે કરેલી નોટબંધીને માન્ય ગણાવી છે. સુપ્રીમ કોર્ટે તમામ 58 અરજીઓ પણ ફગાવી દીધી છે. પાંચ જજની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે આ નિર્ણય વહીવટીતંત્રની આર્થિક નીતિનો ભાગ હોવાથી તેને રદ કરી શકાય નહીં. 8 નવેમ્બર 2016ના નોટિફિકેશનમાં કઈ અયોગ્ય જોવા મળ્યું નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. આ પ્રકારનું પગલું ભરવા માટે બંને વચ્ચે સંકલન હતું. કોર્ટે કહ્યું છે કે નોટબંધીની પ્રક્રિયામાં કોઈ ગડબડ થઇ નથી.
અગાઉ, 7 ડિસેમ્બરેના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ને 2016 ના ચુકાદાથી સંબંધિત તમામ રેકોર્ડ કોર્ટને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. ચુકાદો આપનાર બેન્ચમાં જસ્ટિસ બીઆર ગવઈ, એએસ બોપન્ના, વી રામસુબ્રમણ્યમ અને બી વી નાગરત્નનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટ 8 નવેમ્બર, 2016ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર કોર્ટે સુનાવણી કરી હતી. આ અરજીઓ પર સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ ચિદમ્બરમે દલીલ કરી હતી કે રૂ. 500 અને રૂ. 1,000ની ચલણી નોટોની નોટબંધીનો નિર્ણય ગંભીર રીતે ખામીયુક્ત હતો, સરકાર કાનૂની ટેન્ડર સંબંધિત કોઈ ઠરાવ પોતાની રીતે શરૂ કરી શકે નહીં. આ RBIના સેન્ટ્રલ બોર્ડની ભલામણ પર જ થઈ શકે છે.
સરકાર પક્ષે કહ્યું હતું કે કોર્ટ આવા કેસનો નિર્ણય લઈ શકતી નથી જ્યારે ‘ઘડિયાળના કાંટા પાછળ’ ફેરવીને કોઈ નોંધપાત્ર રાહત આપી શકાતી નથી.