ઇંટરવલ: સૌથી મોટું સત્ય એ છે કે બને તો અસત્ય ના બોલવું!
મિજાજ મસ્તી સંજય છેલ
(છેલવાણી)
એક દરિયાઇ જહાજમાં,ચાર્લી નામનો ખૂબ મહેનતુ ને ડાહ્યો ખલાસી. બિચારાએ જીવનમાં પહેલીવાર દારૂ પીધો ને એ થોડો બહેકી ગયો, થોડી ધમાલ કરી. બીજા દિવસે એણે જહાજના રજિસ્ટરમાં જોયું, તો જહાજના કેપ્ટને રિમાર્ક લખેલી- ‘ચાર્લી આજે નશામાં હતો.’
ચાર્લી, રડતાં રડતાં કેપ્ટન પાસે ગયો ને કહ્યું: ‘સર, મેં પહેલી ને છેલ્લીવાર દારૂ પીધો હતો. હવે આવું ફરી નહીં થાય. પ્લીઝ, તમારા રિમાર્કમાં એક વધારાની નોંધ લખી દો કે ચાર્લીએ પહેલી વખત દારૂ પીધો હતો, નહીંતર મારી છાપ દારૂડિયાની પડી જશે ને મારી નોકરી જાશે!’
કેપ્ટનને દુ:ખ તો થયું પણ એમણે કહ્યું: ‘સોરી ચાર્લી, રજિસ્ટરમાં એકવાર એન્ટ્રી થઇ જાય પછી એમાં છેકછાક ના થાય. હવે એમાં કંઇ બદલાશે નહીં.’
થોડા દિવસ પછી રજિસ્ટર લખવાનું કામ ચાર્લીને મળ્યું, ત્યારે એણે જોયું કે કેપ્ટન બહુ મહેનતથી કામ કરી રહ્યો હતો છતાં પણ ચાર્લીએ જાણી જોઇને રજિસ્ટરમાં માત્ર મોઘમ પણ સ્માર્ટ રિમાર્ક લખી: “આજે કેપ્ટન નશામાં નથી આને કહેવાય સ્માર્ટ બદલો! આમ જુઓ તો ટેકનિકલી ચાર્લી સાચો હતો કે ‘કેપ્ટન આજે નશામાં નથી…’ પણ એનો અર્થ એમ પણ થઇ શકે કે બાકીના દિવસે એ નશામાં હોય છે!
આ જોક પરથી આપણને બોધ મળે છે કે- ‘જીવનમાં સંપૂર્ણ સત્ય જેવું કશું હોતું જ નથી, બધું અર્ધસત્ય જ હોય છે’ મહાભારતના યુદ્ધમાં ‘અશ્ર્વત્થામા મરાયો’ની બૂમો સાંભળીને ગુરુ દ્રોણ હલી ગયેલા કારણકે એમના પુત્રનું નામ અશ્વત્થામા હતું અને હકીકતમાં મરાયેલો અશ્ર્વત્થામા નામનો હાથી! દ્રોણૈ ખાતરી કરવા ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછ્યું ત્યારે સત્યવાદીની ઇમેજવાળા યુધિષ્ઠિરે સ્માર્ટલી કહ્યું: ‘હા, અશ્ર્વત્થામા મરાયો છે’…ને પછી ધીમેથી કહ્યું: ‘નરો વા કુંજરો વા’ (એટલે કે હાથી કે મનુષ્ય કોઇપણ હોઇ શકે!) આ ક્લાસિક અર્ધસત્ય છે- જે આપણા નેતાઓ, માર્કેટિંગવાળાઓ, વીમા-પોલિસી વહેંચનારાઓને ખૂબ સારી રીતે આવડે છે.
ખરેખર તો અડધું સત્ય કહેવું એ જ એમના જીવનનું પૂર્ણ
સત્ય છે!
ઇંટરવલ:
મોસે છલ કિયે જાયે, હાય રે હાય,
દેખો, સૈંયા બેઇમાન! (શૈલેંદ્ર)
હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ, એવરેજ માણસ પ્રમાણિક હોવા છતાં, નિયમિત રીતે છેતરપિંડી કરતો હોય છે. સંપૂર્ણ જૂઠું બોલવા કરતા આપણને સૌને થોડું કપટ કરવાનું વધારે ફાવે છે.
જેમ કે-
અમુક લોકો માહિતીઓને એવી રીતે રજૂ કરે કે જાણે એના એના ચોક્કસ પુરાવા હોય. જેમ કે- ‘ગુજરાત એ સૌથી વધુ વેજીટેરિયન રાજ્ય છે અને ૭૦ % લોકો શાકાહારી છે.’ એટલે સાંભળનાર વાતને માની બેસે પણ હકીકતમાં હરીયાણા સૌથી વધારે શાકાહારી છે! પણ સાંભળનાર પાસે ચોકકસ આંકડાં નથી અને એ અનુમાનથી માની જાય!
વળી અમુક લોકો કે જે સાચું તો બોલે છે પણ બધાં સવાલના જવાબ આપતા નથી. દા.ત. એક કોન્ટેસ્ટમાં ભાગ લેનરાઓને ‘સેકંડહેંડ કાર’ વહેંચવાની ચેલેંજ આપવામાં આવી. એ બધી કારોમાં ઘણા બધા મિકેનિકલ પ્રોબ્લેમ્સ હતા ને લોકોને પ્રમાણિક રહેવાનું કહેવામાં આવેલું. પરંતુ ૭૧% લોકોએ તો પણ ખરીદનારને, ખોટી વાતોથી ભરમાવવાનો આઇડિયા અપનાવ્યો. જેમ કે-‘ગાડી તો ટનાટન છે. જુઓને, હમણાં ગયા અઠવાડિયામાં જ્યારે તાપમાન માઈનસ ૫ ડિગ્રી ફેરનહીટ થયું હતું ત્યારે પણ ગાડીને ચાલુ કરવામાં જરાયે પ્રોબ્લેમ આવ્યો નહીં!’ વેલ, ટેકનિકલી, આ વાત સાચી હશે પણ કારની બીજી બધી ખામીઓ છૂપાવનારી ને ગેરમાર્ગે દોરનારી વાત હતીને?
વળી, જો તમે કોઈ વાતને વધારે ભાર આપીને ‘અર્ધ-સત્ય’ કહેશો તો સાંભળનાર ચોક્કસ માની લેશે, દા.ત. ‘કોઈ પણ ભાગીદારીમાં ૧ ટકાનો ઘટાડો (અથવા વધારો) શોકિંગ કહેવાય કંઇ સમજાયું?’ રાજકારણીઓ અને શેરબજારના લોકો આવું હંમેશાં કરે છે. આમ છતાંયે તમારી વાત કોઇ ના માનતું હોય તો તમારા મુદ્દાને સાબિત કરવા કોઇ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કે વાર્તા બનાવી નાખો. જેમ કે- કોઇ સાઇકલનો સેલ્સમેન કહે કે ‘મારા દાદા સાઇકલ ચલાવીને ૯૯ વરસ જીવ્યા પણ મારા પપ્પા કાર ચલાવતા હતા તો તેઓ ૭૦ વરસે મરી ગયા, કારણકે કસરત ના થઇ ને?’ સાંભળનારને વાત લોજિકલ લાગે અને તરત જ ૩ ગિઅરની સાઇકલ, ૪ ગણા ભાવે ખરીદી લે.
એનાથી વધીને ‘અર્ધસત્ય’ વહેંચવા માટે લોકો આંકડાઓની માયાજાળ ફેંકે. જેમ કે- ‘ધારો કે એક કંપનીમાં ૧૧ કર્મચારીઓ છે. એમાંથી ૧૦ કર્મચારીઓ વરસમાં ૮ લાખ રૂ. કમાય છે અને ૧૧મો માણસ જે કંપનીનો માલિક છે એ ૪૦ લાખ કમાય છે. તો કંપનીનો વાર્ષિક એવરેજ પગાર ૪૫ લાખ થાય. સાચું કે ખોટું?’ ચતુર કરો વિચાર! માટે જ હાર્વર્ડનું રિસર્ચ કહે છે કે એવરેજ માણસ એવું માને છે કે સંપૂર્ણ જૂઠું બોલવા કરતાં, નાનું-મોટું કપટ કરવું, પ્રેક્ટિકલી ચાલે! પણ જો સામેવાળો કપટ કરે તો આપણે એના પર ભરોસો નથી કરતાં. અંદરથી સૌ જાણે જ છે કે કપટ, એકજાતનું જૂઠ છે!
-અને આ જગતમાં સૌથી વધારે છળ, કપટ ને જૂઠ, પ્રેમ-સંબંધોમાં થાય છે- જેને માટે કોઇ હાર્વર્ડ સ્ટડીની જરૂરત નથી!
એંડ-ટાઇટલ્સ:
આદમ : તું મને કેટલો પ્રેમ કરે છે?
ઇવ: જેટલો તું કરે છે, એનાથી વધારે!