દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું છે. આ હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ માત્ર 198 રન જ બનાવી શકી હતી.
214 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પહેલો ફટકો ઇનિંગની બીજી ઓવરમાં કેપ્ટન શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો જે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. પ્રભસિમરન સિંહ અને અથર્વ તાયડેએ મળીને ટીમની સ્થિતિ સંભાળી હતી. આ પછી પંજાબની ટીમ પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 47 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.
પંજાબ કિંગ્સને બીજો ફટકો 50ના સ્કોર પર પ્રભસિમરન સિંહના રૂપમાં લાગ્યો હતો, જે 19 બોલમાં 22 રનની ઇનિંગ રમીને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. અથર્વ તાયડેએ આ મેચમાં 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અથર્વ અને લિવિંગસ્ટને ત્રીજી વિકેટ માટે 50 બોલમાં 78 રનની ભાગીદારી નોંધાવી હતી.
છેલ્લી 5 ઓવરમાં પંજાબ કિંગ્સને જીતવા માટે 86 રનની જરૂર હતી. ટીમને આ મેચમાં ચોથો ઝટકો 16મી ઓવરમાં જીતેશ શર્માના રૂપમાં લાગ્યો હતો, જે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી લિવિંગસ્ટન અને શાહરૂખ ખાન વચ્ચે 5મી વિકેટ માટે 6 બોલમાં 18 રનની ભાગીદારી થઈ હતી. શાહરૂખ ખાન 3 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
પંજાબ કિંગ્સે ઇનિંગ્સની 17મી ઓવરમાં કુલ 20 રન બનાવ્યા હતા અને હવે તેને જીતવા માટે છેલ્લી 3 ઓવરમાં 59 રનની જરૂર હતી. પંજાબે ઇનિંગ્સની 18મી ઓવરમાં કુલ 21 રન બનાવ્યા, જેના કારણે ટીમને જીતવા માટે છેલ્લા 12 બોલમાં માત્ર 38 રનની જરૂર હતી. 19મી ઓવરમાં પંજાબની ટીમે 2 વિકેટ ગુમાવીને માત્ર 5 રન બનાવ્યા હતા, જેના કારણે તેને જીતવા માટે છેલ્લા 6 બોલમાં 33 રન બનાવવા હતા.
છેલ્લી ઓવરમાં પંજાબ કિંગ્સની ટીમ માત્ર 17 રન જ બનાવી શકી હતી અને તેને 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ માટે લિયામ લિવિંગસ્ટને 48 બોલમાં 94 રનની શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. દિલ્હી તરફથી બોલિંગમાં ઈશાંત શર્મા અને એનરિક નોર્ખિયાએ 2-2 જ્યારે ખલીલ અહેમદ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમની ઇનિંગ્સની વાત કરીએ તો ડેવિડ વોર્નર અને પૃથ્વી શોની ઓપનિંગ જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 94 રનની શાનદાર ભાગીદારી કરી હતી. વોર્નર આ મેચમાં 31 બોલમાં 46 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. દિલ્હી માટે ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલા રિલે રુસોએ આ મેચમાં પોતાની ઇનિંગની શરૂઆત ધમાકેદાર કરી હતી.
રુસોએ માત્ર 25 બોલમાં તેની આઇપીએલ કારકિર્દીની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. રુસો અને પૃથ્વી શો વચ્ચે બીજી વિકેટ માટે 28 બોલમાં 54 રનની ભાગીદારી જોવા મળી હતી. આ પછી રુસો અને ફિલ સોલ્ટે છેલ્લી 5 ઓવરમાં 65 રન બનાવીને 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર ટીમના સ્કોરને 213 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પંજાબ કિંગ્સ તરફથી સેમ કરને 2 વિકેટ લીધી હતી.